સુરતની દીકરીની પીઠ લાલચોળ જોઈને વાલીને ગંભીર ઘટનાની ખબર પડી: ગુજરાતના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ઘટનાની તપાસનો આદેશ આપ્યો
દીકરીને માર મારવાની ઘટનામાં પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી
સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન વિદ્યાલય સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી સાડાત્રણ વર્ષની માસૂમ બાળકીને નિર્દય બનેલી શિિક્ષકાએ ધડાધડ ૩૫ ધબ્બા અને લાફા માર્યા હોવાની અક્ષમ્ય ઘટના બની છે. આ ગંભીર ઘટનાને પગલે સ્કૂલના સત્તાવાળાઓએ શિિક્ષકાને સ્કૂલમાંથી છૂટી કરી દીધી છે. આ બનાવની પોલીસમાં ફરિયાદ પણ થઈ છે. બીજી તરફ ગુજરાતના શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ એની તપાસનો આદેશ આપ્યો હતો.
સુરતની સાધના નિકેતન સ્કૂલમાં બનેલી આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે જેમાં ક્લાસરૂમમાં શિિક્ષકા જશોદા ખોખરિયા કોઈ કારણસર વિદ્યાર્થિનીની પીઠ પર ધબ્બા અને લાફા મારતી નજરે પડે છે. આ દીકરીના પિતા અલ્પેશભાઈએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મારી દીકરી ખુશીને શિિક્ષકાએ ઉપરાઉપરી પીઠમાં ધબ્બા તેમ જ ગાલ પર લાફા માર્યા હતા જેને કારણે તેની પીઠ પર લાલ ધબ્બા દેખાયા હતા. મારી પત્નીએ મને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. આ મુદ્દે અમે શાળાના પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરી હતી.’
ADVERTISEMENT
સુરતની સ્કૂલમાં બાળકીને માર મારવાની ઘટનાને ગુજરાતના શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ દુઃખદ અને ગંભીર ગણાવીને કહ્યું હતું કે ‘આ ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને આ શાળા તથા જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે. આવી નિર્દયતા ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે. આ પ્રકારના કૃત્યથી વિદ્યાર્થીઓના માનસિક સંતુલન પર ખૂબ ઊંડી અસર થાય છે.’


