મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવાનો આદેશ આપ્યો
ચોમાસામાં રસ્તાને લઈને ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં આ વર્ષે પહેલા જ રાઉન્ડમાં ધમાકેદાર વરસાદ પડતાં શહેરો અને ગામડાંઓના રસ્તાઓ, હાઇવે તેમ જ પુલોને નુકસાન થયું છે અને બિસમાર હાલતમાં મુકાઈ ગયા છે. ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે આ માર્ગોનું રિપેરિંગ કરવા માટે તાકીદ કરી છે.
ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે આ બાબતે ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગુજરાતની મ્યુનિસિપલ કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો વિડિયો-કૉન્ફરન્સથી જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલે નાગરિકો તેમ જ ધંધા-રોજગારવાળાઓ માટે રોજિંદી અવરજવરમાં મહત્ત્વના રોડ-નેટવર્કની તાત્કાલિક મરામત કરવામાં આવે એવા નિર્દેશો આપ્યા હતા. ગુજરાતમાં વરસાદને કારણે ૨૪૩ જેટલા પુલોને અસર થઈ છે અને કામગીરી હાથ ધરીને એના ડાઇવર્ઝનનું સતત મૉનિટરિંગ કરવામાં આવે છે.
ADVERTISEMENT
હાઇવે પર ચાલી રહેલું મરામતનું કામ.
ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં કહ્યું હતું કે ‘માર્ગો અને પુલોની મરામત માટે, પૅચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય એવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ ચાલુ રહે.’
નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ હાઇવેની સ્થિતિ વિશે કહ્યું હતું કે ‘આ વર્ષે ચોમાસા દરમ્યાન નૅશનલ હાઇવેના ૮૩ કિલોમીટરમાં નુકસાન થયું છે જેમાંથી ૫૮ કિલોમીટરમાં મરામતનું કામ પૂરું થયું છે અને બાકીના પચીસ કિલોમીટરનું કામ ૨૦ જુલાઈ સુધીમાં પૂરું કરી દેવાશે.’

