ભૂતકાળમાં બન્ની ગ્રાસ લૅન્ડ ચિત્તાનું રહેઠાણ હતું ત્યાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના કચ્છમાં આવેલા બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં હવે પહેલી વાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેનું બ્રીડિંગ સેન્ટર બનશે.
ગુજરાતના વનપ્રધાન મૂળુભાઈ બેરાએ આ જાહેરાત કરીને કહ્યું હતું કે ‘દેશમાં ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસનાં મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ, સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નૅશનલ કૉમ્પેન્સેટરી ફૉરેસ્ટેશન ફન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટી હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.’
ADVERTISEMENT
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘ભૂતકાળમાં બન્ની ગ્રાસ લૅન્ડ ચિત્તાનું રહેઠાણ હતું. સમયાંતરે ચિત્તા લુપ્ત થયા હતા. કેન્દ્ર સરકારે પ્રોજેક્ટને મંજૂરી આપતાં હવે કચ્છનું બન્ની ગ્રાસ લૅન્ડ પુનઃ ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વ ફલક પર જાણીતું થશે અને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છમાં વધુ એક નજરાણું ઉમેરાયું છે.’


