આમ આદમી પાર્ટી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા, BJP અને કૉન્ગ્રેસ હવે નામ જાહેર કરશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ થવાનાં એંધાણ છે. આ બન્ને બેઠકો માટે આમ આદમી પાર્ટી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ગઈ કાલે તેમના ઉમેદવાર જાહેર કર્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ હવે નામ જાહેર કરશે.
શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડી બેઠક માટે ડૉ. ગિરીશ કાપડિયાને અને વિસાવદર બેઠક માટે કિશોર કાનકડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક માટે ગોપાલ ઇટાલિયાનું નામ પહેલાં જાહેર કરી દીધુ હતું અને તેઓ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં વિપક્ષનાં નેતા આતિશી હાજર રહેશે. આમ આદમી પાર્ટીએ ગઈ કાલે કડી વિધાનસભા બેઠક માટે જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે. BJP અને કૉન્ગ્રેસ તેમના ઉમેદવાર ટૂંક સમયમાં જાહેર કરશે જેના કારણે આ બે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચાર પાર્ટીઓ ચૂંટણી-મેદાનમાં ઊતરશે એટલે રસાકસી થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.


