જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી પર આવશે ત્રણ વર્ષનો પ્રતિબંધ
જીતુ વાઘાણી અને મીત વાઘાણી
ગુજરાત ભાજપના પ્રેસિડન્ટ જીતુ વાઘાણીના ચિરંજીવ મીત વાઘાણી ગ્ઘ્ખ્ની સેકન્ડ સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામમાં સત્તાવીસ કાપલી સાથે પકડાયો અને પપ્પા જીતુ વાઘાણીએ પણ દીકરાનો ગુનો સ્વીકારી લીધો ત્યારે એ પ્રશ્ન જન્મે છે કે એક્ઝામમાં ચોરી માટે મીત સામે કેવાં પગલાં લેવાશે. આ પ્રશ્નનો જવાબ છે કે મીત એક્ઝામમાં તો ફેલ થશે જ થશે અને તેણે સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ છ મહિના પછી ફરી આપવી પડશે પણ આ ઉપરાંત એક શક્યતા એવી પણ છે કે તેના પર ત્રણ વર્ષનો એક્ઝામ આપવા પર પ્રતિબંધ પણ આવી શકે છે. ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર કે. એલ. ભટ્ટના કહેવા પ્રમાણે ‘ચોરી કરતાં પકડાયેલા સ્ટુડન્ટ પાસેથી મળેલા ચોરીના સાહિત્ય સાથે તેનું પેપર કવરમાં પેક કરી, કવરને સીલ કરીને એ કવર સાથે એક્ઝામ કમિટી સામે રજૂઆત કરવામાં આવે છે અને એક્ઝામ કમિટી નર્ણિય કરે છે. આ નિર્ણય કરવાનો પણ એક નિયમ છે.’
આ પણ વાંચોઃગુજરાતના ચોકીદારનો દીકરો જ નકલખોર?
ADVERTISEMENT
મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની વેબસાઇટ પર આપવામાં આવેલી કૉપીકેસ રૂલ્સની ગાઇડલાઇન મુજબ જો વાત કરીએ તો જો વિદ્યાર્થી પરીક્ષામાં કાપલી સાથે પકડાય તો તેને નાપાસ કરવામાં આવે છે, પણ જો વિદ્યાર્થી પરીક્ષામાં ગાઇડ કે દસથી વધારે પાનાં સાથેની કાપલી સાથે પકડાય તો તેના પર એક્ઝામ આપવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. મીત વાઘાણી પાસે સત્તાવીસ કાપલીઓ હતી એટલે મીત આ બીજા પ્રકારની સજાનો હકદાર બને છે.


