ગુજરાતની આઇટમોને મળેલા GI ટૅગની સંખ્યા ૨૭ થઈ
ઘરચોળા હસ્તકલાને મળેલા GI ટૅગનું સર્ટિફિકેટ.
ભારત સરકારના કાપડ મંત્રાલયના હૅન્ડલૂમ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત ‘GI ઍન્ડ બિયૉન્ડ – વિરાસત સે વિકાસ તક’ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જ્યૉગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતને મળેલા GI ટૅગની સંખ્યા ૨૭ ઉપર પહોંચી છે, એમાંથી હસ્તકલા ક્ષેત્રે આ ૨૩મો GI ટૅગ મળ્યો છે.
ગુજરાતમાં જ્યાં પણ ગુજરાતીઓ રહેતા હોય તેમના ઘરે લગ્નપ્રસંગ આવે ત્યારે ઘરચોળું અવશ્ય ખરીદવામાં આવે છે અને શુભ પ્રસંગોમાં પહેરવામાં આવે છે. ઘરચોળાં લાલ, મરૂન, લીલા કે પીળા રંગમાં બનાવવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનુરૂપ ઘરચોળા-સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેક્નિક અપડેટ કરી રહ્યા છે જેના પગલે બજારમાં ઘરચોળા-સાડીની ડિમાન્ડમાં સુધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઘરચોળા-સાડી ઉપરાંત સુરતની લુપ્ત થતી કલા સાડેલી, બનાસકાંઠાની સુફ ઍમ્બ્રોઇડરી, ભરૂચ જિલ્લાની સુજની હસ્તકલા તેમ જ અમદાવાદની સૌદાગીરી પ્રિન્ટ અને માતાની પછેડી સહિતની હસ્તકલાને GI ટૅગ આપવામાં આવ્યો છે.