નદીમાં કમર સુધીના પાણીમાં ઊભા રહીને પોતાના દીકરા સહિત પરિવારને બચાવી લેવા માટે ચીસો પાડતી જનેતાના આક્રંદે કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી મૂક્યો
નદીમાંથી આક્રંદ કરતી માતા.
નદીમાં કમર સુધીના પાણીમાં ઊભા રહીને પોતાના દીકરા સહિત પરિવારને બચાવી લેવા માટે ચીસો પાડતી જનેતાના આક્રંદે કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી મૂક્યો : માતાના વલોપાતથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ : મહીસાગર નદીમાં મુજપુર ગામના પઢિયાર પરિવારનાં પિતા, પુત્ર અને પુત્રીનાં મોત
‘મારો છોકરો ડૂબી ગયો, બચાવો... બચાવો...’ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગામ નજીક મહીસાગર નદી પર બનેલો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડતાં પુલ પરથી નીચે નદીમાં ખાબકેલી કારમાં બેઠેલી અને બચી ગયેલી એક માતા નદીમાં કમર સુધીના પાણીમાં ઊભા રહીને પોતાના દીકરા સહિત પરિવારને બચાવી લેવા માટે ચીસો પાડતી રહી. આ જનેતાના આક્રંદે કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી મૂક્યો હતો અને તેના વલોપાતથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
ગંભીરા બ્રિજ તૂટી પડતાં મહી નદીમાં મુજપુર ગામના પઢિયાર પરિવારના પિતા રમેશ પઢિયાર, બે વર્ષનો પુત્ર નૈતિક અને ૪ વર્ષની પુત્રી વેદિકાનાં મોત થયાં હતાં; જ્યારે માતા સોનલ બચી ગઈ હતી. તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તે બે બાળકો અને પતિ ડૂબી જતાં તેમને બચાવવા માટે નદીમાં કમર સુધીના પાણી વચ્ચે ઊભા રહીને બૂમો પાડી રહી હતી. પોતાનો જીવ બચાવવા કરતાં દીકરા, દીકરી અને પતિને બચાવી લેવા માટે પુલ પર ઊભેલા લોકો સમક્ષ કાકલૂદી કરતાં, આજીજી કરતાં તે બૂમો પાડી રહી હતી કે મારો છોકરો ડૂબી ગયો, બચાવો... બચાવો...
આ ગંભીર દુર્ઘટનામાં નદીમાંથી રેસ્ક્યુ કરીને સોનલ પઢિયારને બહાર કાઢવામાં આવી હતી. જોકે તેને બહાર કાઢી ત્યારે તેને ખબર નહોતી કે તેના પતિ અને બે બાળકોનાં મૃત્યુ થયાં છે. સોનલને માથાના ભાગમાં અને હાથ પર ઈજાઓ થઈ હતી. મીડિયા સાથે વાત કરતાં સોનલે કહ્યું હતું કે ‘અમે પૂનમ ભરવા જઈ રહ્યાં હતાં. મારે બાધાનો છોકરો છે તેને પગે લગાવવા જઈ રહ્યાં હતાં. ગાડીમાં હું પાછળની સાઇડમાં બેઠી હતી. અમારા ગામ પાસે જ પુલ છે ત્યાંથી પસાર થતાં જ પુલ તૂટ્યો હતો અને અમારી ગાડી નીચે નદીમાં પડી હતી. અમારી ગાડી પર ટ્રકનાં પૈડાં આવી ગયાં હતાં જેને કારણે અમારી ગાડીનો પાછળનો ભાગ ઊંચો થઈ ગયો હતો એટલે હું મારી જાતે બહાર નીકળી ગઈ હતી. મેં જોયું તો કિનારા પર બધા જોતા હતા. એટલે મેં બૂમો પાડી કે બચાવો... બચાવો... મારા છોકરાને પાણીમાંથી કાઢો. જોકે એ વખતે કોઈ આવ્યું નહીં. એક કલાક સુધી બૂમો પાડ્યા કરી પણ કોઈ આવ્યું નહીં. કલાક પછી બધા આવ્યા. મારો ઘરવાળો અંદર હતો, મારો છોકરો અને છોકરી અંદર હતાં, મારા સંબંધી અંદર હતા. એ બધાનું શું થશે?’

