અધિક શ્રાવણ અને શ્રાવણ મહિનામાં ઘેરબેઠાં પૂજા નોંધાવી શકાશે અને તમને ઘરે બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ તરીકે મળશે
મહાદેવ
અમદાવાદ ઃ અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના સોમનાથ મહાદેવ મંદિરમાં ઘેરબેઠાં બીલીપત્ર ચડાવી શકશો અને બિલ્વ પૂજાનો લહાવો મળશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૨૧ રૂપિયામાં બિલ્વ પૂજાનો ગઈ કાલથી પ્રારંભ કરાયો છે, જે ૬૦ દિવસ સુધી ચાલશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગઈ મહાશિવરાત્રિના પર્વમાં બિલ્વ પૂજા શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧.૪૦ લાખથી વધુ ભક્તોએ આ પૂજાનો લાભ લીધો હતો અને સોમનાથ મહાદેવને બીલીપત્ર અર્પણ કરાયાં હતાં. આ વર્ષે પણ ભાવિકો માટે આ બિલ્વ પૂજા સેવા શરૂ કરાઈ છે. ભાવિકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઑનલાઇનમાં અને ટ્રસ્ટનાં પૂજા વિધિ કાઉન્ટર પર રૂબરૂ જઈને ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન બિલ્વ પૂજા નોંધાવી શકશે. બીલીપત્ર પૂજન બાદ ભાવિકોને તેમના સરનામા પર બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ તરીકે મોકલવામાં આવશે.

