મોરબીમાં ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાને ચેતવણી આપતાં કહ્યું કે કોઈ સલીમ કે સુરેશના નામે પ્રેમ કરીને જો ભોળી દીકરીઓને ફસાવશે તો એ દીકરીના ભાઈ તરીકે હું અહીં આવ્યો છું

મોરબીમાં ગઈ કાલે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી.
સૌરાષ્ટ્રના મોરબીમાં નવનિર્મિત અત્યાધુનિક એસટી બસ-સ્ટૅન્ડનું ગઈ કાલે લોકાર્પણ કરવા આવેલા ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રેમના નામે ષડ્યંત્ર નહીં ચલાવી લેવાય એવા મતલબની વાત કરીને લવ જેહાદીઓને ચેતવણી આપતાં કહ્યું કે ‘પ્રેમના નામે કોઈ ભોળી દીકરીઓને ફસાવશે તો કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.’
મોરબીના અત્યાધુનિક એસટી બસ સ્ટૅન્ડ તેમ જ વાંકાનેર ખાતે નિર્મિત નવા પોલીસ આવાસનું ઈ-લોકાર્પણ ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈ કાલે કર્યું હતું. તેમણે સભાને સંબોધતા લવ જેહાદીઓને કડક શબ્દોમાં ચેતવતાં કહ્યું હતું કે ‘પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામને બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લે કે કોઈ સલીમ કે સુરેશના નામે પ્રેમ કરીને જો અમારી ભોળીભાળી દીકરીને ફસાવશે તો એ દીકરીના ભાઈ તરીકે હું અહીં આવ્યો છું. કોઈ સુરેશ કે સલીમ બનીને પ્રેમ કરે તો પણ ખોટું છે. પ્રેમ કરવાનો બધાને હક છે, પણ પ્રેમના નામે કોઈ ભોળી દીકરીને ફસાવશે તો તેના પર કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.’
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે ‘પ્રેમના શબ્દને, પ્રેમની આસ્થાને બદનામ કરવાનો હક કોઈને નથી. તેને સમજાવવાની જવાબદારી સમાજની છે અને સમજે નહીં, ષડ્યંત્રરૂપી કોઈ કામ કરતા જ રહે તો એને રોકવાની જવાબદારી કાયદાની છે અને એ કાયદાની કામગીરીની જવાબદારી જ્યારે તમે મને આપી છે તો હું આપને વિશ્વાસ અપાવું છું કે આ બાબતે એકદમ ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવશે.’