Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચારૂસેટની વિદ્યાર્થિની સિદ્ધિ: એમેઝોનમાં રૂ. 46 લાખના પેકેજ સાથે પ્લેસમેન્ટ

ચારૂસેટની વિદ્યાર્થિની સિદ્ધિ: એમેઝોનમાં રૂ. 46 લાખના પેકેજ સાથે પ્લેસમેન્ટ

Published : 04 June, 2026 04:36 PM | IST | Anand
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આણંદ જિલ્લાના ચારોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT) સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગની વિદ્યાર્થિની પૂજા રામાણીએ શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

પૂજા રામાણી

પૂજા રામાણી


આણંદ જિલ્લાના ચારોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT) સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (CSPIT)ની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગની વિદ્યાર્થિની પૂજા રામાણીએ શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપની એમેઝોને પૂજાને વાર્ષિક રૂ. 46.38 લાખના આકર્ષક પેકેજ સાથે ફુલ-ટાઇમ નોકરીની ઓફર આપતા યુનિવર્સિટી અને સમગ્ર શૈક્ષણિક જગતમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

મૂળ સુરતના રહેવાસી મહેશભાઈ રામાણી અને ગીતાબેન રામાણીની પુત્રી પૂજાએ પોતાની સફળતાનો શ્રેય સખત મહેનત, સતત પ્રયાસો અને યુનિવર્સિટીના પ્રોત્સાહક વાતાવરણને આપ્યો છે.



પૂજાની પ્રતિભા કોલેજ જીવન દરમિયાન જ ઉજાગર થઈ હતી. તેણે અભ્યાસના બીજા વર્ષમાં એમેઝોન, ચેન્નાઈ ખાતે બે મહિનાની પ્રતિષ્ઠિત ઇન્ટર્નશિપ મેળવવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ત્રીજા વર્ષમાં તેને ફરીથી છ મહિનાની રીટર્ન ઇન્ટર્નશિપ માટે પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે એમેઝોનની કોર ટીમ સાથે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સોલ્યુશન્સ પર સફળતાપૂર્વક કામ કર્યું હતું. તેના આ પ્રદર્શનથી પ્રભાવિત થઈ કંપનીએ તેને સ્થાયી નોકરીની ઓફર આપી છે.


પૂજા માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વિવિધ સહ-અભ્યાસિક અને સંશોધન પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહી છે. તેણે AI અને મશીન લર્નિંગ (ML) વિષયક અનેક સંશોધન પેપર્સ તૈયાર કર્યા છે. ઉપરાંત રોબોટિક્સ સ્પર્ધાઓ, રાષ્ટ્રીય કક્ષાની હેકાથોન તેમજ ઇનોવેશન પ્રોજેક્ટ્સમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

તેણે યુનિવર્સિટી લેવલ સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગનું પ્રતિનિધિત્વ કરીને પોતાની નેતૃત્વ ક્ષમતા અને મેનેજમેન્ટ કૌશલ્યનો પણ પરિચય આપ્યો છે.


પોતાની સફળતા અંગે પ્રતિભાવ આપતાં પૂજા રામાણીએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ મારા જીવનના નવા અધ્યાયની શરૂઆત છે. હું મારા માતા-પિતા અને પરિવારની ખૂબ આભારી છું. ઇન્ટર્નશિપ દરમિયાન CSPITના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ અને CHARUSAT તરફથી મને સતત સહકાર અને પ્રોત્સાહન મળ્યું. ફેકલ્ટી સભ્યો હંમેશા મને પ્રેરિત કરતા રહ્યા. કોલેજ દ્વારા ઓનલાઈન ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું જેથી હું ઇન્ટર્નશિપ અને અભ્યાસ બંનેનું સંતુલન જાળવી શકી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાય અને વિભાગાધ્યક્ષ ડો. નિકિતા ભટ્ટે મને એમેઝોનમાં ઇન્ટર્નશિપ માટે એનઓસી આપવાની સાથે સતત માર્ગદર્શન અને સહયોગ આપ્યો. તેમના પ્રોત્સાહનથી જ હું ઇન્ટર્નશિપ અને અભ્યાસ બંનેમાં સફળતા મેળવી શકી. અહીં મળેલા સંશોધન અને શૈક્ષણિક વાતાવરણને કારણે મારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. હવે ટેક્નોલોજીના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું મારો આગામી ધ્યેય છે.”

પૂજાની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલ, ડીન, પ્રિન્સિપાલ તેમજ તમામ ફેકલ્ટી સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

પૂજા રામાણીની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. તેની આ સિદ્ધિ સ્પષ્ટ લક્ષ્ય, અવિરત મહેનત, સમર્પણ અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. એમેઝોન જેવી વૈશ્વિક કંપનીમાં મળેલું આ પ્લેસમેન્ટ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ ચારૂસેટ અને ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 04:36 PM IST | Anand | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK