ઍક્સિડન્ટ પછી બ્રેઇન-ડેડ થઈ ગયો, પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપીને હૃદય, બે કિડની અને લિવરનું કર્યું દાન
BSFના જવાન રાધાક્રિષ્ન રાય માટે સિવિલ હૉસ્પિટલના સ્ટાફે અને પરિવારજનોએ પ્રાર્થના કરીને નમન કર્યા હતા.
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)નો જવાનનું બ્રેઇન-ડેડ થયા બાદ તેના પરિવારજનોએ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં તેનાં અંગોનું દાન કર્યું હતું. જીવન દેશની રક્ષા માટે વિતાવ્યું તો મૃત્યુ બાદ પણ દેશવાસીઓ માટે નવજીવન બનીને આવેલા જવાન રાધાક્રિષ્ન રાયના પરિવાજનોએ અંગદાન માટે સંમતિ આપીને હૃદય, કિડની અને લિવરનું દાન કર્યું હતું.
ADVERTISEMENT
BSFનો જવાન રાધાક્રિષ્ન રાય.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘મૂળ પશ્ચિમ બંગાળનો ૪૮ વર્ષનો રાધાક્રિષ્ન રાય BSFમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતો હતો. ૨૯ જૂને નાના ચિલોડા ખાતે રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઍક્ટિવા સ્લિપ થતાં તેને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. તેને ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ એ જ દિવસે મોડી રાતે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં ૭૨ કલાકથી વધુ સમય સુધી સઘન સારવાર બાદ ડૉક્ટરોએ તેને બ્રેઇન-ડેડ જાહેર કર્યો હતો. તેના પરિવારજનોને અંગદાન વિશે જાણકારી આપવામાં આવતાં તેમણે તેનાં અંગોનું દાન કરવાની સંમતિ આપીને તેનાં હૃદય, એક લિવર અને બે કિડનીનું દાન કર્યું હતું. હૃદયનું સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલમાં અને એક લિવર તેમ જ બે કિડનીનું કિડનીની હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ દરદીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. જીવનભર ભારતીય સેનામાં સેવા માટે અને મૃત્યુ બાદ અંગદાન કરીને અન્ય પરિવારોના જીવનમાં નવી આશા લાવવા માટે BSFના જવાન અને તેના પરિવારના ઋણી રહીશું.’

