પ્રતિ કલાક ૧૨ કિલોમીટરની ઝડપે આગળ વધતા સાઇક્લોનની ગતિમાં હવે ઘટાડો થવાની શક્યતા નહીંવત્ હોવાથી શુક્રવારને બદલે એ આવતી કાલે બપોર સુધી કચ્છના જખૌથી નળ સરોવર વચ્ચે લૅન્ડ થાય એવી પૂરી સંભાવના છે
પોરબંદરમાં ગઈ કાલે બિપરજૉયના આગમન પહેલાં ભારે વરસાદ અને ભારે પવનના કારણે નુકસાનગ્રસ્ત ઘર. તસવીર પી.ટી.આઇ.
અરબી સમુદ્ર પર ઊભા થયેલા ડિપ્રેશનને કારણે સર્જાયેલા બિપરજૉય સાઇક્લોનની ગતિમાં ફરીથી વધારો થતાં હવે ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે કે બિપરજૉય આવતી કાલે લૅન્ડફૉલ કરી શકે છે. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિપરજૉય અત્યારે જે ગતિએ આગળ વધી રહ્યું છે એ જોતાં એવું કહી શકાય કે એ આવતી કાલે સવારે સાડાઅગિયારથી એક વાગ્યા વચ્ચે લૅન્ડફૉલ કરી શકે છે. લૅન્ડના સંપર્કમાં આવ્યા પછી હવે એની ગતિમાં કોઈ મોટો ચેન્જ આવે એવા ચાન્સિસ નથી, જેને લીધે હવે બિપરજૉય મોડું આવે એ શક્યતા નહીંવત્ બની છે.’
બિપરજૉયની અત્યારની ગતિ પ્રતિ કલાક ૧૨ કિલોમીટરની છે, જે છેલ્લા ત્રણ દિવસની સૌથી વધારે ઝડપ છે. ગુજરાત હવામાન વિભાગના કહેવા મુજબ લૅન્ડફૉલ જ્યાં થશે ત્યાં લૅન્ડફૉલ સમયે ૧પ૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નળ સરોવરથી જખૌ વચ્ચે બિપરજૉયનું લૅન્ડફૉલ થવાની શક્યતા છે. આ વિસ્તારમાં લૅન્ડફૉલ થયા પછી બિપરજૉયની તાકાત ઓસરવી શરૂ થશે, પણ શરૂઆતના કલાકોમાં એવું નહીં બને અને એ પાકિસ્તાનના બૉર્ડર વિસ્તારને સ્પર્શ કરતાં રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાંથી આગળ વધીને રવિવાર સુધી મધ્ય પ્રદેશમાં દાખલ થઈ ઓસરી જશે.
ADVERTISEMENT
દર્શનાર્થીઓને અપીલ સોમનાથ અને સાળંગપુરમાં દર્શન કરવા ન આવો
બિપરજૉય વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે ત્યારે સોમનાથના દરિયાકિનારે આવેલાં સોમનાથ મહાદેવજી અને સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીદાદાના મંદિર સત્તાવાળાઓએ વાવાઝોડાના આ દિવસોમાં બહારથી આવતા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય એ માટે મંદિરમાં દર્શન કરવા નહીં આવવા માટે અપીલ કરી છે. સોમનાથ મંદિર પાસે દરિયાકિનારે બનાવેલા સમુદ્રપથ પ્રોમોનેડ સલામતીના કારણસર બંધ કરાયો છે અને લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ બંધ રાખવામાં આવ્યો છે. સાળંગપુર યાત્રાધામમાં પણ આજથી ૧૬ જૂન સુધી હનુમાનજીદાદાનાં દર્શન માટે મંદિરનો પ્રવાસ નહીં કરવા અપીલ કરી છે.
કેટલાં કિલોમીટરની ઝડપે આગળ વધે છે?
૧૨ કિલોમીટર પ્રતિ કલાક
અંદાજે ઘેરાવો કેટલો છે?
૬૦૦ કિલોમીટર
કેટલા જિલ્લામાં સીધી અસર?
૮ જિલ્લામાં
કેટલા લોકોનાં સ્થળાંતર થયાં?
અંદાજે ૩૦,૦૦૦થી વધુ લોકોનાં
કેટલાં ગામ ખાલી કરાવાયાં?
૪ જિલ્લાનાં અંદાજે ૩૦ ગામ
કેટલી જગ્યાએ ૧૪૪ની કલમ?
૪ જિલ્લામાં અંદાજે ૩પ જગ્યાએ
બિપરજૉયની આઇમાં પવનની ગતિ?
૦ કિલોમીટર અર્થાત્ સામાન્યતઃ
બિપરજૉયની સૌથી બહારના વલયની પવનની ગતિ?
અંદાજે ૧૩પ કિલોમીટર પ્રતિ કલાક
બિપરજૉય દેશનાં કેટલાં રાજ્યોમાંથી પસાર થશે?
ઓછામાં ઓછાં ૨, વધુમાં વધુ ૩

