કચ્છમાં જે ગામની પાછળ દરિયો આવેલો છે એ સિંધોડી મોટી ગામમાં ભયનો માહોલ નથી, ગામના ૧૨૦૦ ગ્રામજનો છે પૉઝિટિવ, આ ગામના લોકોએ ૧૯૮૮ અને ૧૯૯૮માં વાવાઝોડું જોયું છે : વાવાઝોડાને કારણે ગામમાં પહેલી વાર જૂન મહિનામાં વરસાદ પડ્યો
સિંધોડી મોટી ગામે વાવાઝોડાની અસરના પગલે ગઈ કાલે વરસાદ પડ્યો હતો.
કચ્છ પર ‘બિપરજૉય’ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે ત્યારે કચ્છના ખમીરવંતા કચ્છીઓની આપદામાં પણ ખુમારી અકબંધ જોવા મળી છે. કચ્છમાં જે ગામની પાછળ માંડ આઠ કિલોમીટર દૂર દરિયો આવેલો છે એ સિંધોડી મોટી ગામમાં વાવાઝોડાને લઈને ભયનો માહોલ નથી, પરંતુ ગામના ૧૨૦૦ ગામજનો વાવાઝોડાને લઈને પૉઝિટિવ છે. જોકે સંભવિત કુદરતી આફત સામે તેઓએ સલામતીનાં પગલાં ભર્યાં છે અને સચેત પણ બન્યા છે.
વાવાઝોડું કચ્છ પર મંડરાયેલું છે ત્યારે જખૌથી ૧૨-૧૩ મિલોમીટર દૂર આવેલા કચ્છના અબડાસા તાલુકાના સિંધોડી મોટી ગામના સરપંચ ગોપાલ ગઢવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામમાં ૧૨૦૦ની વસ્તી છે. હાલમાં વાવાઝોડાના કારણે પવનની ગતિ વધી છે અને લગભગ બેથી અઢી ઇંચ જેટલો વરસાદ ગામમાં પડ્યો છે. આ વાવાઝોડાના કારણે પહેલી વાર અમે જૂનમાં વરસાદ જોયો. બાકી અમારા ગામમાં જૂન મહિનામાં ક્યારેય વરસાદ પડ્યો નથી. ગામમાં જુલાઈ અને ઑગસ્ટમાં વરસાદ આવે. જૂનમાં તો આવે જ નહીં.’
ADVERTISEMENT
વાવાઝોડાના પગલે ગામમાં ડરનો માહોલ નથી, પરંતુ ગામજનો નૉર્મલ બિહેવમાં છે, એ વિશે વાત કરતાં ગોપાલ ગઢવીએ કહ્યું હતું કે ‘ગામ લોકોએ ૧૯૮૮ અને ત્યાર બાદ ૧૯૯૮માં વાવાઝોડું આવ્યું એ જોયું છે એટલે તેઓ વાવાઝોડાથી ટેવાયેલા છે, એમ કહી શકાય. વાવાઝોડું આવતું હોય એટલે થોડો ઘણો ડર હોય, પણ ડરને હાવી નથી થવા દીધો, અમે પૉઝિટિવ રહીએ છીએ. ભગવાન પર વિશ્વાસ છે કે ટાળી દેશે. બાકી વાવાઝોડું આવવાનું હશે તો હાથ આડા દેવાશે નહીં, પણ સાલમતીનાં પગલાં ભરીને સાવચેતી રાખીને મનોબળ મક્કમ કરીને સામનો તો કરવો પડશે.’
વાવાઝોડા સામે સાવચેતીના મુદ્દે તેઓએ કહ્યું હતું કે ‘અમે ગામમાં નબળાં મકાનોવાળા માટે શિફ્ટિંગની વ્યવસ્થા કરી છે. અંદાજે ૪૦૦–૫૦૦ માણસોનું શિફ્ટિંગ કરવું પડે તો સ્કૂલ, પંચાયત કચેરી તેમ જ સમાજની વાડીમાં વ્યવસ્થા કરી છે. અમારા ગામની પાછળ દરિયો આઠ કિલોમીટર દૂર છે, પરંતુ સલામતીનાં કારણોસર હાલમાં કોઈને દરિયા તરફ જવા દેવામાં આવતા નથી. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મરીન કમાન્ડો પૅટ્રોલિંગ કરી રહ્યા છે. ગામમાં આશરે ૩૦૦ જેટલા માછીમારો છે. આ બધા જ માછીમારો હાલમાં ઘરે પરત આવી ગયા છે.’


