ગીતા જયંતીના અવસરે ગુજરાતના શિક્ષણ વિભાગે શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ–૧ પુસ્તકનું વિમોચન કર્યું : ગીતાજ્ઞાનથી બાળકોનું કરાશે ઘડતર
ગીતા પુસ્તકનું વિમોચન કરી રહેલા સંત સાથે શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા અને શિક્ષણપ્રધાન કુબેર ડિંડોર
ગુજરાતમાં ગઈ કાલે ગીતા જયંતીના અવસરે શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કે શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ–૧ ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરીને બહાર પાડ્યો છે અને આવતા સત્રથી વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવાશે અને ગીતાજ્ઞાનથી બાળકોનું ઘડતર કરાશે.
ગુજરાતના શિક્ષણ વિભાગે શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ–૧ પુસ્તક તૈયાર કર્યું હતું, જેને શિક્ષણપ્રધાન કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ વિમોચન કર્યું હતું. શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે કહ્યું હતું કે ‘શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ–૧ એ ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે એનું અમલીકરણ બીજા સત્રથી કરી રહ્યા છીએ. મને કહેતાં એ બાબતે આનંદ થાય છે કે આજે ગીતા જયંતી છે અને પૂરા વિશ્વમાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. આ દિવસે ગીતાનાં સિદ્ધાંતો અને મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ જાણે અને એ પ્રમાણે એનું જીવન વ્યતિત કરે એ માટે આ સ્તુત્ય પ્રયાસ છે.’
