નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર બેડની હૉસ્પિટલ તૈયાર કરી
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
ઍમ્બ્યુલન્સ-ડૉક્ટર સહિતનો સ્ટાફ હાજર હશે ઃ આજે ખરા બપોરે ભરતડકે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મૅચ
ADVERTISEMENT
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બપોરે સાડાત્રણ વાગ્યાથી ભરતડકે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચ રમાવાની છે ત્યારે ઉનાળાના આકરા તાપને લઈને સ્ટેડિયમમાં ચાર બેડની હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે તેમ જ ઍમ્બ્યુલન્સ અને ડૉક્ટર સહિતનો સ્ટાફ હાજર રખાશે. ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે કહ્યું કે ‘આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે ૩.૩૦ વાગ્યે મૅચ રમાવાની છે ત્યારે હવામાન ખાતાએ તાપમાન વધુ રહેવાની અને હીટ વેવની આગાહી કરી છે એને લીધે સ્ટેડિયમમાં મૅચ જોવા આવનારા પ્રેક્ષકો કે બંદોબસ્તમાં રોકાયેલા કર્મચારીઓ સહિતની કોઈ પણ વ્યક્તિને ગરમીની અસર ઓછી થાય, હીટ વેવથી તેમને રક્ષણ મળે એ માટે સ્ટેડિયમમાં હૉસ્પિટલનો સ્ટાફ, ડૉક્ટર્સ અને ૧૦૮ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત સ્ટેડિયમમાં જ ચાર બેડની નાની કામચલાઉ હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે. જરૂર જણાય ત્યારે મેડિકલ કાઉન્ટર પરથી અને સ્વયંસેવકો પાસેથી કોઈ પણ વ્યક્તિ વિનામૂલ્ય ORSનાં પૅકેટ મેળવી શકશે.’

