દીકરાના જલસાના પહેલા દિવસે નીતા અંબાણીની જમાવટ : જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન કેમ રાખ્યાં એની ચોખવટ કરી એક વિડિયો દ્વારા
નીતા અંબાણીએ એક વિડિયોમાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન દેશ-વિદેશની જાણીતી હસ્તીઓની હાજરીમાં જામનગરમાં ગઈ કાલે શરૂ થઈ ગયું છે. જોકે એ પહેલાં ગઈ કાલે સાંજે નીતા અંબાણીએ એક વિડિયો દ્વારા આ ફંક્શન જામનગરમાં શું કામ રાખવામાં આવ્યું છે એની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ત્રણેય સંતાનનું બાળપણ અહીં વીત્યું છે એટલે તેઓ તેમના જન્મસ્થળ સાથે જોડાયેલાં રહે એ માટે અહીંનું આયોજન કરવામાં આવ્યું છે.
નીતા અંબાણીએ કહ્યું કે ‘અમારાં ત્રણેય સંતાન આકાશ, ઈશા અને અંનતનું બાળપણ જામનગરમાં વીત્યું છે. બિઝનેસને કારણે અમે મુંબઈમાં રહીએ છીએ એટલે કેટલીક વાતો પાછળ છૂટી ગઈ હતી, જેનાથી હું દુનિયાને વાકેફ કરાવવા માગતી હતી.’
ADVERTISEMENT
નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે ‘આખા અંબાણી પરિવારનો જામનગર સાથે ગાઢ સંબંધ છે. અનંતનાં દાદી કોકિલાબહેનનો જન્મ જામનગરમાં થયો હતો. તેના દાદા ધીરુભાઈએ જામનગરથી જ બિઝનેસની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, અનંતના પિતા મુકેશ અંબાણીએ પણ જામનગરથી જ પરિવારનો વ્યવસાય સંભાળ્યો હતો અને બિઝનેસની કળા શીખ્યા હતા. એ સિવાય મને ભારતીય સંસ્કૃતિ સાથે ખૂબ પ્રેમ છે, કારણ કે ભારતની સંસ્કૃતિ અને કલા મને ખૂબ પ્રેરિત કરે છે. આથી ગુજરાતી કલ્ચર અને પારંપરિક રીતરિવાજ સાથે મેં અનંત અને રાધિકાનાં પ્રી-વેડિંગ જામનગરમાં કરવાનો પ્લાન બનાવ્યો હતો.’
આ ફંક્શન માટે અંબાણી પરિવારે દેશ-દુનિયાના ૧૦૦૦ મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે. ગઈ કાલે આમિર ખાન, મહેન્દ્ર સિંહ ધોની, સાક્ષી ધોની, સૈફ અલી ખાન, કરીના કપૂર, આનંદ મહિન્દ્ર, સચિન તેન્ડુલકર, હાર્દિક અને કૃણાલ પંડ્યા, અક્ષયકુમાર, માધુરી દીક્ષિત નેને, સોનાલી બેન્દ્રે સહિતની સેલિબ્રિટીઝ જામનગર પહોંચી હતી.
મોંઘેરા મહેમાનોને આવા ટેન્ટમાં આપવામાં આવ્યો છે ઉતારો
જામનગરમાં અંબાણી પરિવારે તૈયાર કરેલી ટેન્ટ સિટીમાં પ્રી-વેડિંગ માટે પધારેલા મહાનુભાવોને ઉતારો આપવામાં આવ્યો છે. ગઈ કાલે બૅડ્મિન્ટન સ્ટાર સાઇના નેહવાલે આ ટેન્ટના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.