Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજી રહ્યા છે જય અંબેના જયઘોષ

અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજી રહ્યા છે જય અંબેના જયઘોષ

Published : 05 September, 2025 10:39 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦ વર્ષના બાળકે મળેલા ૭૦૦૦ રૂપિયા માલિકને પરત કર્યા : ૧૯૧ વર્ષથી પદયાત્રા કરીને અંબાજી જતો લાલદંડા સંઘ પહોંચ્યો અંબાજી

અંબાજી મેળામાંથી મળી આવેલા ૭૦૦૦ રૂપિયા ૧૦ વર્ષના સાહીને પરત કર્યા.

અંબાજી મેળામાંથી મળી આવેલા ૭૦૦૦ રૂપિયા ૧૦ વર્ષના સાહીને પરત કર્યા.

૧૦ વર્ષના બાળકે મળેલા ૭૦૦૦ રૂપિયા માલિકને પરત કર્યા : ૧૯૧ વર્ષથી પદયાત્રા કરીને અંબાજી જતો લાલદંડા સંઘ પહોંચ્યો અંબાજી : લોકગીતો ગાતાં-ગાતાં ૭૦૦થી વધુ આદિવાસી લોકો બનાવી રહ્યા છે મોહનથાળનો પ્રસાદ : ચાર દિવસમાં ૨૨,૪૩,૪૮૯ માઈભક્તોએ અંબે માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી 

આસ્થાના મુકામ એવા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તો પદયાત્રા કરીને દર્શને આવી રહ્યા છે અને અરવલ્લીની ગિરિમાળાઓમાં જય અંબેના જયઘોષ થઈ રહ્યા છે ત્યારે આધ્યાત્મિકતાની અલખ જગાવતી પવિત્ર ભૂમિ અંબાજીમાં એક બાળકની પ્રામાણિકતા ઉજાગર થઈ છે. લાખોની ભીડ વચ્ચે સાણંદના ૧૦ વર્ષના સાહીનને ૭૦૦૦ રૂપિયા ભરેલું કવર મળ્યું હતું, પૈસા જોઈને લાલચમાં આવ્યા વગર સાહીને આ કવર તેના માલિકને પરત કર્યું હતું. 

સાણંદથી અંબાજીમાં દર્શન કરવા આવેલા ૧૦ વર્ષના સાહીનને એક દુકાન પાસેથી એક કવર મળી આવ્યું હતું. એ કવર ખોલીને જોતાં એમાં ૭૦૦૦ રૂપિયા હતા. પૈસા જોઈને તે લલચાઈ ગયો નહોતો, પણ આ પૈસા કોના હશે એ વિચારી રહ્યો હતો. એ દરમ્યાન જેના પૈસા ખોવાયા હતા તે અંબાજીનો વેપારી પ્રકાશ વ્યાસ ખોવાયેલા પૈસા શોધતાં-શોધતાં બાળક ઊભો હતો એ દુકાન પાસે આવ્યો હતો. તેની વાત સાંભળીને સાહીનને લાગ્યું કે આ પૈસા પ્રકાશ વ્યાસના જ છે એટલે તેના પૈસા પરત કર્યા હતા. પ્રકાશ વ્યાસે સાહીનનો આભાર માન્યો હતો અને તેને ખુશ કરી દીધો હતો. એટલું જ નહીં, આ ઘટનાની જાણ વહીવટીતંત્રને થતાં ૫૧ શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કન્ટ્રોલ પૉઇન્ટમાં સાહીનની પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાને બિરદાવીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચેથી માઈભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ જઈ રહ્યો છે.

૫૧ બ્રાહ્મણો સાથેના લાલદંડા સંઘનું અંબાજીમાં આગમન

છેલ્લાં ૧૯૧ વર્ષથી અમદાવાદથી પદયાત્રા કરીને અંબાજી જતો ઐતિહાસિક લાલદંડા સંઘ ગઈ કાલે અંબાજી પહોંચ્યો હતો. આ સંઘ જ્યાંથી પણ પસાર થાય છે ત્યાં તેનું સ્વાગત કરવામાં આવે છે. દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ સંઘને આવકારવામાં આવે છે. ૫૧ બ્રાહ્મણો તેમ જ ૪૫૦ માઈભક્તો પદયાત્રા કરીને અંબાજીમાં અંબે માતાજીનાં દર્શન કરવા આવે છે. આ સંઘ અંબાજી પહોંચતાં સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ ધન્યતા અનુભવી હતી. લાલદંડાવાળા સંઘની પાછળ લોકવાયકા જોડાયેલી છે એ મુજબ વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે એ સમયના નગરશેઠે અંબે માતાજીની બાધા રાખી હતી કે પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો અંબે માતાજીનાં દર્શન કરવા બ્રાહ્મણોને લઈને આવીશ. અમદાવાદમાં પ્લેગ રોગ નાબૂદ થયો અને સંઘ શરૂ થયો અને એ પરંપરા આજે પણ ચાલુ છે. લાલદંડાનો સંઘ અંબાજી પહોંચતાં અંબાજી મંદિર દ્વારા એને આવકારવામાં આવ્યો હતો.

લાલદંડાવાળો સંઘ અંબાજી પહોંચ્યો હતો.

મનલુભાવન મોહનથાળનો પ્રસાદ

અંબાજી જાઓ અને મોહનથાળનો પ્રસાદ ન લાવો એવું બને જ નહીં. ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રાળુઓ અંબાજી આવતા હોય છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદ માટે ખાસ વ્યવસ્થા કરવામાં ‍આવી છે અને રોજ ગરમાગરમ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ ઑફિસર કે. કે. ચૌધરીએ કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં ૬૫૧ ઘાણ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાયો છે. ૮૦ ગ્રામનાં કુલ પચીસ લાખ પૅકેટ તૈયાર કરવામાં આવ્યાં છે. મોહનથાળનો પ્રસાદ ૭૦૦થી વધુ આદિવાસી ભાઈઓ-બહેનો બનાવી રહ્યાં છે. પ્રસાદના એક ઘાણમાંથી ૩૨૬.૫ કિલો પ્રસાદ બને છે. એક ઘાણમાં ૧૦૦ કિલો બેસન, ૧૫૦ કિલો ખાંડ, ૭૬.૫ કિલો ઘી અને ૨૦૦ ગ્રામ એલચી નાખીને પ્રસાદ બનાવવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળામાં એક હજાર ઘાણ બનાવવાની વ્યવસ્થા કરાઈ છે અને ૨૭ પ્રસાદ-કેન્દ્રો પરથી પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે.’ 

મોહનથાળનો પ્રસાદ બનાવી રહેલા પુરુષો પરંપરાગત લોકગીતો ગાતાં-ગાતાં પ્રસાદ બનાવે છે અને પ્રસાદ બનાવવામાં મદદરૂપ થતી મહિલાઓ આદિવાસી લોકબોલીમાં ગવાતાં ગીતો પર ગરબે ઘૂમીને ભક્તિ કરતાં-કરતાં પ્રસાદ બનાવી રહી છે. લોકગીતોની મીઠાશ પણ મોહનથાળના પ્રસાદમાં ભળી રહી છે.

અંબાજીમાં બની રહેલો મોહનથાળનો પ્રસાદ.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2025 10:39 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK