૨૪ માર્કર સાથે માત્ર બે જ કલાકમાં સૉફ્ટવેર ડેવલપ કર્યું, DNA ટેસ્ટની પ્રક્રિયા ઝડપી બની અને બેથી ત્રણ દિવસનો ટાઇમ બચાવ્યો
DNA મૅચિંગની કામગીરી કરી રહેલા ડૉ. વિશાલ મેવાડા અને તેમની ટીમ.
અમદાવાદમાં થયેલા પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોની ડેડ-બૉડી તેમના સ્વજનોને ઝડપથી મળી શકે એ માટે ગાંધીનગરની નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની ટીમે ૨૪ માર્કર સાથે માત્ર બે કલાકમાં સૉફ્ટવેર બનાવીને એમાં ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલના ડેટા નાખીને એકસાથે મલ્ટિ પ્રોફાઇલ મૅચ કરવા કમ્પેરિઝન થઈ શકે એવું સૉફ્ટવેર ડેલવપ કર્યું એટલે DNA-ટેસ્ટની પ્રક્રિયા ઝડપી બની અને બેથી ત્રણ દિવસનો ટાઇમ બચાવ્યો છે. આવું પહેલી વાર બન્યું છે. જીવ ગુમાવનારા લોકોના સ્વજનોને ઝડપથી ડેડ-બૉડી મળે એ માટે ડૉ. વિશાલ મેવાડા સહિતની નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની ટીમે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે અને સમાજ માટે એવું આવકારદાયક કાર્ય થયું જેને કારણે સ્વજનો સુધી ડેડ-બૉડી ઝડપથી પહોંચી શકી છે. એટલી ઝડપથી આ સૉફ્ટવેર બનાવ્યું છે કે હાલમાં તો એને કોઈ નામ આપવાનો પણ સમય ટીમ પાસે નથી અને બને એટલી ઝડપી ગતિએ DNA-ટેસ્ટનો રિપોર્ટ આપી શકાય એ દિશામાં કામગીરી કરી રહી છે.
ADVERTISEMENT
સૉફ્ટવેર ડેવલપ કરવામાં મહત્ત્વનો રોલ અદા કરનાર ડૉ. વિશાલ મેવાડા.
DNA મૅચિંગ કરી રહેલું સૉફ્ટવેર.
જેમણે સૉફ્ટવેર ડેવલપ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો એ નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સેન્ટર ફૉર એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિકની ટીમના સભ્ય અને અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિશાલ મેવાડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્લેન-ક્રૅશની જે ઘટના બની એમાં આવેલાં ઘણાં બધાં DNA-સૅમ્પલ મૅચ કરવામાં આવ્યાં હતાં. આટલાં બધાં સૅમ્પલને મૅચ કરવામાં બે-ત્રણ દિવસ લાગે એટલે અમે ઇન-હાઉસ સૉફ્ટવેર બનાવ્યું જે રૉ ફાઇલમાંથી પાંચ-દસ મિનિટમાં એકબીજાનાં કમ્પેરિઝન આપી દે એટલે DNA-સૅમ્પલ મૅચિંગમાં બે-ત્રણ દિવસનો ટાઇમ બચાવ્યો. જ્યારે આ ઘટના બની અને અમારી યુનિવર્સિટીમાં DNA-સૅમ્પલ આવ્યાં ત્યારે થયું કે આ સૅમ્પલનો રિપોર્ટ ઝડપથી મળે એવું કામ કરવું જોઈએ એટલે એ દિશામાં ઝડપી કામ કરીને અંદાજે બે કલાકમાં સૉફ્ટવેર બનાવ્યું હતું. આ સૉફ્ટવેરમાં DNA-મૅચ માટે ૨૪ માર્કર નાખ્યાં જે DNA પ્રોફાઇલ મૅચની પ્રક્રિયા કરતું હતું. DNA-સૅમ્પલના જેટલા ડેટા આવ્યા એ તેમ જ રેફરન્સનાં જે સૅમ્પલ આવ્યાં એ બધા ડેટા આ સૉફ્ટવેરમાં અપલોડ કર્યા, જેને કારણે બધા ડેટા એકબીજા સૅમ્પલ સાથે અને રેફરન્સ સાથે મૅચ કરી સૉફ્ટવેર રિપોર્ટ જનરેટ કરતું હતું. આ સૉફ્ટવેરથી મોટા ભાગની પેરન્ટ-ચાઇલ્ડની DNA પ્રોફાઇલ મૅચ થઈ ગઈ. સૉફ્ટવેરથી જે રિઝલ્ટ આવ્યાં એને અમારી ટીમ મૅન્યુઅલી ચેકિંગ કરીને વેરિફાય કરતી જેથી રિપોર્ટમાં ઍક્યુરસી જળવાય અને કોઈ એરર ન રહી જાય. આ સૉફ્ટવેરને કારણે DNA-મૅચિંગની પ્રક્રિયા ઝડપી બની.’
(ડાબેથી) ડૉ. વિશાલ મેવાડા, ડૉ. મલય શુક્લ અને ડૉ. ભાર્ગવ પટેલે DNA રિપોર્ટની ચર્ચા કરી હતી. તસવીરો : શૈલેષ નાયક
નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સેન્ટર ફૉર એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિકના કો-ઑર્ડિનેટર ડૉ. મલય શુક્લએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅન્યુઅલી DNA મૅચિંગ કરવામાં લાંબો સમય જાય એમ હતું એટલે જ્યારે ઘટનાની ખબર પડી અને DNAનું પરીક્ષણ કરવાની જવાબદારી અમારી યુનિવર્સિટીમાં આવી ત્યારે અમારી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શનમાં ડૉ. ભાર્ગવ પટેલ સહિતની અમારી ટીમે પ્લાનિંગ કરીને સૉફ્ટવેર બનાવ્યું જેમાં ડૉ. વિશાલ મેવાડાનો મહત્ત્વનો રોલ રહ્યો. DNA પ્રોફાઇલ પહેલાં વન-ટુ-વન મૅચ થતી હતી અને હવે સૉફ્ટવેરને કારણે DNA પ્રોફાઇલ મૅની-ટુ-મૅની મૅચ થાય છે. સૉફ્ટવેરમાં DNA પ્રોફાઇલનો ડેટા અપલોડ કરીએ અને કમાન્ડ આપતાં સૉફ્ટવેર જાતે જ મૅચિંગની પ્રક્રિયા કરતું. આ સૉફ્ટવેર બહુ ઉપયોગી થઈ પડ્યું અને DNA પ્રોફાઇલની પ્રક્રિયા ઝડપી બની અને જીવ ગુમાવનારા લોકોનાં સગાંઓને ઝડપથી રિપોર્ટ મળતાં તેમને ડેડ-બૉડી પણ ઓછા સમયમાં મળે એવો પ્રયાસ આ સૉફ્ટવેર ડેવલપ કરવા પાછળનો છે અને એમાં અમારી ટીમને સફળતા મળી છે.’

