વિદેશીઓ ભારતમાં ભ્રમણ કરવા માટે રૂટીન કરતાં હટકે કહેવાય એવા વિકલ્પો અપનાવતા હોય છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વિદેશીઓ ભારતમાં ભ્રમણ કરવા માટે રૂટીન કરતાં હટકે કહેવાય એવા વિકલ્પો અપનાવતા હોય છે. જોકે આમાં એક ચોંકાવનારો દાવો સોશ્યલ મીડિયા પર થઈ રહ્યો હતો જેમાં બે ફૉરેનર રિક્ષા ચલાવતા જોવા મળે છે અને એમાંથી એક નૉર્વેના પોર્સેન્જર શહેરના મેયર ઈંગ હેસ્જેવિક છે. રિક્ષાને પણ પીળા ચમકદાર રંગથી રંગવામાં આવી છે અને એની પાછળ લખ્યું છે ઃ શિકાગોમાં સ્કૂટર ચલાવનારાઓ બદતમીઝ હોય છે. ખરેખર કોઈ શહેરના મેયર રિક્ષા લઈને જઈ રહ્યા છે કે કેમ એ વાતની પુષ્ટિ કરવા માટે અનેક સ્થાનિક પત્રકારો દોડી ગયા તો ખબર પડી કે આ વાતમાં દમ છે. જોકે નૉર્વેના શહેરના મેયરની સાથે કુલ ૬૧ લોકોનું ગ્રુપ ગુજરાતમાં ફરવા નીકળ્યું છે. તેમણે કુલ ૩૭ રિક્ષાઓ ભાડે કરી છે અને પ્રવાસીઓ ખુદ જ એ ચલાવીને ભારતના વિવિધ વિસ્તારો એક્સપ્લોર કરી રહ્યા છે. આ સહેલાણીઓ ગુજરાતનાં વિવિધ શહેરો ઉપરાંત જેસલમેર અને રાજસ્થાનનાં જાણીતાં સ્થળોએ પણ રિક્ષા લઈને ફરી આવ્યા છે. નૉર્વેના આ મેયરનું કહેવું છે કે ભારતને જોવા, જાણવા અને સમજવા માટે રિક્ષા જેવો સરસ વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે.
