શિક્ષક દીકરીને ઑફિસમાં લઈ ગયો અને પિતાએ પકડી લીધો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં શિક્ષણજગતને લજવતી ઘટનામાં લંપટ શિક્ષકની કામુકતાનો પર્દાફાશ ખુદ બાળકીના પિતાએ કર્યો હતો. ૯ વર્ષની બે માસૂમ વિદ્યાર્થિનીઓની સાથે શારીરિક અડપલાં કરતા હેવાન શિક્ષક મહેન્દ્ર કાવઠિયાને ખુદ વાલીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો હતો.
અત્યંત શરમજનક ઘટના વિશે અમરેલી જિલ્લાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DySP) ચિરાગ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમરેલી પાસેની એક પ્રાથમિક શાળામાં ધોરણ ૪માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તેના પેરન્ટ્સને શિક્ષકની કરતૂત વિશે જાણ કરતાં તેના પિતાએ ગુરુવારે શાળામાં પહોંચીને વૉચ રાખી હતી. આ દરમ્યાન શિક્ષક મહેન્દ્ર કાવઠિયા કલાસરૂમમાંથી દીકરીને ઑફિસમાં લઈ ગયો હતો. આ જોઈને તરત જ પેરન્ટ્સ એ રૂમમાં પહોંચીને દીકરીને બહાર લઈ આવ્યાં હતાં અને પોલીસ બોલાવી હતી. પોલીસ તરત જ શાળામાં પહોંચી ગઈ હતી અને શિક્ષક મહેન્દ્ર કાવઠિયાને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શિક્ષક ધોરણ ૪માં અભ્યાસ કરતી ૯ વર્ષની બે છોકરીઓ સાથે છેલ્લા થોડા સમયથી અવારનવાર શારીરિક અડપલાં કરતો હતો.’
ADVERTISEMENT
આ નિંદનીય ઘટનામાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે નિર્લજ્જ શિક્ષકના મોબાઇલમાંથી અશ્લીલ ફિલ્મો મળી આવી છે. શિક્ષણ વિભાગે આ લંપટ શિક્ષક સામે ખાતાકીય તપાસ શરૂ કરી છે. બે માસૂમ દીકરીઓ સાથે અડપલાં કરનાર આ શેતાન શિક્ષક સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

