ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાનાં ઘણાં ગામોમાં અનોખી પરંપરા ચાલી આવે છે
કાલેડા ગામમાં ખેતરમાં ચરી રહેલી ગાયો
અમદાવાદ ઃ નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં આવેલા કાલેડા ગામે બેસતા વર્ષના દિવસે ગામની ગાયોને ચરવા ઊભા પાક સાથેનું ખેતર એક ખેડૂતે ખુલ્લું મૂક્યું હતું. ગાય માતા હોવાથી અને પોતાના ખેતરમાં આવીને ચરે તો આખું વર્ષ સારું જાય એવી માન્યતા સાથે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામના લોકો અનુસરી રહ્યા છે.
ગાય માટે પાટણ જિલ્લામાં આવેલા સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામની વાત કંઈક નિરાળી છે. આ ગામના લોકો નવા વર્ષના પહેલા જ દિવસે કોઈ એક ખેડૂત તેમના ખેતરમાં ગામની તમામ ગાયોને ચરવા માટે ખેતર ખુલ્લું મૂકી દેતા આવ્યા છે. કાલેડા ગામે પોતાના ખેતરમાં ઊભો પાક ગાયોને ચરવા માટે આપનાર ગામના ઉમંગ દેસાઈએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામની આ પરંપરા છે કે કોઈને કોઈ વ્યક્તિ તેનું ખેતર બેસતા વર્ષના દિવસે ગાયોને ચરવા આપે છે. મારે બે વીઘાંનું ખેતર છે અને એમાં આ વર્ષે જુવારનો ઊભો પાક છે એ ગાયોને ચરવા દેવા આપ્યો છે. અઠવાડિયા પહેલાં ગામમાં બધાને પોતાની ગાય અમારા ખેતરે લઈ આવવા આમંત્રણ પાઠવ્યું હતું. નવા વર્ષે સવારથી ધીરે-ધીરે ૨૦૦થી વધુ ગાયો અમારા ખેતરમાં દિવસ દરમ્યાન ચરી હતી. ગાય માતા નવા વર્ષે તમારા ખેતરમાં ચરે તો નવું વર્ષ સારું જાય છે એવી માન્યતા છે. આ પરંપરા ગામમાં વર્ષોથી ચાલી આવી છે.’
પાટણ જિલ્લાના અગ્રણી મહેન્દ્ર દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાઓનાં ઘણાં ગામોમાં બેસતા
વર્ષના દિવસે ગાયોને ચરવા માટે પોતાનું ખેતર ખુલ્લું મૂકી દેવામાં આવે છે.
ઘણા લોકો લાડુ પણ ખવડાવે છે અને
આ રીતે શુકન કરવાની પ્રથા અને માન્યતા છે. ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એવી લોકવાયકા છે ત્યારે ગાયનું મૂલ્ય લોકો સમજે અને ગાયને ખવડાવીને પુણ્ય કરવાથી સમૃદ્ધિ થાય છે અને વર્ષ ફળદાયી નીવડે છે એવી માન્યતા રહેલી છે.’


