જેની સાથે જીવવાની ઇચ્છા હોય તેની સાથે નહીં, પરંતુ જેના વિના જીવી ન શકાય તેની સાથે તમારે લગ્ન કરવાં

Published: Jul 26, 2020, 09:02 IST | Rajani Mehta | Mumbai

વિખ્યાત રશિયન નાટ્યલેખક અને વાર્તાકાર ચેખોવ કહે છે કે જો તમે એકલતાથી ડરતા હો તો તમારે લગ્ન ન કરવાં

પરિવાર હો તો ઐસાઃ કવિ પ્રદીપ પરિવાર સાથે
પરિવાર હો તો ઐસાઃ કવિ પ્રદીપ પરિવાર સાથે

વર્ષો પહેલાં કવિ પ્રદીપજીની મુલાકાત વિખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળ સાથે થઈ હતી. મુંબઈમાં તેમના એક મિત્ર હતા ચુનીલાલ ભટ્ટ. તેઓ ગુજરાતના ઔદીચ્ય બ્રાહ્મણ હતા. કવિ મુંબઈ આવ્યા એ દિવસોમાં રવિશંકર રાવળ સાથે ચુનીલાલ ભટ્ટને ત્યાં ક્યારેક જમવા જતા. તેમનાં દીકરી હતાં ભદ્રાબહેન. ત્યાં બન્નેની મુલાકાત થઈ. કદ-કાઠીએ ભદ્રાબહેન પ્રભાવશાળી હતાં. તેમને  પ્રદીપજીની કવિતાઓ ગમતી. તેમની માતાને ખબર પડી કે બન્ને એકમેકને પસંદ કરે છે. તેમણે કવિને વાત કરી. કવિએ પોતાના સ્વભાવ પ્રમાણે ભદ્રાબહેનને સાફ-સાફ કહ્યું, ‘મૈં આગ હૂં, પાની બનકર રહોગી તો શાદી કરુંગા.’ ભદ્રાબહેન તરફથી ના પાડવાનો તો કોઈ સવાલ હતો જ નહીં અને આમ બન્નેનાં લગ્નનું નક્કી થયું.

કવિ પ્રદીપજીના પરિવારના સભ્યો તેમના આ નિર્ણયથી બહુ ખુશ નહોતા. તેમણે કોઈને આમંત્રણ ન આપ્યું અને ૧૯૪૨માં વસંતપંચમીના દિવસે કોર્ટ-મૅરેજ કરી લીધાં. સમય જતાં પરિવારના સભ્યોએ તેમનો આ નિર્ણય સ્વીકારી લીધો અને સૌ સારાં વાનાં થયાં.

વિખ્યાત રશિયન નાટ્યલેખક અને વાર્તાકાર ચેખોવ કહે છે કે જો તમે એકલતાથી ડરતા હો તો તમારે લગ્ન ન કરવાં. સૉક્રેટિસનું લગ્નજીવન નિષ્ફળ રહ્યું અને દુનિયાને એક મહાન ફિલોસૉફર મળ્યો. શાણા અને અનુભવીઓ એમ કહે છે કે જેની સાથે જીવવાની ઇચ્છા હોય તેની સાથે નહીં, પરંતુ જેના વિના જીવી ન શકાય તેની સાથે તમારે લગ્ન કરવાં જોઈએ. લગ્ન પછી  સ્ત્રી એમ માનતી હોય છે કે હવે પુરુષ બદલાઈ જશે (‘સુધરી જશે’ એમ વાંચવું). આ તરફ લગ્ન પછી પુરુષ એમ માનતો હોય છે કે સ્ત્રી નહીં બદલાય (‘અને એટલો જ પ્રેમ કરશે જેટલો લગ્ન  પહેલાં કરતી હોય છે’ એમ વાંચવું). સરવાળે બન્ને નિરાશ થાય છે અને છતાં લગ્ન ટકી જાય છે. પ્રેમમાં પડવું એ એક વાત છે અને લગ્ન કરી પ્રેમને પાર પાડવો એ બીજી વાત છે. દરેક લગ્ન ‘કન્ડિશન અપ્લાય’ના ટૅગ સાથે આવે છે. અમુક જોડાંઓ એવાં હોય છે જે આવી બધી ‘સ્ટૅચ્યુટરી વૉર્નિંગ્સ’ને અતિક્રમીને જીવનભર સાચા અર્થમાં એકમેકનાં પૂરક બનીને રહેતાં હોય છે. એકમેક સાથે કેવળ હસ્તમેળાપ નહીં, પરંતુ હૃદયમેળાપથી સંકળાયેલાં ભદ્રાબહેન અને કવિ પ્રદીપજીનું દાંપત્ય જીવન સફળ લગ્નજીવનનું ઉદાહરણ હતું. ભદ્રાબહેને ભારતીય પરંપરા મુજબ ન કેવળ પ્રદીપજીને, પરંતુ પૂરા પરિવારને એકસૂત્રે બાંધી રાખ્યા. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે એ ઉક્તિને તેમણે સાંગોપાંગ સાચી ઠેરવી. તેમના પ્રસન્ન દાંપત્યના થોડા મજેદાર કિસ્સાઓ પુત્રી મિતુલબહેનના શબ્દોમાં પ્રસ્તુત છે...

 ‘અમારા પરિવારમાં બાની ભૂમિકા ‘મોસ્ટ ઇમ્પોર્ટન્ટ’ હતી. બાપુ માનતા કે તેઓ જેકંઈ બન્યા એ બાને કારણે. બા બહુ સ્ટ્રૉન્ગ હતાં. દુનિયાદારીની, રોજબરોજની, કોઈ પણ વાતની ચિંતા બાપુના ભાગે ન આવે એનું તેમણે ખાસ ધ્યાન રાખ્યું. સંતાનોની જવાબદારી, ઘરનાં નાનાં-મોટાં કામ, પૈસાનો વ્યવહાર, આ દરેક ચીજ તેમણે કુશળતાથી સંભાળી. તેઓ બાપુને કહેતાં, ‘તમે તમારું કામ કરો. આ બધું હું સંભાળી લઈશ (વર્ષો પહેલાં મુંબઈમાં પ્રસિદ્ધ વૅનગાર્ડ સ્ટુડિયોનું સ્લોગન યાદ આવી ગયું, ‘તમે હસતું મોઢું રાખો, બાકીનું બધું અમે સંભાળી લઈશું. She was a woman of substance. બહારથી ખૂબ કોમળ, પરંતુ તેમનું મનોબળ મજબૂત હતું.’

‘મારાં દાદા-દાદી મધ્ય પ્રદેશના બડનગરમાં રહેતાં. ત્યાં ખેતીવાડીનું કામ હતું અને મોટું ઘર હતું. બા-બાપુ વર્ષમાં એક વાર ત્યાં જાય અને લાંબો સમય રહે. મુંબઈ આવ્યા બાદ બાનો એક નિયમ હતો, દર અઠવાડિયે એક પોસ્ટકાર્ડ બડનગર મોકલતાં. ત્યાં દરેક સાથે તેમના મીઠા સંબંધ હતા. મારાં દાદી બાપુને કહેતાં, ‘ભદ્રા મેરી બેટી હૈ, તુઝસે જ્યાદા તો વો હમેં સંભાલતી હૈ.’

‘બડનગરની વાત નીકળી છે તો એક કિસ્સો યાદ આવે છે. મધ્ય પ્રદેશ સરકાર તરફથી ભોપાલમાં બાપુના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો. એ દિવસે કોરસમાં ‘અય મેરે વતન કે લોગોં...’ની રજૂઆત થઈ. એમાં બાપુને થોડી કચાશ લાગી. ગીત પૂરું થયું એટલે ત્યારના ચીફ મિનિસ્ટર દિગ્વિજય સિંહ ભાષણ કરવા ઊભા થયા. બાપુએ હાથ ઉઠાવીને તેમને રોક્યા અને કહ્યું, ‘મારે કંઈક કહેવું છે’ અને તેમણે આ ગીત કેવી રીતે ગાવું જોઈએ એ ગાઈને સંભળાવ્યું. એ સમયે દરેકની આંખમાં આંસુ હતાં.’

‘અય મેરે વતન કે લોગોં’ની એક વાત કરું. બાપુની એક ટેવ હતી. તેમના મનમાં કોઈ પંક્તિ આવે તો તરત લખી નાખે. એક દિવસ માહિમની ફુટપાથ પર ચાલતા જતા હતા અને કંઈક યાદ આવ્યું. મનમાં થયું કે ઘરે પહોંચીશ ત્યાં સુધીમાં કદાચ ભૂલી જઈશ. સાથે કાગળ-પેન હતાં નહીં. આજુબાજુ જોયું તો એક પાનવાળો દેખાયો. તેને કહે, ‘લખવા માટે કાગળ હોય તો આપોને.’ પેલો કહે, ‘કાગળ તો નથી, આ સિગારેટનું ખાલી પૅકેટ છે.’ બીજા કોઈ પાસેથી પેન લીધી અને એ સિગારેટના પૅકેટ પર પંક્તિઓ લખી, ‘અય મેરે વતન કે લોગોં, ઝરા આંખ મેં ભાર લો પાની.’

‘બાપુની એક બીજી આદત હતી. એક ગીતના અનેક અંતરા લખે, પછી કવિ પ્રદીપ અને શ્રોતા પ્રદીપની જુગલબંદી ચાલે. કવિ શ્રોતાને પૂછે અને શ્રોતા જે અંતરા ઓકે કરે એ રાખે (આ વાતનો ઉલ્લેખ આણંદજીભાઈએ પણ કર્યો છે). તેમનાં ગીતોનાં મુખડાં ખૂબ પૉપ્યુલર હતાં. એક દિવસ બાપુને ઍરપોર્ટ પર કૉમેડિયન જગદીપ મળી ગયા. બાપુને જોઈને જ તેઓ ગાવા લાગ્યા, ‘ઓ દિલદાર, બોલો એક બાર, ક્યા મેરા પ્યાર પસંદ હૈ તુમ્હે, ઓ ગોરી સુકુમાર હમારી સરકાર બડા તેરા પ્યાર પસંદ હૈ હમેં’ (ફિલ્મ સ્કૂલ માસ્ટર — વસંત દેસાઈ – તલત મેહમૂદ, લતા મંગેશકર. આ ગીત બી. સરોજાદેવી અને સ્વ. જગદીપ પર પિક્ચરાઇઝ થયું છે).   

‘બાપુ થોડા ગુસ્સાવાળા હતા. બા કહેતાં, તમે આટલા જલદી ગુસ્સે થઈ જાઓ એ સારું નથી. કોઈના પર ગુસ્સે થઈ જાય એટલે બા ઇશારાથી તેમને શાંત રહેવાનું કહે. આ જોઈ બાપુ સામી વ્યક્તિને કહે, ‘જુઓ, આ મારી સામે આંખ કાઢે છે.’ આમ તેમની વચ્ચે મજાક ચાલ્યા કરે. કોઈ બાને પૂછે કે તમારે કેટલાં સંતાન છે? તો કહેતાં, ‘ત્રણ. બે બેબી અને એક બાબો.’ આ સાંભળીને પ્રશ્ન પૂછનાર મૂંઝાઈ જાય. કહે કે પ્રદીપજી તો કહે છે કે અમારે બે દીકરીઓ છે તો ગંભીર મુદ્રા કરીને બાપુ સામે આંગળી ચીંધીને કહે, ‘આ એક બાબો છે તે મારા વર કવિ પ્રદીપ. મારે તેમને પણ નાના બાળકની જેમ સાચવવા પડે છે.’

 મિતુલબહેનની વાત પરથી મને કવિ પ્રદીપજીના ગરમ સ્વભાવનો એક કિસ્સો યાદ આવી ગયો. સંગીતકાર મદન મોહનના પિતા રાય બહાદુર ચુનીલાલ ફિલ્મિસ્તાનમાં મૅનેજર હતા. તેમની અને કવિ પ્રદીપજી વચ્ચે ખટપટ ચાલ્યા કરે. એનું કારણ એટલું જ કે તેઓ વારે ઘડીએ ગીત માટે ઉઘરાણી કર્યા કરે. પ્રદીપજી તેમને સમજાવે કે ગીત લખાય તો પાંચ મિનિટમાં લખાય, નહીંતર દિવસો લાગી જાય. એક દિવસ ઝઘડો વધી ગયો એટલે પ્રદીપજીએ તેમને મોઢા પર જ કહી દીધું,  ‘તમે માલિક નથી, મૅનેજર છો. ફિલ્મની વાતોમાં તમને સમજ કેટલી છે? આમ દાદાગીરી કરો એ ન ચાલે. હું પ્રોડ્યુસર એસ. મુખરજી સાથે વાત કરી લઈશ.’

બન્યું એવું કે મૅનેજરે તેમને ડિસમિસ કર્યા. સાથે એમ કહેવામાં આવ્યું કે કૉન્ટ્રૅક્ટની શરતો મુજબ તમે બીજે ક્યાંય કામ ન કરી શકો અને અમે તમને પગાર પણ નહીં આપીએ એટલે પ્રદીપજીએ નોટિસ આપી, કાં તો પગાર આપો અથવા બીજે કામ કરવા દો. અંતે પગાર શરૂ થયો. આ બધા ઝમેલામાં સારોએવો સમય પસાર થઈ ગયો. પ્રદીપજીએ ફુરસદના આ દિવસોમાં મિસ કમલ બીએના નામે થોડી ફિલ્મોમાં ગીત લખ્યાં. એ ફિલ્મો હતી ‘કાદંબરી’, ‘આમ્રપાલી’ અને ‘વીરાંગના’ (એ દિવસોમાં ફિલ્મલાઇનમાં ડિગ્રી હોવી એ શાનની વાત હતી. સંગીતકાર ચિત્રગુપ્ત પોતાના વિઝિટિંગ કાર્ડમાં પોતાની એમએની ડિગ્રી લખાવતા).

ફરી પાછા મિતુલબહેનની વાતો પર આવીએ. ‘મોટા ભાગે બા અને બાપુ સાથે જ પ્રવાસ કરે. છેલ્લાં થોડાં વર્ષોમાં બાને આર્થ્રાઇટિસની તકલીફ રહેતી એટલે તેઓ ટ્રાવેલ ઓછું કરતાં. દાદા-દાદીના અવસાન બાદ એક વાર બાપુ બડનગર ગયા હતા ત્યારે બાપુનાં મોટાં બહેન સાથે એક મહિનો રહ્યા. બાપુને તેમના હાથનું જમવાનું બહુ ભાવે. ખાસ કરીને દાળ અને બૈંગન ભરથા. બાપુ તેમનાં ખૂબ વખાણ કરે. જેટલો વખત ત્યાં રહે એટલો વખત બાને ચિડાવે. ‘મારી બહેનના હાથ જેવી કોઈની રસોઈ નહીં.’ બા પણ સામે મજાક કરે. ‘હા, હા, બહેન કરે એ બરાબર, પણ ભૂલતા નહીં, મુંબઈ આવો ત્યારે તો મારા હાથનું જ ખાવું પડશે.’ 

‘બાપુને ત્યાંનું  ટ્રેડિશનલ ફૂડ બહુ ભાવતું. હંમેશાં કહે, ‘એમપી જૈસા કોઈ ખાના નહીં હૈ. વહાં કે જૈસી હિંગ નહીં.’ અમારા ઘરમાં બા બાપુને ભાવે એવી રસોઈ બનાવે. ઘરમાં બે ટાઇપની દાળ બનતી. એક બાપુને ભાવે એવી અને બીજી ગળપણવાળી ગુજરાતી દાળ. એક વખત એવું થયું કે બા-બાપુ બડનગર ગયાં. બાપુ કહે, બહેનને ત્યાં શાંતિથી રહીશું. ૧૦-૧૫ દિવસ થયા એટલે બાપુ બાને કહે, ‘કાન પકડું છું. તારી રસોઈ વધારે સારી છે.’ આ સાંભળીને બહેન બોલ્યાં, ‘હા, હવે હું ઘરડી થઈ ગઈ છું એટલે તમને મારી રસોઈ કેમ ભાવે.’ બાએ કહ્યું, ‘ચાલો, આટલાં વર્ષો બાદ તો મારી રસોઈને જશ મળ્યો.’ આમ હસી-મજાક થયા કરે. 

‘એક વખત હું અને બાપુ હોલૅન્ડ ગયાં હતાં. બાપુને હોટેલની ટી બૅગ્સવાળી જે ચા મળે એ જરાય ન ભાવે. બાના હાથની મસાલા ચાને ખૂબ યાદ કરે. મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યાં તો કહે, ‘ડ્યુટી ફ્રી શૉપમાં જવું છે.’ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, ‘ત્યાં શું લેવું છે?’ તો કહે, ‘ચાલ તો ખરી, બા માટે કંઈક લેવું છે’ અને ત્યાંથી બા માટે એક સુંદર રિસ્ટ વૉચ લીધી. એ પસંદ કરતી વખતે તેમની આંખોમાં બા માટેની લાગણી અને પ્રેમ છલકતાં હતાં.’

આ હતા કવિ પ્રદીપજી અને ભદ્રાબહેનના દાંપત્યના થોડા કિસ્સા. પ્રેમલગ્નની પહેલી અને છેલ્લી શરત એ છે કે એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું. જીવનની પાનખર આવે ત્યારે જ સહવાસની વસંતનું મહત્ત્વ સમજાતું હોય છે. આમ પણ પુરુષ સ્ત્રી વિના અધૂરો હોય છે. સ્ત્રી પુરુષનાં દુઃખ સામે ઢાલ બનીને જીવતી હોય છે. પુરુષ ફિઝિકલી સ્ટ્રૉન્ગ હોય, જ્યારે સ્ત્રી ઇમોશનલી સ્ટ્રૉન્ગ  હોય. એક ચીજ તમે માર્ક કરી છે? મોટા ભાગે હાર્ટ-અટૅક પુરુષોને જ આવે છે (કોણ બોલ્યું કે એ માટે જવાબદાર કોણ?). આપણે અનેક કિસ્સા સાંભળ્યા છે જ્યાં પત્નીના અવસાન બાદ પુરુષ મોટા ભાગે થોડા જ સમયમાં લગ્ન કરી લેતો હોય છે, જ્યારે સમાજમાં એવા અનેક કિસ્સા જોવા મળે છે કે એક સ્ત્રી એકલા હાથે, બે-ત્રણ સંતાનોનો ઉછેર કરી, ભણાવી-ગણાવીને તેમનાં લગ્ન કરીને સેટ કરી દે. ભદ્રાબહેન કવિ પ્રદીપજીના જીવન પર્યંત સાથીદાર રહ્યાં. કવિ પ્રદીપજીને કવિકર્મ કરતાં-કરતાં જ જીવનનું પ્રયોજન મળી રહ્યું. એ માટે ભદ્રાબહેને તેમને બીજી જવાબદારીઓમાંથી મુક્ત રાખ્યા હતા.

દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. આદર્શ પરિસ્થિતિ એ છે કે પુરુષ પહેલાં વિદાય થાય. આ બાબતમાં નિયતિએ બન્નેને સાથ આપ્યો. કવિને વિરહની વેદના સહન ન કરવી પડી. પરલોકના પ્રયાણમાં તેઓ આગળ ગયા. આમ પણ જે અનંતની અટારીએ જાય છે તે સ્મરણોની અટારીમાં જીવંત હોય છે. જે જાય છે તે સ્મૃતિમાં જીવંત રહે છે, પરંતુ જે જીવતું હોય છે તે કટકે-કટકે તૂટતું હોય છે. અત‌ીતની યાદોને ગાભું બનાવીને જીવતાં ભદ્રાબહેને ૮૬ વર્ષનું આયુષ્ય ભોગવી ૨૦૦૭ની ૩૦ ઑગસ્ટે જ્યારે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે સ્વર્ગમાં કવિ પ્રદીપજીને તેમના આગમન સાથે તેમના હાથની મસાલા ચાની સુગંધ આવતી હશે એમાં શંકા નથી.  

(ગયા રવિવારે ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન’ ગીત ફિલ્મ ‘જાગૃતિ’નું છે એમ લખાયું હતું. હકીકતમાં આ ગીત ફિલ્મ ‘નાસ્તિક’નું છે. બોલવાની ભૂલને ‘સ્લીપ ઑફ ટંગ’ અને લખવાની ભૂલને ‘સ્લીપ ઑફ પેન’ કહેવાય; એમ આ ભૂલને ‘સ્લીપ ઑફ મેમરી’ ગણીને ક્ષમાયાચના.)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK