ગુજરાતમાં મોસમ બદલાયું : ગોંડલમાં વરસાદ તો સુઈ ગામમાં કરા સાથે વરસાદ
ભારતભરમાં અત્યારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે જો અચાનક વરસાદ પડે તો શું હાલત થાય. તમને જણાવી દઇએ કે ગુરૂવારે ગુજરાતના અચાનક વાતાવરણ પલ્ટો થયો હતો. જેને પગલે ગુજરાતના અમુક શહેરોમાં કમોસમી વરસાદ તુટી પડ્યો છે. ગુજરાતના ગોંડલ જિલ્લામાં બપોરથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. આ કમોસમી વરસાદથી ધરતીપુત્રોને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. આ કમોસમી વરસાદથી કપાસ, ડુંગળી, ઘઉં, મરચા, ચણા સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યું છે.
અમદાવાદમાં વરસાદી ઝાપટા તો સુઈ ગામમાં કરા પડ્યા
બીજી તરફ ગોંડલ બાદ અમદાવાદમાં પણ વાતાવરણ પલ્ટો થયો હતો અને શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે રાજ્યના સુઈ ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદના કારણે રાજ્યમાં ઠંડીનો પારો વધી ગયો છે. મળતી માહિતી પ્રમાણે હજી આવતીકાલે પણ સામાન્ય વરસાદની આગાહી છે.
ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતિત
ગુજરાતના ગોંડલ પંથકના પીપળિયા, ભરૂડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. મગફળી અને કપાસનો પાક તો દિવાળી બાદ પડેલા વરસાદને કારણે ધોવાય ગયો હતો. પરંતુ શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે.
જસદણ પંથકમાં ઝાપટા વરસ્યા
જસદણના આટકોટમાં આજે સવારે ઝાકળ અને સાંજે વરસાદ પડ્યો હતો. કુદરતના બદલાવથી લોકોમાં અચરજ ફેલાઈ ગઈ હતી. આજે બપોરે પછી અચાનક આકાશમાં વાદળો છવાઇ ગયા હતા અને વરસાદ પડતા રસ્તા પર પાણી વહી ગયા હતા. આટકોટની બજારોમાં નદીની જેમ પાણી વહ્યું હતું. તેમજ જસદણના વીરનગર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સુઇગામ તાલુકામાં પાકનો સોથ વળી ગયો
સરહદી સુઇગામ તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને સાંજે સાડા ચાર વાગ્યે ગાજવીજ અને ભારે પવન ચાલુ થઈ જતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા. જોકે સરહદી સુઇગામ વિસ્તારના છેવાડાના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, લગભગ દશેક મિનિટ વરસેલા વરસાદ ને લીધે ખેતરોમાં ઉભેલા એરંડાના પાકનો સોથ વળી ગયો હતો, ઠેરઠેર વૃક્ષો ની ડાળીઓ પણ તૂટી ગઈ હતી, તો કરાના મારથી કેટલીક જગ્યાએ ઘરો પરનાં વિલાયતી નળિયાં તૂટી જવાના અને કેટલાક મકાનોના છાપરાં પણ ઉડી જવાના સમાચાર મળ્યા હતા. વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે,વારંવારના કમોસમી માવઠાના મારથી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે.
આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય
સુઇ ગામમાં કરા સાથે વરસાદ
કરા અને વાવાઝોડા સાથે સરહદી સુઇગામ પંથકના છેવાડાના ગોલપ, નેસડા, પાડણ, રડોસણ, મેઘપુરા, ભરડવા, કોરેટી, મમાણા, કાણોઠી, જેલાણા ખડોલ, ચાળા, ધનાણા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. જ્યારે સુઇગામ તાલુકાના અન્ય ગામોમાં આંધી તોફાન સાથે સામાન્ય વરસાદ થયો છે. વરસાદ અને વાવાઝોડાને કારણે ઉભેલા પાકને ભારે નુકસાન થયું હતું. જ્યારે શિયાળુ પાકો જીરું,ઇસબગુલ,રાયડો,સહિત ફળફળાદી અને શાકભાજી ના પાકોને ભારે નુકશાન થયું છે.


