Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં સ્કૂલ-ક્લાસિસમાં ભણતા હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

વસઈ-વિરારમાં સ્કૂલ-ક્લાસિસમાં ભણતા હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

28 May, 2019 08:22 AM IST | મુંબઈ
પ્રકાશ બાંભરોલિયા

વસઈ-વિરારમાં સ્કૂલ-ક્લાસિસમાં ભણતા હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

ફાયર સેફ્ટી

ફાયર સેફ્ટી


સુરતના તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડમાં બાવીસ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થવાની ઘટનાથી દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે ત્યારે મુંબઈ નજીકના વસઈ-વિરાર-નાલાસોપારામાં ગેરકાયદે ફાટી નીકળેલી સ્કૂલ અને કોચિંગ ક્લાસિસના હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં હોય એવી સ્થિતિ છે. અહીં એવી અનેક પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થા છે જ્યાં આગ કે ધરતીકંપ જેવી કોઈ ઘટના બને તો બચાવકાર્ય મુશ્કેલ બને અને મોટી જાનહાનિ થવાની શક્યતા હોય છે. પાલિકા અને ફાયરબ્રિગેડના ભ્રષ્ટાચારથી બિલાડીના ટૉપની જેમ ફૂટી નીકળેલી આ શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની માગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે.

વસઈ-વિરાર મહાનગરપાલિકાની હદમાં આવતા વસઈ, નાલાસોપારા અને વિરારમાં છેલ્લાં કેટલાંક વષોર્માં ખૂબ વસ્તીવધારો થયો છે, પણ અહીં નાગરિકોની સુવિધા માટે થવું જોઈએ એટલું કામ નથી થયું. કદાચ આ જ કારણસર નાના ફ્લૅટથી માંડીને કમર્શિયલ ગાળામાં નાની સ્કૂલ કે કોચિંગ ક્લાસિસ ખૂલી ગયા છે. મોટા ભાગની આવી સ્કૂલ કે ક્લાસિસ ગેરકાયદે ચાલી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.



બાળકોના જીવ જોખમમાં


નાલાસોપારા વિભાગના બીજેપીના વાઇસ પ્રેસિડન્ટ મનોજ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વસઈ, નાલાસોપારા અને વિરારમાં અનેક એવી સ્કૂલ છે જ્યાં આગ કે ધરતીકંપ જેવી આકસ્મિક ઘટના બને તો બચાવ-કામગીરી માટે પહોંચવું મુશ્કેલ બની જાય. નાલાસોપારા-પૂર્વમાં તુલિંજ રોડ પરની એક સ્કૂલ હોય કે નગીનદાસ પાડાની સ્કૂલ, લગભગ બધે જ ફાયરબ્રિગેડની ગાડી અંદર પહોંચે એ માટેનો માર્ગ જ નથી. ન કરે નારાયણ ને અહીં સુરત જેવો અગ્નિકાંડ થાય તો પાંચ-પચીસ નહીં સેંકડો ચિરાગ બુઝાઈ શકે છે.’

વીજળીના જોખમી થાંભલા


વસઈ-વિરાર વિસ્તારમાં અનેક સ્થળે આજેય વીજળી થાંભલા દ્વારા પહોંચાડાય છે. નવા બાંધકામમાં વીજળીના ટ્રાન્સફૉર્મર ઇન્ડોર મુકાય છે, પરંતુ સરકારી વીજળી કંપનીનાં જૂનાં ટ્રાન્સફૉર્મર એમનાં એમ જ ઓપન હોવાથી એ ખતરનાક બની શકે છે. પાલિકાએ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેસ્ટ્રિસિટી બોર્ડમાં આવાં ટ્રાન્સફૉર્મરોને ઇન્ડોર કરવાની રજૂઆત કરવી જોઈએ.

રહેવાસીઓને સંતાનોની ચિંતા

સુરતની ઘટના બાદ આ વિસ્તારના લોકો સજાગ બન્યા છે. તેઓ કહી રહ્યા છે કે પ્રાઇવેટ સ્કૂલ અને ક્લાસિસમાં હજારો-લાખો રૂપિયાની ફી ભર્યા બાદ પણ તેમનાં સંતાનો સુરક્ષિત નથી. આથી પાલિકાએ આવી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરીને માન્યતા રદ કરવી જોઈએ. સુરક્ષાની ખાતરી થયા બાદ જ કોઈ પણ સ્કૂલ કે ક્લાસિસને મંજૂરી આપવી જોઈએ એવી માગણી રહેવાસીઓ કરી રહ્યા છે.

સર્વે કરવાનું પાલિકાનું આશ્વાસન

પાલિકાની હદમાં અનેક પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓ જોખમી હોવા વિશે વસઈ-વિરાર મહાનગરપાલિકાના કમિશનર બલિરામ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતની ઘટના બાદ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અમે અમારા વિસ્તારનાં દરેક સ્કૂલ-ક્લાસિસનો સર્વે કરાવવાનું ફાયરબ્રિગેડને કહી દીધું છે. જોખમી લાગશે એવી શૈક્ષણિક સંસ્થા સામે પગલાં લેવામાં આવશે.’

જોકે લાંબા સમયથી વસઈ-વિરાર પટ્ટામાં મોટા પાયે ગેરકાયદે થતાં બાંધકામ સામે ભાગ્યે જ કોઈ પગલાં લેવામાં આવે છે એથી પાલિકા અને ફાયરબ્રિગેડ વિદ્યાર્થીઓની સલામતી માટે ગેરકાયદે પ્રવૃત્તિ સામે કેવી અને કેટલી કાર્યવાહી કરશે એની તો સમય આવ્યે જાણ થશે.

મહારાષ્ટ્રની ૯૯ ટકા હાઉસિંગ સોસાયટીઓએ ફાયર-ઑડિટ કરાવ્યું નથી

થાણે : (પી.ટી.આઈ.) મહારાષ્ટ્રમાં લગભગ ૯૯ ટકા જેટલી હાઉસિંગ સોસાયટીઓએ ફાયર ઑડિટ કરાવ્યું નથી એમ સોમવારે એક અધિકારીએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયે ગુજરાતના સુરત જિલ્લામાં ચાર માળની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ૨૨ સ્ટુડન્ટ્સના મૃત્યુની ઘટનાનો ઉલ્લેખ કરી મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ હાઉસિંગ ફેડરેશનના ચૅરમૅન સીતારામ રાણેએ જણાવ્યું હતું કે હાઉસિંગ સોસાયટીઓ સુરક્ષાને લગતી આ અત્યંત આવશ્યક જરૂરિયાતને ઘણી હળવાશથી લે છે.

આ પણ વાંચો : Maharashtra HSC Result 2019: આજે ધોરણ 12નું રિઝલ્ટ

ચાલુ મહિનાના પ્રારંભમાં એક નિવાસી સંકુલની સેપ્ટિક ટૅન્કની સફાઈ કરવા ઊતરેલા ત્રણ સ્વચ્છતા કર્મચારીઓ ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા તે સંદર્ભે રાણેએ કહ્યું હતું કે ‘હાઉસિંગ સોસાયટીઓને સુરક્ષાના ધોરણોની માહિતી હોવી જોઈએ તેમ જ આવી ઘટનાઓને ફરી બનતી અટકાવવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2019 08:22 AM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK