પાડોશીઓને ચાર-ચાર દિવસ સુધી યુવાનના મૃત્યુનો અણસાર ન આવ્યો

Published: 4th October, 2011 20:51 IST

મીરા રોડ (ઈસ્ટ)ના સેક્ટર ચારમાં આવેલા સી-૧૩ પ્રિયંકા બિલ્ડિંગના રૂમ નંબર ૩માં રહેતો વિનાયક બાબુભાઈ શાહ ઉર્ફે‍ વિકી ગઈ કાલે તેના ફ્લૅટમાંથી મૃતાવસ્થામાં મળી આવ્યો ત્યારે શહેરી વિસ્તારોમાં આસપાસના લોકો પ્રત્યેની બેપરવાઈનો ઉત્કૃષ્ટ નમૂનો મળ્યો હતો.

 

મીરા રોડમાં ૩૩ વર્ષના એક યુવાનનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું, પરંતુ ચાર દિવસ સુધી તેના મૃત્યુની જાણ તેના પાડોશીઓને પણ નહોતી થઈ.

વિનાયક છેલ્લા કેટલાક સમયથી મીરા રોડમાં આવેલા તેની માતાના નામના ફ્લૅટમાં એકલો રહેતો હતો. બેકાર હોવાથી મોટા ભાગે તે ઘરમાં જ રહેતો હતો અને બૉમ્બે હૉસ્પિટલમાં નર્સની નોકરી કરતી તેની માતા અઠવાડિયામાં એકાદ વખત આવીને તેને પૈસા તેમ જ અન્ય જરૂરિયાતો પૂરી કરી જતી હતી.

ગઈ કાલે સવારે વિનાયકના ફ્લૅટમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી સોસાયટીના સભ્યોએ પોલીસને બોલાવી હતી અને તેમણે ફ્લૅટ ખોલીને પ્રવેશ કરતાં અંદર વિનાયકનો મૃતદેહ મળી આવ્યો હતો. ચાર દિવસથી પડ્યો રહ્યો હોવાને કારણે મૃતદેહ કોહવાઈ ગયો હતો અને એને કારણે ચહેરા તેમ જ અન્ય ખુલ્લાં અંગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી.  પોલીસે મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મીરા રોડના ડીવાયએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) પ્રશાંત દેશપાંડેએ કહ્યું હતું કે ‘વિનાયકનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું પોસ્ટમૉર્ટમના અહેવાલમાંથી બહાર આવ્યું છે. વિનાયકનું મૃત્યુ ચારેક દિવસ પહેલાં થયું હોવાનું પણ પોસ્ટમૉર્ટમમાં જણાયું છે. તેની માતા બૉમ્બે હૉસ્પિટલમાં નર્સ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમણે પોતાનું નામ આપવાની મનાઈ કરી છે.’

વિનાયકના પાડોશીઓએ કહ્યું હતું કે ‘વિનાયક એકલો જ રહેતો હતો. તે ક્યારે ઘરે આવતો હતો અને ક્યારે બહાર જતો હતો એની કોઈને ખબર પણ પડતી નહોતી. તે ક્યારેય કોઈની સાથે હળતો મળતો ન્ાહોતો એટલે તેના મૃત્યુની જાણ કોઈને નહોતી થઈ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK