Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ, આ બન્ને વચ્ચેની ભેદરેખા ઓળખજો

કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ, આ બન્ને વચ્ચેની ભેદરેખા ઓળખજો

05 June, 2020 10:06 PM IST | Mumbai
J D Majethia

કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ, આ બન્ને વચ્ચેની ભેદરેખા ઓળખજો

અનસર્ટનિટી એટલી બધી છે જેની કલ્પના પણ ન થઈ શકે. ઇનસિક્યૉરિટી પણ છે, પરંતુ એ બધાને નથી એ પણ એટલું જ સાચું છે.

અનસર્ટનિટી એટલી બધી છે જેની કલ્પના પણ ન થઈ શકે. ઇનસિક્યૉરિટી પણ છે, પરંતુ એ બધાને નથી એ પણ એટલું જ સાચું છે.


ક્યાંક હમણાં એક મેસેજ વાંચ્યો.
આપણને લોકો દરરોજ મોકલતા હોયને એ મેસેજમાંથી જ કોઈનો મેસેજ હતો એ. અંગ્રેજીમાં પિક્ચર-મેસેજ હતો અને લખ્યું હતું...
A smooth sea never made a skilled sailor.
અર્થાત્, શાંત દરિયો ક્યારેય કુશળ નાવિક નથી સર્જતો.
આમ તો આ પ્રકારની ફિલોસૉફી આપણે બધા વર્ષોથી જાણીએ જ છીએ, વાંચીએ છીએ અને અગાઉ આ વાક્ય પણ વાંચ્યું જ હશે, પણ અત્યારના સમયમાં આ પ્રકારનાં વાક્યો કે પછી ક્વોટેશન એક આશા બની જાય એવું બને છે. જે પરિસ્થિતિ છે અત્યારે અને જે સંજોગો ઊભા થયા છે અત્યારે એ સંજોગોને લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય એ સ્વાભાવિક છે. અત્યારે આપણી આજુબાજુમાં કોઈ એવું નથી જે આ મનોસ્થિતિમાંથી પસાર ન થતો હોય, જેના મનમાં એ મુદ્દો ન આવતો હોય કે હવે શું થશે? અનસર્ટનિટી એટલી બધી છે જેની કલ્પના પણ ન થઈ શકે. ઇનસિક્યૉરિટી પણ છે, પરંતુ એ બધાને નથી એ પણ એટલું જ સાચું છે. એનું કારણ છે આપણા દેશની અસમાનતા. આપણે ત્યાં આર્થિક મુદ્દે અત્યંત મોટી અસમાનતા છે. જેની પાસે સારા એવા પૈસા છે, સેવિંગ્સ છે અને બધું બરાબર ચાલે છે તેને ઇનસિક્યૉરિટી નથી; પણ જેની પાસે નથી, જેનું કંઈ પણ બરાબર ચાલતું નથી તેની ચિંતાનો પાર નથી. હા, આ તો થઈ આર્થિક મુદ્દાની ઇનસિક્યૉરિટીની વાત, પણ આ ઇનસિક્યૉરિટી સિવાયની બીજી ચિંતા બધાને એકસરખી જ છે અને એ છે હેલ્થની અને આ વાઇરસની અસર કોઈને પણ થઈ શકે છે એ વાતની.
આ ચિંતામાં જેટલો શ્રીમંત વર્ગ છે એટલો જ એ વર્ગ પણ પડેલો છે જે આર્થિક રીતે ઘસાયેલો છે. આર્થિક રીતે ઘસાયેલા વર્ગની આ ચિંતા સમજી શકાય, પણ શ્રીમંતને આ ચિંતા શું કામ છે એ જોવું જોઈએ. શ્રીમંતોની એક લાઇફસ્ટાઇલ છે અને એ લાઇફસ્ટાઇલ મુજબ તેમના ઘરે અમુક કામ માટે નિયમિત રીતે માણસોનો આવરોજાવરો રહેતો હોય છે. તેમનાં કામો સર્વન્ટ વિના નથી થતાં અને કામ કરવાની પોતાને આદત નથી. આ ઉપરાંત કારોબાર ફેલાયેલો છે એટલે એને માટે પણ બીજાના સંપર્કમાં આવવાનું બન્યા કરતું હોય છે અને જો એ ચાલુ રહે તો કોરોના તેમને પણ છોડે નહીં. તમને એક સીધુંસાદું ઉદાહરણ આપું. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરને પણ કોરોના વાઇરસ લાગી ગયો હતો. વિચાર કરો કે આટલું બધું આસપાસ હોવા છતાં, સિક્યૉરિટીથી માંડીને બધું હાઇજીન લેવલ પર અને તમામ પ્રકારનાં કવચ છતાં જો કોરોના તેના સુધી પહોંચી જાય તો સ્વાભાવિક છે કે એ કોઈને પણ લાગી શકે, એનાથી કોઈ નહીં બચી શકે. આ જ વાતની સાથોસાથ એ વાત પણ લાગુ પડે કે છે જે વધારે બહાર જશે અને વધુ ને વધુ લોકોના સંપર્કમાં આવશે તેને કોરોના વાઇરસ લાગવાનો ભય સૌથી વધારે, પણ તમે જ વિચારો કે તમે બધાથી દૂર પણ કેટલો સમય રહી શકો.
આપણે આ જ વાતને આગળ વધારીએ એ પહેલાં વચ્ચે તમને બીજા એક મેસેજની વાત કહી દઉં. ત્રણ મહિનાથી આપણે ઘરે છીએ અને આ ત્રણ મહિનામાં હવે આપણને એમ થવા લાગ્યું છે કે આપણી આસપાસ બધું થઈ રહ્યું છે. બધું એટલે બધું. મૅગેઝિન ‘ચિત્રલેખા’ના એડિટર ભરત ઘેલાણી મારા મિત્ર છે. હમણાં તેમનો એક ફૉર્વર્ડેડ મેસેજ આવ્યો, એ મેસેજ વાંચ્યો ત્યારે હું ખૂબ હસ્યો. મેસેજ હિન્દીમાં હતો.
કોરોના, ઉલ્કાપિંડ, ટિડ્ડી દલ, અમ્ફાન, ભૂકંપ સબ દેખ લિયે. બસ, અબ ડાયનાસૉર દિખ જાએ તો જન્મ લેના સફલ હો જાએ.
લાફ્ટરની સ્માઇલી સાથે આવેલા આ મેસેજને લીધે હસવું તો ખૂબ આવ્યું, પણ સાથોસાથ એક મિનિટ માટે વિચાર પણ આવી ગયો કે હા, આ શક્ય છે. આજે જે રીતે હાથી, ચિત્તા અને બીજાં અલગ-અલગ પ્રકારનાં પ્રાણીઓ જંગલમાંથી શહેરમાં આવી જાય છે અને એના આપણે જે વિડિયો જોઈએ છીએ એ જોતાં કહેવું વધારે પડતું નહીં કહેવાય કે બને પણ ખરું કે ક્યાંકથી ડાયનાસૉર પણ આવી જાય, કંઈ કહેવાય નહીં. જમીન ફાડીને નીકળી આવે કે પછી અચાનક જ દરિયામાંથી બહાર નીકળી આવે. જરા વિચાર કરો કે આવું બને અને સાચે જ એ લોકો શહેરમાં હોય તો.
તમને એવું લાગશે કે આ સાવ અશક્ય વાત છે જેડીભાઈ, આવું કોઈ દિવસ ન બને, પણ મારી વાત એ જ છે કે હવે એવું થઈ શકે છે જે આપણે ક્યારેય કલ્પ્યું પણ ન હોય. ડાયનાસૉરવાળી વાતમાં આપણે આ ચર્ચા નથી કરતા, પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે અકલ્પનીય બની શકે છે અને એવું જ થઈ રહ્યું છે. અત્યારે જે બધું અશક્ય અને અકલ્પનીય છે એમાંથી જ એક વાત એ છે કે આપણે એમ જ માનીને ચાલીએ છીએ કે આ વાઇરસ કોરોના આપણને વળગી જ ન શકે, થાય જ નહીં આપણને આ બીમારી. અશક્ય છે. આપણને એમ જ છે કે આવું કોઈ દિવસ આપણી સાથે થોડું બને! ના, સહેજ પણ નહીં.
એ વાત જુદી છે કે સમય જતાં હવે ધીમે-ધીમે એ મોટા વર્ગમાંથી થોડો વર્ગ આ ભ્રમમાંથી બહાર નીકળી ગયો છે, પણ થોડો, બહુ મોટો વર્ગ હજી પેલી બાજુએ છે અને એ એવું જ માને છે કે તેમને કંઈ થવાનું નથી. કોરોના તેને વળગે જ નહીં. મને અહીં એક વાત કહેવી છે. યાદ રાખજો કે કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, વાળ જેવી પાતળી. કૉન્ફિડન્સ ક્યારે ઓવર-કૉન્ફિડન્સમાં ફેરવાઈ જાય એની કોઈને ખબર પડતી નથી. મારી પાસે જ્યારે પણ કોઈ એવું બોલે કે મને કોરોના થાય જ નહીં ત્યારે મને તેના શબ્દોમાં આ ઓવર-કૉન્ફિડન્સ દેખાય છે.
ઉદાહરણ સાથે કહું તમને અને આવું ઉદાહરણ આપવું હોય ત્યારે મારે બીજાનું શું કામ ઉદાહરણ આપવું જોઈએ તમને. મારી જ સોસાયટીની વાત કહું. હું જ્યાં રહું છું એ બહુ ભદ્ર લોકોની સોસાયટી છે. ૬ ટાવર છે, ગાર્ડનથી લઈને સરસ પોડિયમ અને અનેક એમિનિટીઝ એમાં છે. આ જ સોસાયટીમાં મને નીચે એક કુટુંબ મળ્યું, પતિ-પત્ની અને તેમનાં બે નાનાં બચ્ચાંઓ. બચ્ચાંઓની ઉંમર કહું તો એક પાંચેક વર્ષનું હશે અને બીજું સાતેક વર્ષનું. પેરન્ટ્સ અને બન્ને બચ્ચાંઓ માસ્ક વગર બિન્દાસ ફરતાં હતાં. તેમને જોઈને મારાથી રહેવાયું નહીં અને મેં કહ્યું કે ‘માસ્ક પહન કે નિકલના ચાહિયે.’ તેમનું રીઍક્શન હું અહીં વર્ણવી નહીં શકું, પણ તેમના ચહેરાના જે હાવભાવ હતા એ હાવભાવ ખરેખર મને અકળાવી ગયા. એક્સપ્રેશન આપીને તેણે કહ્યુંઃ ‘હા, હા. માલૂમ હૈ.’
આ તમને એટલા માટે કહું છું કે આપણે એમ જ માનીએ છીએ કે કોરોના થવું કે આપણને આ વાઇરસની બીમારી આવવી એ તો આપણે માટે ઇમ્પૉસિબલ છે. અકલ્પનીય છે, પણ ના, હું એમ કહું છું કે જરાય નહીં. હવે કંઈ પણ થઈ શકે છે અને ક્યારેય પણ થઈ શકે છે. એ થઈ જાય એવા સમયે હેરાન થવું અને હેરાન થઈને ફૅમિલી-મેમ્બરોને પણ જોખમમાં મૂકવા એ ખોટું કહેવાય. હમણાં લૉકડાઉનના આ જે ત્રણ મહિના ઘરમાં રહ્યા એણે આપણને પ્રિપેર કર્યા છે. જરા વિચાર કરો તમે કે ઘરે રહેવાનું આપણને શું કામ કહેવામાં આવ્યું હતું. એટલા માટે કે ઘરે રહીને આપણે આપણી જાતને ગેધર કરીએ, ભેગી કરીએ. આપણા સ્વભાવની સારી અને ખરાબ બધેબધી લાક્ષિણકતાઓને જોઈએ અને જ્યાં આપણને લાગે કે અહીં સુધારો કરવાની જરૂર છે તો એને કરીએ અને આવતા સમયમાં આપણે ઓછી તકલીફમાંથી પસાર થઈશું. આ લૉકડાઉનનું સૌથી મોટું કારણ હતું, તો બીજું કારણ એ છે કે આપણને અત્યાર સુધી થોડા સાચવી રાખવા જરૂરી હતા. હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આપણે ઘરમાં રહેવા રાજી નથી. માનસિક કંટાળો કહો કે પછી ખરેખર ઇન્કમની જરૂર કહો કે પછી કહો કે વાત સર્વાઇવલની આવી એટલે હવે રહેવાતું નથી અને એવું જ ગવર્નમેન્ટનું છે, એનાથી પણ નથી રહેવાતું, કારણ કે એને દેશની ઇકૉનૉમીની ચિંતા છે અને એટલે જ લૉકડાઉન ખોલવાનું શરૂ થયું છે. લૉકડાઉનની આ જ ચર્ચા અને આ વિષય પર વાત આગળ વધારીશું આવતી કાલે, પણ એ પહેલાં એક વાત કહેવાની કે જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળજો અને વડીલ કે બાળકો ઘરની બહાર ન આવે એનું ધ્યાન રાખજો.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 10:06 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK