સાચા ગુરુની શોધ ખોટી નહીં, પણ એ શોધના અંતે ખોટા ગુરુને સાંપડવા અહિત સર્જનારી છે

Published: Jul 18, 2020, 21:19 IST | Manoj Joshi | Mumbai

જીવનમાં ડગલે ને પગલે એવા ગુરુઓ સાંપડતા હોય છે જે વ્યક્તિનું ઘડતર કરવાનું કામ કરે છે, વ્યક્તિમાં રહેલી સર્જનાત્મકતા બહાર લાવવાનું કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હમણાં સ્વામી સચ્ચિદાનંદની કૉલમ વાંચવાનું બન્યું. જૂના પીસ હતા પણ એમાં વાત ચાણક્યની હતી અને ચાણક્યની સાથોસાથ એમાં ગુરુ વિશે પણ સ્વામીજીએ કહ્યું હતું. ગુરુવર. આ પૃથ્વીનું, આ સૃષ્ટિનું સર્જન કરનારા જો કોઈ હોય તો એ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુ મહેશ્વરા.

આ ત્રણ ગુરુઓ સિવાય પણ જીવનમાં ડગલે ને પગલે એવા ગુરુઓ સાંપડતા હોય છે જે વ્યક્તિનું ઘડતર કરવાનું કામ કરે છે, વ્યક્તિમાં રહેલી સર્જનાત્મકતા બહાર લાવવાનું કામ કરે છે. જીવન પર્યંત મળનારા તમામ ગુરુઓને કારણે જ માણસ સુશીલ, સમજુ અને સામાજિક પ્રાણી બને છે. આજે તો ગુરુની વ્યાખ્યા બહુ છીછરી થઈ ગઈ છે અને ગુરુના નામે ભલભલા લોકોને બેસાડી દેવામાં આવે છે, પણ યાદ રાખજો કે જીવનમાં ગુરુનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે અને એ સ્થાન શાસ્ત્રોમાં પણ દર્શાવ્યું અને સમજાવ્યું છે. ગુરુપ્રથા અને ગુરુપરંપરાનો આજે વિરોધ થવા માંડ્યો છે અને છાના ખૂણે તેમની સામે બોલનારાઓ પણ નીકળવા લાગ્યા છે, પણ મારે કહેવું છે કે એવું બનવાનું કારણ શું હોઈ શકે એના વિશે જરા વિચાર કરજો. ગુરુત્વનું સ્થાન આપણે ભૂલી જઈએ છીએ એટલે આ આખી પરંપરા અને પ્રથાને વખોડવાની શરૂઆત કરવામાં આવી છે. ગુરુત્વ વિશે આપણે સભાનતા લાવવાની જરૂર છે અને એ સભાનતા જો આવી ગઈ તો આપણને ક્યારેય કોઈ ગુરુત્વના નામે છેતરી નહીં શકે.

નાના હોઈએ ત્યારે માના સ્વરૂપમાં ગુરુનાં દર્શન થાય છે અને ભણવા માટે જઈએ છીએ ત્યારે શિક્ષકના સ્વરૂપમાં ગુરુ નજર સમક્ષ આવે છે. મુશ્કેલ સમયે અને કટોકટીના સંજોગોમાં બાપ જ્યારે પરિસ્થિતતિ સામે ટકી રહેવાની સમજણ આપે છે ત્યારે એ સમજણમાંથી ગુરુ દેખાય છે અને જ્યારે કોઈને જોઈને તેના જેવા બનવા માટે એ દિશામાં આગળ વધવાનું શરૂ કરીએ છીએ ત્યારે એ ઘડતરની જે દિશા ખૂલે છે એ દિશા પણ ગુરુ સમાન હોય છે. ચાણક્યએ કહ્યું છે કે ‘જીવનમાં સાચા ગુરુની શોધ શક્ય છે કે ક્યારેય પૂરી ન થાય, પણ માણસે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગુરુની આ શોધ દરમ્યાન ખોટા ગુરુ ક્યારેય તેના જીવનમાં પ્રવેશી ન જાય.’

ચાણક્યના આ શબ્દોને સૌકોઈએ જીવનમાં ઉતારી રાખવાની જરૂર છે. જીવનમાં ઉતારવાની અને સાથોસાથ એનો અમલ કરવાની પણ આવશ્યકતા છે.

જરૂરી નથી કે ગુરુ મળે જ અને મળવા જ જોઈએ, કારણ કે ગુરુ મળ્યા ન હોય તો પણ જો વ્યક્તિ જીવનને સાચી દિશામાં રાખે અને સાચી રીતે, પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે જીવન જીવે તો પણ જીવન શાંત અને સરળ રીતે પસાર થઈ શકે છે. ગુરુનું કામ પણ એ જ છે જેમાં જીવનને સાચી દિશા અને જરૂર પડ્યે સાચું માર્ગદર્શન મળે, જે કોઈ પણ સ્વરૂપમાં તમને મળવાનું હોય તો એ પણ ઉત્તમ છે. આજે અનેક લોકો ગુરુના નામે ભક્તિભાવના રસ્તા પર પણ છે, પણ એ રસ્તા કરતાં પણ શ્રેષ્ઠ રસ્તો જો કોઈ હોય તો મારી નજરે એક જ રસ્તો છે. ઘરમાં જે છે એ ગુરુનું એટલે કે માબાપનું શ્રેષ્ઠતમ ધ્યાન રાખો. જે ગુરુ થકી જન્મ મળ્યો અને આટલું લખવાની, બોલવાની અને વાંચવાની સજ્જતા મળી તેમને ક્યાંય અન્યાય ન થઈ જાય એ જોશો અને તો જ ગુરુ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રણેયનો આત્મા ઠરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK