સંતાનના મોઢામાં કોળિયો મૂકી આપનાર વાલીઓને કહેવાનું કે...

Published: Feb 21, 2020, 17:55 IST | Varsha Chitaliya | Mumbai Desk

પોતાનું સંતાન કમ્પેટિટિવ વર્લ્ડમાં ટકી રહે એ માટે પેરન્ટ્સ તેમને જાતજાતનાં સલાહ-સૂચનો આપતા રહે છે પરિણામે બાળકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે એવાં અનેક રિસર્ચ સામે આવ્યાં છે

કેસ-સ્ટડી ૧ : આજકાલ બર્થ-ડે સેલિબ્રેશનમાં હોસ્ટને બોલાવી જુદી-જુદી ગેમ્સ ઑર્ગેનાઇઝ કરવાનો ટ્રેન્ડ પૉપ્યુલર બન્યો છે. છ વર્ષનું આ બાળક કોઈની પણ બર્થ-ડે પાર્ટીને સરખી રીતે એન્જૉય કરી શકતો નહોતો. હોસ્ટ જ્યારે બધાં બાળકોને ગેમ્સ રમવા બોલાવે ત્યારે તે પહેલાં મમ્મી સામે જોઈ લે. હોસ્ટ ગેમ્સના રૂલ્સ સમજાવે ત્યારે પણ વાંકો વળીને મમ્મીને જોયા કરે. તેને ખબર હતી કે મમ્મીની નજર મારા પર જ હશે. હું રૂલ્સ ફૉલો નહીં કરું કે રમવામાં ભૂલ કરીશ કે જલદી આઉટ થઈ જઈશ તો મને ટોકશે કે બાઘા જેવો છે, ગેમ્સ સમજાવતા હતા ત્યારે તારું ધ્યાન ક્યાં હતું? પાર્ટીમાં મમ્મીની કટકટના લીધે તે પોતાના ફ્રેન્ડ્સ સાથે એન્જૉય કરી શકતો નહોતો.
કેસ-સ્ટડી ૨ : આઠ વર્ષના બાળકના આ કેસમાં મમ્મી અમદાવાદની હતી અને પપ્પા મુંબઈમાં જ જન્મ્યા અને ઊછર્યા હતા. બન્ને પેરન્ટ્સના ઇંગ્લિશ શબ્દોના ઉચ્ચારમાં જમીન-આસમાનનો તફાવત હતો. પપ્પા ઇચ્છતા હતા કે તેનું બાળક મેટ્રોસિટીમાં રહેતાં અન્ય બાળકો જેવું ફાંકડું અને કડકડાટ અંગ્રેજી બોલે. તેનામાં મમ્મી જેવો ટોન ન આવે. બાળક તો આખો દિવસ મમ્મી સાથે રહેતું હોય એટલે સ્વાભાવિક છે તેના પર તેનો જ પ્રભાવ હોય. આ બાબત પપ્પા કાયમ ટોક્યા કરતા. એનું પરિણામ એ આવ્યું કે ખૂબ વાતોડિયો સ્વભાવ ધરાવતું બાળક ચૂપચાપ રહેવા લાગ્યું. ક્યાંક બોલવાનું હોય ત્યારે પણ કન્ફ્યુઝનના લીધે બન્ને પેરન્ટ્સ સામે વારાફરતી જોવા લાગતો. તેને ખબર જ ન પડે કે શું બોલવાનું છે. જોકે આ કેસમાં છેલ્લે મમ્મીએ
અંગ્રેજી ક્લાસ કરી પોતાની ભાષા સુધારી લીધી હતી.
કેસ-સ્ટડી ૩ : નાનપણમાં આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલાં સંતાનોની ઍડલ્ટહુડમાં શું દશા થાય છે એ સમજાવતો આ કેસ ૨૩ વર્ષની યુવતીનો છે. હજી ગયા મહિને જ બનેલા આ કેસમાં થયું એવું કે યુવતીના વેડિંગ ડ્રેસને લઈને તેની નણંદે કંઈક કમેન્ટ્સ કરી. નણંદની કમેન્ટ્સથી તે એટલી અપસેટ થઈ ગઈ કે હાથે કરીને વાતાવરણ ખરાબ કરી નાખ્યું અને હનીમૂન બગડ્યું. તેને ગુસ્સો આવ્યો કે આ કોણ મને કહેવાવાળી? તેની હિંમત કેમ થઈ મને આવું કહેવાની? વાસ્તવમાં નાનપણથી જ તારી ચૉઇસ ભંગાર છે એવું તેના મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હતું. કોઈ પણ વસ્તુ પોતાની પસંદગીથી લઈ ન શકે. ડિસિઝન મેકિંગનો અભાવ હોવાને કારણે તેણે લગ્નના શૉપિંગમાં નણંદની હેલ્પ લીધી હતી અને એ કારણસર કમેન્ટ્સ સાંભળવાનો વારો આવ્યો હતો.
કેસ-સ્ટડી ૪ : આ કેસમાં ટીનેજ છોકરો ઓવર-કૉન્ફિડન્ટ હતો. પેરન્ટ્સ કોઈ ચીજવસ્તુ લેવા મોકલે તો ધડાધડ ખરીદી કરીને આવી જાય. અરે, મોબાઇલ જેવી વસ્તુ પણ પોતાની મરજી પ્રમાણે ચૉઇસ કરીને લઈ આવે. અડધો કલાકમાં તો બધું શૉપિંગ કરી નાખે. પેરન્ટ્સે
આપેલી ફ્રીડમના લીધે તેને ટ્રાયલ ઍન્ડ એરરની ટેવ પડી ગઈ હતી. ટ્રાયલ ઍન્ડ એરરથી સંતાનો શીખે છે એ વાત સો ટકા સાચી, પરંતુ આ કેસમાં મને બધી ખબર પડે છે એવો તેનો ઍટિટ્યુડ હતો જે યોગ્ય નથી.
કેસ-સ્ટડી ૫ : ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતો આ બૉય રનિંગમાં આગળ પડતો હતો. સ્કૂલમાં દર વખતે પ્રાઇઝ લઈને આવે. અવ્વલ નંબરના આ પર્ફોર્મરને જોકે ઘરમાં વ્યવસ્થિત ઍપ્રીશિયેશન મળતું નહીં. સ્પોટ‍્ર્સ આગળ વધે એ માટે પેરન્ટ્સનો સપોર્ટ હતો, પણ તેમનો અપ્રોચ ખોટો હતો જેના કારણે તેનો કૉન્ફિડન્સ ડાઉન થઈ ગયો. એક રેસમાં તે સેકન્ડ આવ્યો તો પેરન્ટ્સે કહ્યું કે તૂ સ્લો થા કિ નંબર વન પર આનેવાલા તેરે સે ફાસ્ટ થા?
બચ્ચોં કે કૉન્ફિડન્સ કી ધજ્જિયાં ઉડાનેવાલે ઐસે તો કંઈ કેસ સામને આયે હૈં એવો અભિપ્રાય આપતાં તનુજા કહે છે, ‘આજના પેરન્ટ્સ ઓવરપ્રોટેક્ટિવ બન્યા છે. બીજી તરફ તેમની અપેક્ષાઓ એટલી વધુ છે કે સંતાનોએ એમાં ખરાં ઊતરવાનું જ છે એવો નિયમ બની ગયો છે. દેખાદેખી અને ગાડરિયા પ્રવાહમાં તેઓ સંતાનો પાસેથી ડિમાન્ડ કરતા થયા છે. તેમની મરજી મુજબ ન થાય એટલે ટેં ટેં ચાલુ થઈ જાય. અવાજ ધીમો રાખ, અમારી ગેરહાજરીમાં ભાઈ-બહેન ઝઘડ્યાં છો તો જોઈ લેજો, બેસવાની રીત બરાબર નથી, સામા સવાલો નહીં કરવાના આવી તો અનેક નાની-નાની વાતો છે જેને લઈને પેરન્ટ્સ પોતાનાં નાની ઉંમરનાં સંતાનોને ટોક્યા કરે છે. કેટલાક પેરન્ટ્સ સંતાનોને બૉડી શેમિંગનો અહેસાસ કરાવતા રહે છે. એક બાજુ કૉન્સ્ટન્ટ્લી કહે કે જો તે ખરો, શરીર કેટલું વધી ગયું છે! આખો દી’ ખા-ખા કરે છે. બીજી બાજુ પોતાની પાસે ટાઇમ નથી એટલે પીત્ઝા અને બર્ગર મગાવી લે છે. આવી ટકટકના કારણે સંતાનો પેધી જાય છે. તેમને લાગે છે કે આ તો રોજનું છે. પછી તેઓ સામે બોલે છે કે ક્યા કર લોગે? ડાંટોગે કિ મારોગે? સંતાનોમાં આ ઍટિટ્યુડ આવી જાય પછી તે ક્યારેય સાંભળતાં નથી. સેલ્ફ-કૉન્ફિડન્સમાં આ બાબતની નકારાત્મક અસર પડે છે.’
ટીનેજમાં પેરન્ટ્સની ટોકવાની રીત બદલાય છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘મેં જોયું છે કે પેરન્ટ્સ તેમનાં ટીનેજ સંતાનોને બે હજાર રૂપિયા આપે અને પાછા એમ કહે કે બધા ન વાપરતો, એમાંથી થોડા બચાવજે. તમે એ તો કહો છો કે બધા વાપરવાના નથી, પણ એ નથી કહેતા કે કેટલા વાપરવાના છે. પાર્ટીમાં સિગારેટ કે આલ્કોહૉલને હાથ પણ નહીં લગાવતો એમ કહો છો, પણ એ કેમ નથી કહેતા કે શા માટે હાથ નથી લગાડવાનો? આ ડિફરન્સ નથી સમજાવતા એમાં સંતાનોમાં જાતે નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થતી નથી. ડોન્ટ ડૂ એમ કહેવા કરતાં વાય નૉટ ટુ ડૂ એ સમજાવતાં શીખી જશો તો તમારું સંતાન ક્યારેય નાસીપાસ નહીં થાય.’

પેરન્ટ્સ માટે તનુજાએ આપેલી પ્રૅક્ટિકલ ટિપ્સ
આજકાલ પેરન્ટ્સનું ડિસસૅટિસ્ફેક્શન લેવલ હાઈ થતું જાય છે પરિણામે ડિસ્કશન ઇન્સ્ટ્રક્શનમાં ફેરવાઈ જાય છે. સૂચના આપતી વખતે તમારો ટોન ઑર્ડર આપતા હો એવો ન હોવો જોઈએ.
તમારી અપેક્ષાઓનો ભાર સંતાનોના માથા પર કદાપિ ન નાખો.
કોઈ પણ પેરન્ટ્સ સાચા નથી હોતા અને એકેય પેરન્ટ્સ ખોટા નથી હોતા. એવરી પેરન્ટ ઇઝ રાઇટ વિથ રૉન્ગ એક્સપેક્ટેશન. દરેક માતા-પિતાનો જોવાનો અને સમજવાનો નજરિયો જુદો હોય છે તેથી બીજાનાં સંતાનો સાથે સરખામણી કરી પોતાના બાળક સામે અળખામણા ન બનવું.
ઇન્સ્ટ્રક્શન આપવાની સાચી રીત કઈ છે, એનું રીઍક્શન શું આવે છે અને સંતાન કઈ રીતે બિહેવ કરે છે એ બાબત સ્વનિરીક્ષણ અને આત્મવિશ્લેષણ કરી આગળનાં સલાહ-સૂચનો આપો.
સલાહ આપવી અને ટોકવું બન્ને વચ્ચેનો ફરક સમજવો અત્યંત અગત્યનું છે. તમે કંઈ પણ કહો એમાં નૅગિંગ (ટીકા કરવી) કરતા હો એવું ન લાગવું જોઈએ.
ઘણા પેરન્ટ્સ એકસાથે ઘણીબધી સલાહ આપે છે. આવું ક્યારેય ન કરો. એક સૂચના આપી છે એ પૂરી થઈ કે નહીં એ જુઓ પછી બીજી આપો. એનાથી સંતાનોનો આત્મવિશ્વાસ વધશે.
પેરન્ટ્સ કાન્ટ બી અ ફ્રેન્ડ, પેરન્ટ્સ શુડ બી અ પેરન્ટ. આ વાત મનમાં ગાંઠ વાળીને રાખો. તમારે દર વખતે સંતાનોના મિત્ર બનીને રહેવાની જરાય જરૂર નથી. ક્યારે કઈ ભૂમિકા ભજવવાની છે એની જવાબદારી તમે પોતે સમજશો તો જ સંતાનોને સમજાવી શકશો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK