સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 41

Published: Jun 02, 2019, 11:15 IST | ગીતા માણેક

દિલ્હી પાછા ફર્યા બાદ સરદારે નિઝામને પત્ર લખ્યો: પ્રિય નામદાર,

સરદાર: ધ ગેમ-ચેન્જર
સરદાર: ધ ગેમ-ચેન્જર

અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે ૧૨મી સપ્ટેમ્બરની મધરાત બાદ ૧૩મી સપ્ટેમ્બરનો દિવસ શરૂ થઈ જતો હતો. વહેલી સવારે હૈદરાબાદ પર હુમલો કરવાનો હતો, પણ એ પહેલાં ભારત તરફથી જ હજુ એક કોશિશ કરવામાં આવી, ઑપરેશન પોલો રોકવાની.

મળસકે ૩ વાગ્યે સંરક્ષણ ખાતાના સેક્રેટરી હીરુભાઈ પટેલના ઘરનો ફોન ધણધણ્યો.

‘જનરલ બુશર હિયર...’

‘યસ...’ હીરુભાઈએ ઊંઘરેટિયા અવાજમાં કહ્યું.

‘સૉરી તમને ડિસ્ટર્બ કર્યા, પણ મારી પાસે હમણાં જ એક બહુ જ વિશ્વસનીય સૂત્ર પાસેથી માહિતી આવી છે. મને લાગ્યું મારે તમને એ વિશે જાણકારી આપવી જ જોઈએ.’

‘હા બોલો...’

‘હૈદરાબાદે બહુ બધાં વિમાનો ખરીદી લીધાં છે. એ બધાં બૉમ્બર (બૉમ્બ ફેંકનારાં) વિમાનો છે. મને લાગે છે કે આપણે આ માહિતીની ચકાસણી કરવી જોઈએ અને ત્યાં સુધી ઑપરેશન પોલો મુલતવી રાખવું જોઈએ.’ બુશરના અવાજમાં તાકીદ હતી.

‘હું સરદારને જાણ કરીશ.’ હીરુભાઈએ ટૂંકાણમાં જવાબ આપી દીધો.

બુશરની આ છેલ્લી તરકીબ પણ નાકામિયાબ રહી.

૧૩મી સપ્ટેમ્બરની વહેલી સવારે આયોજન મુજબ કાર્યવાહી શરૂ થઈ. હૈદરાબાદમાં પોલો રમત રમવા માટેનાં મોટાં-મોટાં ગ્રાઉન્ડ હોવાને કારણે આ લશ્કરી કાર્યવાહીને ઑપરેશન પોલો નામ આપવામાં આવ્યું હતું. આ ઑપરેશનની આગેવાની મેજર જનરલ જે. એન. ચૌધરીના હાથમાં હતી. લેફ્ટેનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી દોરવણી આપી રહ્યા હતા. આ જંગ બનતી ઉતાવળે ખતમ થાય, જેથી ઓછામાં ઓછી કતલ થાય એ મુજબનો વ્યૂહ ઘડાયો હતો. બખ્તરિયા દળની પહેલી ટુકડી સોલાપુર-હૈદરાબાદના ૧૮૬ માઈલના રસ્તે પૂવર્‍ દિશાએ આગળ વધવા લાગી. પિમ તરફ બેઝવાડા-હૈદરાબાદના રસ્તે અન્ય દળોએ ચડાઈ કરી. મુખ્ય હુમલાની દિશા અંગે દુશ્મનનું સેનાપતિ સહિતનું સૈન્ય મૂંઝવણમાં મુકાયું. આ દરમ્યાન હૈદરાબાદની સરહદમાં ઘૂસીને ૧૨ માઈલના અંતરે આવેલા નળદુર્ગ પુલનો કબજો લઈ લેવામાં આવ્યો. જો આ કબજો લેવામાં થોડીક પણ ઢીલ થઈ હોત તો નિઝામના અંગ્રેજ સૈનિક મૂરે આ પુલને ઉડાવી દીધો હોત. મૂરને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે તેની જીપમાં ઠાંસોઠાંસ દારૂગોળો ભરેલો હતો. જો તે આ પુલ ઉડાવી દેવામાં સફળ થઈ ગયો હોત તો ઑપરેશન પોલો એક અઠવાડિયું લંબાઈ ગયું હોત. આ એક અઠવાડિયામાં નિઝામને સજ્જ થવાનો વધુ સમય મળી ગયો હોત. ઑપરેશન પોલો ૧૭મી સપ્ટેમ્બરે શરૂ થવાનં્ છે એવી ગેરમાહિતી નિઝામને પહોંચાડી દેવામાં આવી હતી એટલે એક અર્થમાં તે ઊંઘતા ઝડપાયા.

હૈદરાબાદમાં લશ્કર પ્રવેશ્યું ત્યાર પછી નિઝામના સૈનિકો કરતાં રઝાકારો વધુ ઝનૂનપૂર્વક લડ્યા. ચાર જ દિવસમાં તો નિઝામના લશ્કરને અને રઝાકારોને મોઢે ફીણ આવી ગયાં. ભારતના એજન્ટ કનૈયાલાલ મુનશીને નિઝામ સરકારે તેમના ઘરમાં જ બંદી બનાવીને રાખ્યા હતા. ૧૭મી સપ્ટેમ્બરે સવારે હૈદરાબાદના મેજર જનરલ ઇદ્રુસે પોતે મુનશીને લેવા આવ્યા. તેમની સાથે મુનશી કિંગ કોઠીમાં પહોંચ્યા. કિંગ કોઠીમાં કોઈનો ઇન્તકાલ થયો હોય એવો સન્નાટો છવાયેલો હતો. નિઝામ લૂંટાઈ ચૂકેલી સલ્તનતના શાસક લાગતા હતા. તેમના ચહેરા પર ગમગીની છવાયેલી હતી. તેમનાં ગાત્રો શિથિલ થઈ ગયાં હતાં. નિઝામે કહ્યું, ‘ગીધડાંઓએ રાજીનામું આપી દીધું છે. હવે હું શું કરું?’ હૈદરાબાદના દીવાન લાયક અલી અને તેમની ટીમે રાજીનામું આપી દીધું હતું. વેરાન રણમાં કોઈ એકલોઅટૂલો માણસ ઊભો હોય એમ નિઝામ નોધારા લાગતા હતા.

‘મને લાગે છે કે સૌથી પહેલાં તો તમારે મેજર જનરલ ઇદ્રુસેને આદેશ આપવો જોઈએ કે હૈદરાબાદની પ્રજાને કાબૂમાં રાખે, જેથી કોમી રમખાણો ન ફાટી નીકળે. તમે પણ વહેલામાં વહેલી તકે શરણાગતિ સ્વીકારી લો અને એ મુજબનો સંદેશો લોકોમાં પહોંચાડો.’ મુનશીએ આદેશ આપતા હોય એમ કહ્યું.

એ જ સાંજે જનરલ બુશર સરદાર પાસે પહોંચ્યા. હૈદરાબાદ રેડિયો પર નિઝામના લશ્કરના મેજર જનરલ અલ ઇદ્રુસે પોતાના સૈનિકોને આપેલો સંદેશો તેમણે આંતર્યો હતો. આ સંદેશામાં મેજર જનરલ ઇદ્રુસે પોતાના સૈનિકોને તાબે થઈ જવાની સૂચના આપી હતી. સરદારની વ્યૂહરચના અને ગણતરી સાચી પુરવાર થઈ રહી હતી. બીજા દિવસે ઇદ્રુસે પોતે ભારતના જનરલ ચૌધરી સમક્ષ હાજર થયા અને તેમણે વિધિસરની શરણાગતિ સ્વીકારી લીધી.

ઑપરેશન પોલો ૧૦૮ કલાક ચાલ્યું અને એમાં હિન્દુસ્તાનના ૪૨ સૈનિકો મૃત્યુ પામ્યા અને ૯૭ ઘાયલ થયા તેમ જ ૩૪ સૈનિકો ગુમ થઈ ગયા. સામા પક્ષે હૈદરાબાદના ૪૬૦ ઠાર થયા અને ૧૨૨ ઘાયલ થયા. ૨૭૨૭ રઝાકારો હણાયા, ૧૦૨ ઘાયલ થયા અને ૩૩૬૪ વ્યક્તિઓ કેદ થઈ. કાસિમ રાઝવીની પણ ધરપકડ થઈ. સરદારને સૌથી વધુ એ વાતનો આનંદ થયો કે હૈદરાબાદની બાબતમાં ભારતના તમામ મુસલમાનોએ સરકારનો પક્ષ લીધો હતો.

૧૮મી તારીખે નિઝામે પણ હથિયાર હેઠાં મૂકી દીધાં. તેમણે રેડિયો પર એલાન કર્યું: ‘મારા પ્રિય પ્રજાજનો. મારી સરકારે રાજીનામું આપી દીધું છે અને રાજકીય પરિસ્થિતિ મારા હાથમાં લઈ લેવાનો સમય આવી ગયો છે. હું દિલગીર છું કે આ અગાઉ મેં આ ન કર્યું... મેં આપણા લશ્કરની ટુકડીઓને યુદ્ધ અટકાવવાનો આદેશ આપી દીધો છે અને રઝાકારો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. હું હિન્દુસ્તાનને બોલારામ અને સિકંદરાબાદનો કબજો સોંપી રહ્યો છું... હું બધા લોકોને શાંતિ અને ધીરજ રાખવાની અપીલ કરું છું... મેં મારા પ્રતિનિધિઓને સૂચના આપી દીધી છે કે યુએનમાંથી હૈદરાબાદનો કેસ પાછો ખેંચી લો.’

ઑપરેશન પોલોની સફળતા એ સરદારના મુગટમાંની સૌથી મોટી કલગી બની. આ ઑપરેશનનો સતત વિરોધ કરી રહેલા નેહરુએ પણ સ્વીકાર્યું કે, ‘મને એવું હતું કે હૈદરાબાદમાં ઑપરેશન કરવાથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી ભેદભાવ વધશે, પણ હકીકતમાં એનાથી ઊલટું થયું છે.’

સામાન્યપણે કોઈ પણ ઑપરેશનની સફળતાનો જશ લેવામાં એના લશ્કરી વડા સૌથી મોખરે હોય છે, પણ બુશરે બધો જ યશ સરદારને આપી દીધો. તેમણે નિખાલસતાથી કબૂલ કર્યું, ‘હૈદરાબાદ ઑપરેશન પોલોની સફળતાનો યશ હું નથી લેતો. હું તો એના માટે તૈયાર નહોતો, એટલું જ નહીં વિરોધમાં હતો. આખરે સરદાર સાચા પુરવાર થયા.’

અન્ય રાજ્યોની જેમ જ હૈદરાબાદના રાજવી તરીકે નિઝામને ચાલુ રાખવા જોઈએ એવું જવાહરલાલ નેહરુ અને કૅબિનેટના કેટલાક સભ્યોનું કહેવું હતું. તેમને લાગતું હતું કે ભારતીય મુસલમાન સમાજમાં અને દુનિયાભરમાં નિઝામ માટે આદરભાવ છે. ગમે તેમ પણ ૩૭ વર્ષ નિઝામ શાસનનું પ્રતીક રહ્યા છે. તેમને ઉખેડી નાખવા કરતાં ચાલુ રાખવામાં શાણપણ છે. પહેલાં તો સરદારે આનો ઉગ્ર વિરોધ કર્યો. કૅબિનેટની બેઠકમાં સરદારે કહ્યું, ‘નિઝામ ખતમ થયો છે. હિન્દુસ્તાનની છાતીમાંના કૅન્સરને આપણે ચાલુ રાખી શકીએ નહીં. નિઝામનો વંશ પૂરો થઈ ચૂક્યો છે.’ જોકે પછીથી સરદારે ભૂતકાળ ભૂલીને નિઝામ પ્રત્યે મૈત્રીભર્યો વ્યવહાર કર્યો.

ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. હૈદરાબાદ સત્તાવાર રીતે હિન્દુસ્તાનમાં વિલીન થઈ ગયું. પાંચેક મહિના બાદ સરદાર હૈદરાબાદ ગયા ત્યારે ખુદ નિઝામ તેમનો સત્કાર કરવા વિમાનમથકે હાજર રહ્યા. હૈદરાબાદ નિઝામના શાસનકાળમાં આ પહેલો એવો પ્રસંગ હતો કે જ્યારે નિઝામ પોતે કોઈને વિમાનમથક પર આવકારવા માટે ગયા હોય! સરદાર વિમાનમાંથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે સામે જ નિઝામ ઊભા હતા. નિઝામને હાથ જોડીને ઊભેલા જોઈને સરદારે તેમના ખાનગી સેક્રેટરી વી. શંકરને હળવાશથી અને ધીમેકથી કહ્યું, ‘હવે આ ખાલીખમ નામદાર આવ્યા છે ખરા.’

બીજા દિવસે હૈદરાબાદ ખાતે ઓસમાનિયા યુનિવર્સિટીમાં એક મોટી સભાનું આયોજન થયું. એ સભામાં સરદારે કહ્યું, ‘ભૂતકાળ ભૂલી જઈએ અને સાથે મળીને ભારતને એક મહાન દેશ બનાવીએ. હૈદરાબાદ તો ભારતનું હૃદય છે. ભાગલા પછી પણ ઘણા લોકો એવા હતા જેમને લાગતું હતું કે પાકિસ્તાનમાં જ અમારું સ્થાન છે તો તેઓ પાકિસ્તાન જઈ શકે છે. ભૂતકાળના ઝેરીલા વાતાવરણમાં મુસ્લિમોએ જે કર્યું એ યોગ્ય નહોતું, પણ હવે એ બધું ભૂલીને સાચા માર્ગે ચાલીને પરિસ્થિતિને પવિત્ર કરો.’

સરદારે નિઝામનો પૂરેપૂરો આદર જાળવ્યો. એ દિવસે તેમની વચ્ચે લાંબી વાતચીત થઈ. નિઝામે સરદાર પાસે સ્વીકાર્યું કે જે કંઈ થયું એ માટે હું બહુ જ દિલગીર છું. આ બધું ન બન્યું હોત તો સારું થાત, પરંતુ હવે હું ભારત સરકારને પૂરેપૂરો વફાદાર રહીશ.’

દિલ્હી પાછા ફર્યા બાદ સરદારે નિઝામને પત્ર લખ્યો:
પ્રિય નામદાર,

તમને મળીને અને તમારો પરિચય થવાથી મને ઘણો આનંદ થયો... આપ નામદાર બદલાઈ ગયેલી પરિસ્થિતિને આટલી ઝડપથી અનુકૂળ થઈ ગયા છો તે જોઈને મને ખૂબ ખુશી થઈ છે. મેં આપ નામદારને જણાવ્યું એમ માણસમાત્ર ભૂલ કરે છે. તેથી જૂની વાતો ભૂલી જઈને માફ કરી દેવું એવું દરેક મજહબમાં કહેવાયું છે. અંત:કરણપૂર્વક પશ્ચાત્તાપ કરીને આ પ્રક્રિયાને વેગ આપવાની દરેક ઇન્સાનની ફરજ છે. આ શિખામણ હું આપને ફરી આપવા ચાહું છું અને તે મૈત્રીભાવે આપી રહ્યો છું તેની આપને ખાતરી આપવા માગુ છું.

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 40

તમારો
વલ્લભભાઈ પટેલ

સરદારે એક વિજેતા યોદ્ધા જેવો જ વ્યવહાર નિઝામ સાથે કર્યો. હૈદરાબાદ એક એવું અલસર હતું જેનું ઑપરેશન કર્યે જ છૂટકો હતો. એ વાત તેમણે જાહેરમાં કહી. આ સફળ ઑપરેશન કર્યા બાદ હૈદરાબાદનું સફરજન તેમણે પોતાની ઝોળીમાં નાખી દીધું.

હજુ એક મોટું સફરજન બાકી હતું - કાશ્મીર. (ક્રમશ:)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK