Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 40

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 40

26 May, 2019 11:07 AM IST |
ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 40

સરદાર: ધ ગેમ-ચેન્જર

સરદાર: ધ ગેમ-ચેન્જર


‘મેં જ્યારે જૂનાગઢમાં પ્રવેશ કર્યો હતો ત્યારે જ કહી દીધું હતું કે નિઝામ અગર સમજશે નહીં તો જે હાલ જૂનાગઢના થયા છે એ જ હૈદરાબાદના પણ થશે. આના માટે બેમત ન હોઈ શકે. લૉર્ડ માઉન્ટબેટનને બહુ આશા હતી કે તેમના જતાં પહેલાં તેઓ નિઝામ સરકારને સમજાવી શકશે. તો આપણા ગવર્નર જનરલે આપણી તરફથી છેલ્લા દિવસ સુધી કોશિશ કરી. મેં તેમને પહેલાં જ કહ્યું હતું કે આ ચીજ થવાની નથી. જતાં-જતાં તેમને પણ પૂરો અનુભવ થઈ ગયો. મેં તેમને કહી દીધું હતું કે ઠીક છે, અમારા તરફથી તમે જેટલી ચાહો એટલી કોશિશ કરો; ક્યારેય અમને એવું ન કહેતા કે અમે કોઈ ભૂલ કરી અથવા અમે ઉદારતા ન દેખાડી. હવે અમે પણ કહીએ છીએ કે સમાધાનની કોઈ વાત નહીં થાય. જેવું દેશમાં અન્ય જગ્યાએ થયું છે એવું જ અહીં પણ થશે. જે લોકો અધીરાઈ દેખાડે છે તેમને હું કહેવા માગું છું કે તમે ભરોસો રાખો. તમારા દિલમાં જેટલું દર્દ હૈદરાબાદ માટે છે અમારા દિલમાં કંઈ ઓછું દુ:ખ નથી, પરંતુ જ્યારે એક ઑપરેશન કરવાનું હોય છે તો એમાં ઓછામાં ઓછું નુકસાન થાય, ઓછામાં ઓછું લોહી વહે એ રીતે કાપવું જોઈએ. તમારે વિશ્વાસ રાખવો જોઈએ કે અમે એને કાપવાના છીએ. અમે એને છોડીશું નહીં. હું તમને વિશ્વાસ દેવડાવવા માગું છું કે અમારી ધીરજની પણ સીમા છે, પરંતુ અમારે ઘણી જવાબદારીઓ છે. એટલા માટે અમે બુદ્ધિપૂર્વક, સારી નીયતથી અને ધીરજથી કામ કરવા માગીએ છીએ. એટલા માટે અમે આટલી વાર કરી રહ્યા છીએ.’

૧૫મી જુલાઈ, ૧૯૪૮ના પટિયાલામાં આપેલા ભાષણમાં હૈદરાબાદ અંગેની તેમની નીતિ અંગે સરદારે પોતે શું કરવા ધારે છે એ શબ્દો ચોર્યા વિના જાહેર કરી દીધું.



જોકે સરદારે નિર્ધારિત કરેલા વ્યૂહ સાથે વડા પ્રધાન નેહરુ હજુ સંમત થતા નહોતા. એવામાં હૈદરાબાદના લાયક અલીએ ધમકીભર્યો પત્ર લખ્યો કે ભારત સરકાર અમને આર્થિક રીતે પરેશાન કરી રહી છે. ભારતીય સૈનિકો અમારી સરહદમાં ઘૂસપેઠ કરે છે એટલે અમે નક્કી કર્યું છે કે અમે આ આખો મામલો યુનાઇટેડ નેશન્સ (યુ.એન.) પાસે લઈ જઈશું. લાયક અલીની આ ધમકીની સરદાર પર સહેજ પણ અસર ન થઈ અને તેમણે વળતો જવાબ આપ્યો કે આ હિન્દુસ્તાનનો આંતરિક મામલો છે અને એમાં બહારની કોઈ સત્તાને દખલગીરી કરવાનો અધિકાર નથી.


હૈદરાબાદ હજુ પણ મરણિયા પ્રયાસો કરી રહ્યું હતું. નિઝામે અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેન પાસે ધા નાખી કે તમે હૈદરાબાદ અને ભારત વચ્ચે સમાધાન કરાવો. અમેરિકન પ્રમુખે આ મામલામાં પડવાની ઘસીને ના પાડી, એટલું જ નહીં, પણ નિઝામ આવો પ્રસ્તાવ લઈને આવ્યા હતા એ પણ સરદારને જણાવી દીધું. નિઝામની નફ્ફટાઈની ચરમસીમા તો એ હતી કે ઑગસ્ટ, ૧૯૪૮ના તેમણે ભારત સરકાર પાસે માગણી કરી કે મારે તમારી વિરુદ્ધ યુ.એન.માં રજૂઆત કરવા જવું છે તો એ માટે મારા પ્લેનને દિલ્હી ઍરપોર્ટની સુવિધા વાપરવાની પરવાનગી આપો! ભારત સરકારે જ્યારે નનૈયો ભણી દીધો તો નિઝામે પોતાના પ્રતિનિધિ ઝફારુલ્લા ખાનને હૈદરાબાદથી સીધા કરાચી અને ત્યાંથી અમેરિકામાં યુ.એન.ની ઑફિસે મોકલ્યા. અલબત્ત, યુ.એન.માં તેમનો ગજ વાગ્યો નહીં.

નિઝામની માફક જ નેહરુ પણ આક્રમણ ખાળવા માટે હવાતિયાં મારતા હતા. તેમણે નવા ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી (રાજાજી) પર દબાણ કરીને નિઝામ પર એક પત્ર લખાવડાવ્યો. આ પત્રમાં નિઝામને કહેવામાં આવ્યું હતું કે તમે રઝાકાર પર પ્રતિબંધ મૂકી દો અને જો એના માટે જરૂરત હોય તો ભારતીય સૈન્યને આમંત્રણ આપો. નિઝામે આ પત્રનો જવાબ ‘ના’માં આપી દીધો. તેમ છતાં નેહરુ મમત લઈને બેઠા હતા. સંરક્ષણ સમિતિની બેઠકમાં જ્યારે સરદારે આક્રમક પગલાંની વાત કરી ત્યારે નેહરુએ તેમની સાથે એટલો બધો વાદવિવાદ કર્યો કે સામાન્ય રીતે મગજ ન ગુમાવતા સરદાર મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા. નેહરુને માઉન્ટબેટનને આપેલું વચન અને હૈદરાબાદ પર હુમલો કરવામાં આવે તો વિશ્વમાં પોતાની કેવી છાપ પડશે એની ચિંતા સતાવતી હતી. આ કારણોસર હૈદરાબાદ પરનું આક્રમણ ટાળવા માટે તેમણે ખૂબ ધમપછાડા કર્યા, જેને સરદારે બિલકુલ મચક ન આપી.


હૈદરાબાદ પર લશ્કરી હુમલો કરવાની તારીખ નક્કી થઈ - ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૮. મિશનને નામ આપવામાં આવ્યુ - ઑપરેશન પોલો. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. છેવટની તક આપવા માટે બે દિવસ અગાઉ ભારત સરકાર દ્વારા નિઝામને એક તાર મોકલવામાં આવ્યો હતો. જો તમારી નિષ્ક્રિયતા આ જ રીતે ચાલુ રહી તો ભારત સરકારે પોતાના અભિગમ મુજબ પગલાં લેવાં પડશે. આ તારને ગંભીરતાથી લેવાને બદલે નિઝામે મુનશીને ટેલિફોન પર ઉડાઉ જવાબ આપ્યો. આ અંગે માહિતી આપવા મુનશીએ સરદારને ટેલિફોન કર્યો.

‘સરદારસાહેબ, નિઝામે આપણા તારનો પ્રતિભાવ ફક્ત એક ફોન દ્વારા આપ્યો છે. હજુ પણ તેઓ કોઈ સ્પષ્ટ પગલાં લેવા માગતા નથી એવું તેમની વાત પરથી લાગે છે.’

‘મતલબ હજી પણ બધી તાર-ટપાલની જ લડાઈ ચાલી રહી છે એમને!’ સરદાર મજાકમાં બોલ્યા. ‘મહિનાઓથી વાટાઘાટો, દસ્તાવેજો, તાર, ટપાલ જ ચાલતા રહ્યા હતા અને હજુ પણ નિઝામ એ જ કરી રહ્યા હતા.’

‘સરદારસાહેબ, મને સમાચાર મળ્યા છે કે હૈદરાબાદ સરકાર મારી ધરપકડ કરે એવી સંભાવના છે.’ મુનશીના અવાજમાં સહેજ

કંપ હતો

‘એ લોકો તમારી અટકાયત કરે તો શહીદ થવાની તક તમારે ગુમાવવી પડશે.’ કહીને સરદાર હસી પડ્યા. જોકે તેમણે મુનશીને ખાતરી પણ આપી કે જો તેઓ તમારી ધરપકડ કરશે તો અમે અહીં તેમના પ્રતિનિધિઓને જેલમાં પૂરી દઈશું.

પેલી તરફ નિઝામ તો આ તરફ નેહરુ અને રાજાજી તાર-ટપાલની લડાઈ લડ્યે જ રાખવા માગતા હતા. ઑપરેશન પોલોના આગલા દિવસે પણ જ્યારે નિઝામને તાર મોકલવાની વાત થઈ ત્યારે સરદારે કહ્યું, ‘તાર બે લીટીનો જ હોવો જોઈએ - વારંવાર ઇનકાર કરવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. બીજું વધારે કહેવાનું રહેતું નથી.’ પરંતુ સરદારની આ વાત અવગણીને ફરી એક વાર લાંબો તાર તૈયાર કરવામાં આવ્યો. સાંજના સાડાસાતના સુમારે સરદારને એ લાંબાલચક તારનો મુસદ્દો મળ્યો. તેમને એ બિલકુલ મંજૂર નહોતો, પણ તેઓ જાણતા હતા કે તેમના વિરોધને નેહરુ અને રાજાજી ગણકારશે નહીં. તેમણે એક નવો દાવ ખેલ્યો. મેનન અને સંરક્ષણ ખાતાના સેક્રેટરી હીરુભાઈ પટેલને તેમણે કેટલીક સૂચનાઓ આપી રાત્રે દસ વાગ્યે રાજાજીને મળવા મોકલી આપ્યા. આ બન્ને જણે સરદારની સૂચના અનુસાર તારના મુસદ્દાના લખાણ પર ચર્ચાઓ અને દલીલો કર્યે રાખી. આ ચર્ચાઓમાં જ રાતના એક વાગી ગયો અને ઑપરેશન પોલો શરૂ થાય એ પહેલાં આ તાર મોકલી ન શકાયો.

આખો દિવસ આ આખું ઑપરેશન કઈ રીતે પાર પાડવામાં આવશે એની છેવટની સમીક્ષા કરવામાં ગયો. બધું કામ પતાવી ૧૨મી સપ્ટેમ્બરે દસેક વાગ્યાની આસપાસ સરદાર ઊંઘવા માટે ગયા.

મધરાતે સરદારના બંગલામાં એક કાર દાખલ થઈ. ચોકીદારે જઈને બારણું ખખડાવ્યું અને મણિબહેનને કહ્યું કે લશ્કરના કોઈ સાહેબ આવ્યા છે. તેઓ અત્યારે જ સરદારસાહેબને મળવા માગે છે.

‘સૉરી ટુ ડિસ્ટર્બ યુ ઍટ ધીઝ અવર...’ ભારતીય લશ્કરના કમાન્ડર ઇન ચીફ બ્રિટિશ ઑફિસર જનરલ બુચરે શિષ્ટતા દાખવતાં કહ્યું.

જવાબમાં કશુંય બોલ્યા વિના સરદાર સોફા પર બેઠા અને ખાદીના કુર્તાનાં બટન બંધ કરતા રહ્યા.

‘હું હમણાં જ પ્રાઇમ મિનિસ્ટરને મળીને આવ્યો. અમારી વચ્ચે લગભગ એક કલાક વાતચીત થઈ. મને ગંભીરતાપૂર્વક લાગે છે કે હૈદરાબાદ પર આક્રમણ ન કરવું જોઈએ.’

Sardar Patel with wife Maniben

‘કેમ?’ સરદારના ટૂંકા અને ઠંડા પ્રતિભાવથી જનરલ બુશર અસ્વસ્થતા અનુભવવા માંડ્યા.

‘સર, ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ ઇટ કૅન બી વેરી ડૅન્જર્સ ફૉર ઇન્ડિયા. (સર, તમે સમજવાની કોશિશ કરો. આ પગલું હિન્દુસ્તાન માટે બહુ જોખમકારક પુરવાર થઈ શકે એમ છે.)

‘કઈ રીતે?’ સરદાર પૂછવા ખાતર જ પૂછતા હોય એ રીતે બોલ્યા.

‘મારા ઇન્ટલિજન્સ રિર્પોટ પ્રમાણે જો તમે હૈદરાબાદ પર અટૅક કરશો તો આખા દેશમાં મુસલમાનો ભડકી ઊઠશે. જ્યાં-જ્યાં મુસલમાનોની બહુમતી છે ત્યાં રમખાણો ફાટી નીકળશે. આખા દેશમાં આંતરિક સુરક્ષાની સમસ્યા સર્જા‍ઈ જશે. મેં મિ. નેહરુને બધું સમજાવ્યું તો તેમને પણ લાગે છે કે મારી વાત સાચી છે. ગવર્નર જનરલ મિ. રાજગોપાલાચારી સાથે પણ મેં વાત કરી છે. આઇ સ્ટ્રૉન્ગલી બિલીવ કે વી શુડ પોસ્ટપોન ઑપરેશન પોલો (હું માનું છું કે આપણે ઑપરેશન પોલો મુલતવી રાખવું જોઈએ)... મને તો ડર છે કે બૉમ્બે અને અમદાવાદ પર પણ હવાઈ હુમલો થઈ શકે.’

‘મિ. બુશર, તમને યાદ હશે કે સેકન્ડ વર્લ્ડ વૉરમાં લંડન પર હવાઈ હુમલા થયા હતા અને છતાં બ્રિટને પીછેહઠ નહોતી કરી.’ સરદારે જનરલની આંખમાં આંખ પરોવીને કહ્યું. ‘તમે ચિંતા ન કરો. જો બૉમ્બે અને અમદાવાદ પર હુમલા થશે તો અમે એને પહોંચી વળીશું.’

‘સર, તમે હૈદરાબાદની ક્ષમતાને ઓછી આંકી રહ્યા છો, પણ એવું હરગિજ નથી. તેઓ પણ તૈયાર બેઠા છે... તમે એક વાર પ્રાઇમ મિનિસ્ટર સાથે વાત કરી લો એવું મને લાગે છે.’

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 39

બરાબર એ જ વખતે સરદારના ઘરના ટેલિફોનની ઘંટડી રણકી. સરદારે ઊભા થઈને રિસીવર ઉપાડ્યું.

‘જવાહર બોલું છું. જનરલ બુશર તમારી પાસે આવ્યા હશે. તેમને લાગે છે કે ઑપરેશન પોલો આપણે મુલતવી રાખીને એના વિશે ફેરવિચારણા કરવી જોઈએ. તમને લાગે છે કે...’

‘અત્યારે મને એવું લાગે છે કે બહુ મોડું થઈ ગયું છે. તમે સૂવા જાઓ અને હું પણ હવે સૂવા જાઉં છું.’ કહીને સરદારે ફોન મૂકી દીધો.

‘ગુડ નાઇટ મિ. બુશર...’ સરદાર પોતાના શયનખંડ તરફ જવા રવાના થયા.

જનરલ બુશરના ગયા પછી મણિબહેનથી પૂછ્યા વિના ન રહેવાયું.

‘બાપુ, આ લશ્કરી વડા આટલી મોડી રાતે આવ્યા તો કંઈ ઇમર્જન્સી છે?’

‘આ બે જણા (નેહરુ અને સી. રાજગોપાલાચારી) વિધવા ડોશીઓ જેવા છે. કલ્પાંત કરી રહ્યા છે. તેમને એક જ ચિંતા છે કે આ સંજોગોમાં સ્વર્ગસ્થ પતિદેવે (ગાંધીજી) શું કર્યું હોત. તેમને જેટલા ધમપછાડા કરવા હોય એટલા કરી લેવા દો. ઑપરેશન પોલો તો થશે જ. (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2019 11:07 AM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK