Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 3

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 3

28 April, 2019 01:59 PM IST | મુંબઈ
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 3

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગયા રવિવારે તમે વાંચ્યું પૃથ્વી ઉપરથી પહેલી વાર એક માણસ ભૂલથી સ્વર્ગલોક આવી ગયો. એ માણસે સ્વયં ભગવાનને એવી ચૅલેન્જ આપી છે કે તેઓ તેની સાથે પૃથ્વી ઉપર એક સામાન્ય માણસ બનીને આવે અને કોઈ પણ પ્રકારની અઘરી વાતો સમજાવવાની જગ્યાએ કેવી રીતે આજના કળિયુગમાં પ્રૅક્ટિકલ વેમાં માણસ જીવી શકે તે જીવી બતાવે...

ચૅલેન્જ આપતાં તો આપી દીધી છે, પણ ભગવાનની સામે આ રીતે બકવાસ કરવા બદલ ત્યાં રહેલા દરેક દેવ એ માણસ ઉપર ગુસ્સે ભરાયા... યમરાજે તો તેની ઉપર દંડ પણ ઉગામ્યો..



હવે આગળ.


€ € €

મનમાંથી સીધા જ નીકળતા શબ્દોની મજા એ હોય છે કે એ સાંભળનારને સારા લાગશે કે ખરાબ એની પળોજણમાં પડવામાં એ સમય નથી ગુમાવતા... ગોઠવીને બોલાતા શબ્દોમાંથી મોટા ભાગે નિર્દોષતા નીકળી જતી હોય છે. દિલથી નીકળેલા શબ્દોમાં કપટતા નથી હોતી, ખાલી


સરળતા હોય છે. બાકી કોઈકને માટે ગોઠવીને નીકળેલા શબ્દો મીઠા, અણિયારા, પોચા, બોદા કંઈકેટલાય પ્રકારનાં રૂપ ધરીને નીકળે છે.

સંજય સંતુરામ જોશીના શબ્દોમાં પરમેશ્વરને નિર્દોષ પડકાર હતો... પણ હા, રજૂઆતના સાચા રંગ પૂરવાનું તેને નહોતું આવડ્યું... કદાચ એટલે જ વૈકુંઠમાં ઈશ્વરને આપેલા પડકારથી બધા જ તેની ઉપર ગુસ્સે હતા... ઇન્દ્રે તો પોતાની જાતને રોકી લીધી હતી, પણ યમરાજે જ્યારે પોતાનો દંડ તેની ઉપર ઉગામ્યો ત્યારે બધાને થયું કે હવે આ માણસનું અસ્તિત્વ જ નહીં રહે... પણ ત્યાં જ યમરાજનો દંડ હવામાં અધ્ધર જ રહી ગયો..

ગુસ્સો કોઈને પણ સ્થળ અને કાળનું ભાન ભુલાવે એનું ભાન યમરાજને એ સમયે થયું... મનોમન તેમણે પોતાના વર્તન બદલ ઈશ્વરની માફી માગી...

આ સઘળું થવા છતાંય સંજયની આંખોમાં અનોખો આત્મવિશ્વાસ હતો... ગિરિધરને એ ગમી ગયો હશે અને કદાચ એટલે જ સંજય આટઆટલું બોલ્યો તો પણ એ કશું જ બોલ્યા વગર ફક્ત સરસ મજાના સ્મિત સાથે તેને સાંભળી રહ્યા હતા.

આખરે ઈશ્વર એટલું જ બોલ્યા કે ‘હજી કશું કહેવું છે તારે?’

સંજયે ખૂબ પ્રેમથી બન્ને હાથ જોડીને કહ્યું કે ‘ના, બસ તમે મારી ચૅલેન્જ સ્વીકારો છો કે નહીં? એ જાણવાની ઇચ્છા છે...’

બે ઘડી માટે એકદમ નિરવ શાંતિ પ્રસરાઈ ગઈ. બધાની નજર ઈશ્વર ઉપર હતી કે હવે એ શું જવાબ આપશે... એકદમ શાંત ચિત્તે ઈશ્વરે જવાબ આપ્યો કે ‘તમે આટલું અતંર કાપીને અહીં સુધી પહોંચ્યા છો અને એ પણ અમારા દેવોની ભૂલને લીધે... સદેહે સ્વર્ગ જોનાર મનુષ્યે એને ભોગવવું પણ જોઈએ... આપ એક કામ કરો, આજે આરામ કરી લો... હું તમારી ચૅલેન્જનો જવાબ કાલે આપીશ...’

અને આમ કહી તેમણે જ સંજય જોશીને ભૂલથી અહીં લાવનાર યમદૂત આસ્તેયને જ તેની સેવામાં મૂક્યો...

ગઈ કાલે બનેલી આ આખી ઘટનાના શબ્દેશબ્દને ફરી પાછો યાદ કરતો આસ્તેય અત્યારે પોતાની જાતને આ બધા માટે જવાબદાર ગણી દુ:ખી થઈ રહ્યો હતો... ત્યાં જ તેના કાને અવાજ સંભળાયો... ‘એક્સક્યુઝ મી... દોસ્ત... પાણી પીવું છે... મળશે?’

તે સફાળો ફર્યો અને સામે ઊંઘમાંથી જાગેલો સંજય બહાર આવતાંની સાથે આળસ ખાતાં ખાતાં પાણી માગી રહ્યો હતો.

યમદૂત આસ્તેયને ખોટેખોટું સ્માઇલ મોં ઉપર લાવવાનું ફાવ્યુ નહીં, એટલે એનો પ્રયત્ન છોડીને એ જ ઊતરી ગયેલા ચહેરે માથું હલાવી તેણે હા કહી.

બીજી જ ક્ષણે એક સોનાના પ્યાલામાં પાણી લઈને તેણે તેની સામે ધર્યું. સંજયે પાણી પીધું અને પ્યાલો પાછો મૂકતા કહ્યું, ‘આભાર ભાઈ!’

આસ્તેયે ગુસ્સાના એ જ ભાવ સાથે જવાબ આપ્યો, ‘એમાં આભાર શેનો? એ તો ઈશ્વરનો આદેશ છે એટલે તારી સેવા કરવી પડે છે.’

સંજય તેનો ગુસ્સો સમજતો હતો એટલે તેણે સ્માઇલ સાથે વાત ચાલુ રાખી કે ‘ના પાણી માટે આભાર નહીં... આ તમે જે મને ભૂલથી લઈ આવ્યા એ બદલ આભાર...!’

પોતાની જે ભૂલથી ભગવાનને ભોગવવું પડવાનુ છે એ ભૂલ વિશે આ તુચ્છ માણસ આભારની લાગણી રાખે એ વાત તેને મન માફક આવે એવી હતી નહીં... પણ હાલમાં કશું કહેવાય એમ તો હતું નહીં... તેણે વિચાર્યું કે આ જ સમય છે આ માણસને સમજાવી દઉં કે પોતાની ચૅલેન્જ પાછી લઈ લે...

એટલે તેણે નાછૂટકે હસવાનો ડોળ કરીને આસ્તેયે કહ્યું, ‘એક વાત પૂછું?’

આ દરમ્યાન સંજયની નજર દૂર દૂર સુધી ચારેકોર ફેલાયેલી યમપુરી પર હતી. એક તરફ સ્વર્ગની શાંતિ અને બીજી બાજુ દૂરથી નીકળતા કાળાભમ્મર ધુમાડામાં ક્યાંક નર્ક હશે એમ તે વિચારતો હતો...

આસ્તેયે તેને ફરી થોડા મોટા અવાજે પૂછ્યું, ‘એક વાત પૂછું?’

ધ્યાન તૂટતાં જ જાણે આસ્તેયની વાત ન સાંભળીને કોઈ ગંભીર ભૂલ થઈ હોય, તેમ સંજયે બોલવાનું શરૂ કર્યું, ‘સૉરી દોસ્ત, હું જરા તમારી આ દુનિયા જોવામાં ખોવાઈ ગયો હતો... પૂછોને પૂછો, તમારો તો હક છે. મને તો થાય છે કે હું તમને ગુરુપદે સ્થાપું, કારણ કે ગુરુ એને કહેવાય જે ઈશ્વરની ઓળખ કરાવે, પણ અહીં તો તમે મને સીધી ઈશ્વરની મુલાકાત જ કરાવી દીધી. એટલે તમે તો મારા સાચા ગુરુ થયાને, સાહેબ! કહો... કહો...’

ગઈ કાલના ઈશ્વર સાથેના સંવાદ પછી જે માણસ તેને દીઠો ગમતો નહોતો તે તેને ગુરુપદે સ્થાપતો હતો એ જાણીને આસ્તેયનો ગુસ્સો વધ્યો, પણ તેણે

જાતને સંભાળીને કહ્યું, ‘આ બધું કરીને તમને શું મળશે?’

સંજયે સહજતાથી કહ્યું, ‘ખરેખર કહું તો મને ખબર નથી... પણ હા, મારી જે ચૅલેન્જ તમને મારો ઈશ્વરને પડકાર લાગે છે, પણ એ વાત તો સદીઓથી કેટલાય સાધુ અને મહાત્માઓ હિમાલયમાં તપ કરી કરીને માગી રહ્યા છે. તેમની પણ માગ એ જ છે કે હે ભગવાન, તમે મારી સાથે રહો.. બસ તેમની માગવાની સ્ટાઇલ અને શબ્દો મારાથી જુદા છે... હું મૂર્ખ નથી... મને ખબર છે કે જો ઈશ્વરની ઇચ્છા ન હોય તો હું અહીં સુધી પહોંચું જ નહીં... તમને શું લાગે છે કે હું અહીં તમારી ભૂલને કારણે આવ્યો છું? સાહેબ, આની પાછળ પણ પેલા ચક્રધારીનું કોઈ ચક્કર છે, અને એથી જ મને કોઈ ચિંતા નથી...’

આસ્તેયને રસ પડ્યો એટલે સહેજ નજીક આવીને શંકાથી બોલ્યો, ‘પણ તારે જે કંઈ પણ જોઈએ એ તો તું સીધો જ ઈશ્વર જોડે માગી શકે છે તો પછી આમ ચૅલેન્જ આપવાનું શું કારણ? ચૅલેન્જને બાજુમાં મૂક અને ખૂબ બધું ધન અને સમૃદ્ધિ માગી લે... આવી તક કોઈ મનુષ્યને આજ સુધી મળી નથી...’

સાહેબ, ઈશ્વરનો સંગાથ મળતો હોય ત્યારે સમૃદ્ધિ માગું એવો મૂર્ખ નથી હું... આ તો તક હતી એટલે ઝડપી... બાકી આ તમે લોકો જેમ મને લાવ્યા એમ પાછા સટાક દઈને મૂકી આવો તો હું શું કરી શકવાનો છું? અને ધરતી ઉપર જઈને હું જો કોઈને કહું કે ઈશ્વરને મેં ખુલ્લી ચૅલેન્જ આપી હતી અને તેમણે મારી ચૅલેન્જ ન સ્વીકારી તો લોકો મને જ ગાંડો કહેવાના છે... એટલે આખર તો મૂર્ખ મારે જ બનવાનું આવશે... એની પણ મને ખબર છે...’

આસ્તેયને મનમાં થયું કે હું સમજું છું એટલો આ માણસ ગાંડો કે નાસ્તિક નથી...

વિચારોમાં સ્પષ્ટતા હોવી એ કોઈ પણ પ્રકારનો જંગ જીતવા માટે અનિવાર્ય હથિયાર હોય છે. ઉંમરને લીધે કેડથી વળી ગયેલા માણસની પણ અંદરથી સ્વયં ઉપરની શ્રદ્ધા અકબંધ રહે તો કોઈ પણ મુશકેલીઓ તેને તોડી નથી શકતી... અને આ જ સ્વયં ઉપરની શ્રદ્ધા જાળવવા માટે માણસ પોતે જે કરી રહ્યો છે અને બોલી રહ્યો છે એ વિચારોમાં સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે.

આસ્તેય અજાણપણે પણ આ સંજયના વિચારોની સ્પષ્ટતાથી અભિભૂત થઈ રહ્યો હતો... ત્યાં જ પાછળથી મોટો અવાજ આવ્યો... અને એનાથી ગભરાઈને બન્ને જણ ઊંધા ફર્યા અને ત્યાં...

(વધુ આવતા અંકે)

મને ખબર છે કે જો ઈશ્વરની ઇચ્છા ન હોય તો હું અહીં સુધી પહોંચું જ નહીં... તમને શું લાગે છે કે હું અહીં તમારી ભૂલને કારણે આવ્યો છું? સાહેબ, આની પાછળ પણ પેલા ચક્રધારીનું કોઈ ચક્કર છે, અને એથી જ મને કોઈ ચિંતા નથી...

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ 2

સાહેબ, ઈશ્વરનો સંગાથ મળતો હોય ત્યારે સમૃદ્ધિ માગું એવો મૂર્ખ નથી હું... આ તો તક હતી એટલે ઝડપી... બાકી આ તમે લોકો જેમ મને લાવ્યા એમ પાછા સટાક દઈને મૂકી આવો તો હું શું કરી શકવાનો છું?

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 01:59 PM IST | મુંબઈ | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK