Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શ્વાસમાં ઇતિહાસનાં અત્તર લખ્યાં

શ્વાસમાં ઇતિહાસનાં અત્તર લખ્યાં

11 August, 2019 04:18 PM IST | મુંબઈ
અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

શ્વાસમાં ઇતિહાસનાં અત્તર લખ્યાં

શ્વાસમાં ઇતિહાસનાં અત્તર લખ્યાં


સારાં કામ કરવા માટે ક્યારેક ખરાબ થવું-લાગવું-દેખાવું અનિવાર્ય બને છે. અનેક સમસ્યાઓના મૂળ જેવી ૩૭૦ કલમને કારણે કાશ્મીર કમનીયમાંથી કરપીણ બની ગયેલું. સરકારે એકઝાટકે એટલો મોટો છેકો માર્યો કે એક લસરકો છેક પાકિસ્તાનની સંસદ સુધી પહોંચી ગયો. આજે સંદેશાઓ ટકટકાટકટક ફૉર્વર્ડ કરવાના જમાનામાં આ મસમોટા નિર્ણયની ગંધ ન આવી અને લાગતાવળગતાઓ ઊંઘતા ઝડપાઈ ગયા. મેહુલ પટેલ ‘ઈશ’ કહે છે એમ કશુંક ઝાંખુંઝાંખું અને ગુપ્ત વલણ સુનિયોજિત કામ કરી ગયું...

સંતાપ ના તમા કોઈ, કંઈ પણ ફિકર નથી



ધબકી રહ્યો છું તે છતાં હોવાથી મુક્ત છું


ઓળખ ના પૂછશો મને, આપી નહિ શકીશ

હું કોણ છું ખબર નથી, મારાથી ગુપ્ત છું


૩૭૦ની કલમ રદ કરવાનો આકરો નિર્ણય અપેક્ષિત હતો પણ આટલો જલદી નહીં. સાંબેલાધાર વરસાદ બધું તાણી જાય એમ આતંકી  અડ્ડાઓના પગારદાર અલગાવવાદીઓ તણાઈ ગયા. ખુલ્લેઆમ ધમકી આપનાર મેહબૂબા મુફ્તીથી ટીવી સ્ક્રીને મેહબૂબી મુક્તિનો અનુભવ કર્યો. અઠંગ ખેલાડી તરીકે મૅચ રમનાર ગૃહપ્રધાન અમિત શાહની ગૂગલી સામે કૉન્ગ્રેસ ક્લીન બોલ્ડ થઈ ગઈ. નિષ્ઠા હોય તો સમસ્યાની કેડી પર ચાલતાં-ચાલતાં સ્પષ્ટતા સુધી પહોંચી શકાય અને આ સ્પષ્ટતા નિર્ણય તરફ દોરી જાય. એક ઘા ને બે કટકા કરવા માટે દીર્ઘદૃષ્ટિ પણ જોઈએ ને આયોજન પણ જોઈએ. સંજુ વાળા પેન ઝાટકીને લખે છે...

ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું

રહસ્ય એ જ ઘેન હો તો ઘૂંટી ઘૂંટી ઘટ કરું

બહુ જ ગોળ ગોળ લાંબુંલચ ક્થ્યા કરે છે તું

કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું

શું થઈ ગયું-શું થઈ ગયુંનો આઘાત રાજ્યસભાની ડિબેટમાં દેખાયો. જે સમસ્યાને પપલાવ પપલાવ કરીને સસલામાંથી સિંહ બનાવી દેવામાં આવી હતી એ સિંહને પાંજરે પૂરવામાં આખરે સફળતા મળી. હવે ખોરાક જેમ ઓછો થતો જશે, સિંહ આપોઆપ જ કૃશકાય થતો જશે. ઘેરા મૌન પછી બહાર આવતા શબ્દોમાં ઓજસ ઉમેરાતું હોય છે. વિવેક કાણે ‘સહજ’ એનો તાગ મેળવે છે...

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું

આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી

જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

આકરા નિર્ણયો લેવા એ બહુ આકરું કામ છે. અનેક ચર્ચા-વિચારણા કરી સંભવિત પરિણામોનો અંદાજ મેળવવો પડે. નિશાન તીર પર લાગે એવી સજ્જતા કેળવી હોય છતાં દરેક વખતે નિશાન પર જ તીર લાગે એવું બનતું નથી. છતાં જખમને સાજો કરવા જોખમ ઉઠાવવું પડે. કેટલીક વાર આપણને ખબર ન હોય એમ આપણું ગૌરવ ગર્જના કરી શકે એમ હોય છતાં ગભરુ બનીને રહી જાય છે. એને જગાડવું પડે ને કામે લગાડવું પડે. રિષભ મહેતા સંકલ્પશક્તિની સરાહના કરે છે...

છાંય મીઠી છે બધા જાણે જ છે

લીમડાને પરવડે કડવા થવું!

સંશયો વહેમો ભરેલા વિશ્વમાં

છે કરિશ્મો અન્યની શ્રદ્ધા થવું!

કાશ્મીરમાં કરિશ્મા દેખાડવો અઘરું કામ છે. સાપોલિયામાંથી અજગર બની ગયેલી સમસ્યાને ગળેથી ઝાલવી દુષ્કર બને. પાકિસ્તાનનો પલીતો ચંપાતો હોય અને ગદ્દારો સુરંગ પાથરતા હોય ત્યારે કાર્ય વિકટ બને. અત્યાર સુધી જેમને અછોવાનાં કરવામાં આવ્યાં તેમના મુખવટા ઊતરતાં સાચા ચહેરા સામે આવી રહ્યા છે. કળ અને બળનું સંયોજન પ્રબળ અસર જન્માવી શકે. માનવ અધિકારની બાંગ પોકારતા લોકોની સાષ્ટાંગ ક્ષમા સાથે ભાવિન ગોપાણીનો શેર સમજવા જેવો છે...

આખરે ચોંકાવનારો ભેદ ખૂલે છે

લાગણી રિમાંડમાં ધંધો કબૂલે છે

આંસુ રૂપે તો કદી ઉજાગરા રૂપે

આંખ પાસે સ્વપ્ન પણ હપ્તો વસૂલે છે

આતંકવાદીઓ અને અલગાવવાદીઓએ કાશ્મીરના આત્માને છરકાઓ મૂકી-મૂકી લોહીલુહાણ કરી નાખ્યો છે. તેમણે ત્યાંની જનતાને પાકિસ્તાનથી ઇમ્પોર્ટ કરેલા ગૉગલ્સ પહેરાવ્યા ને ગણતરીપૂર્વકનું જ દેખાડ્યું. વિરોધ પક્ષના ઘણા સભ્યોએ આ ગૉગલ્સ પહેરી આંખઉલાળા કર્યા. વિપક્ષોના આક્ષેપો અને પાકિસ્તાનની બયાનબાજીને સરખાવીએ તો તાજુબ થઈ જવાય. કમળાવાળી આંખે સફેદ કમળ પણ પીળું જ દેખાવાનું. પ્રવીણ શાહ વિઝન અને વલણ સ્પષ્ટ કરે છે...

છાશવારે એ મદદ લઈ આવશે

દોસ્તોનું આ વલણ સારું નથી

સારું જોવા રાખજો સારી નજર

નહીં તો કહેશો કંઈ જ પણ સારું નથી

શાખ શકોરામાં લઈને ફરતા આપણા પાડોશી દેશે પોતાને મળતી ખેરાત ખૂન વહાવવામાં વેડફી છે. પ્રૉક્સી વૉરને લીધે આપણો દેહ પણ દાઝ્યો. હજારોની સંખ્યામાં જાંબાઝ સૈનિકો ગુમાવવા પડ્યા. વેપાર અને ઉત્પાદન વિશે વિચારવાનું હોય એ વિસ્તારમાં વેદના અને ઉત્પાત વિશે જ ચર્ચાઓ કરવી પડી. લદ્દાખ છેલ્લાં સિત્તેર વર્ષથી જમ્મુ અને કાશ્મીરથી અલગ થવાની માગ કરતું હતું, કારણ કે દિલ્હીથી આવતી મદદમાંથી મગતરા જેટલું જ ત્યાં સુધી પહોંચતું હતું. તેમની માગણી તારસ્વરે ઊભરી પછી જ એમાંથી સાર નીકળ્યો. પરશુરામ ચૌહાણની પંક્તિઓમાં લદ્દાખવાસીઓની માગણીનો પડઘો સંભળાય છે...

પીડા વધે છે જોઈ જગતનું વલણ અરે!

કરવી ન’તી મદદ તો નજર પણ કરી નહીં

કરતો રહ્યો હું કેવી વિનંતી લળી લળી

નાખી ન ચીસ ત્યાં લગી તે પણ સૂણી નહીં

સારી આરોગ્યસેવા અને શિક્ષણસુવિધા માટે ટળવળતા લદ્દાખવાસીઓની પુકાર સરકારે સાંભળી અને એને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. જનતાની વાજબી માગણી લાંબા સમય સુધી શાસક પાસે પેન્ડિંગ રહે ત્યારે રોજબરોજની જિંદગી કફોડી બની જાય. કેટલાય જિલ્લાઓના ગ્રામ્યવિસ્તારોમાં આજે પણ દૂરની શાળાએ ભણતાં બાળકોએ જીવ જોખમમાં મૂકી નદી ક્રૉસ કરવી પડે છે. પુલ ન હોવાને કારણે મીટરમાં માપી શકાય એવું અંતર કિલોમીટરમાં કન્વર્ટ થઈ જાય. કેટલીક જગ્યાએ તો મૂળભૂત સુવિધાઓનાં પણ મૂળિયાં જ નંખાયાં ન હોય. બાબુલાલ ચાવડા ‘આતુર’ આવી વેદના શબ્દસ્થ કરે છે...

સાંકડા સગપણમાં જીવ્યા આપણે

સેંકડો ચણભણમાં જીવ્યા આપણે

આયખું આખું ઊકળવામાં ગયું

આકરા આંધણમાં જીવ્યા આપણે

આ પણ વાંચો : એ અદાકારી ઘણી સારી કરે છે

કાશ્મીર ભલે રાજકારણનો વિષય બની ગયું હોય, પણ ખરેખર એ ભારતની એકતાનો વિષય છે. આપણી ટચલી આંગળી દુખતી હોય ત્યારે આખો દેહ એની વેદનામાં શરીક હોય છે. એ રીતે કાશ્મીરનો નાનકડો ટુકડો રહેંસાતો હોય ત્યારે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે આખા દેશને એની અસર થાય. કાશ્મીર મામલે લીધેલા ક્રાંતિકારી નિર્ણયની સારીનરસી અસરો કેવી પડશે એ તો સમય જ કહેશે, પણ એક વાત તો સ્પષ્ટ કહી શકાય કે દાનત દેવની રાખી હોય તો દુઃખનો દૈત્ય જરૂર પાછો પડવાનો. શૂન્ય પાલનપુરીની ખુમારી સાથે સંમત થવા જેવું છે...

થઈ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ

ભાગ્યનું નિર્માણ કંઈ મારી ગુનેગારી નથી!

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ

બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી

ક્યા બાત હૈ

ખુશ્બૂથી ભરપૂર સૌ અવસર લખ્યા

શ્વાસમાં ઇતિહાસનાં અત્તર લખ્યાં

બાહુઓમાં રાતની કણસે સમય

પાંપણો નીચે અમે સરવર લખ્યાં

ના નથી કિંમત, નથી હિંમત છતાં-

ઋજુ શમણાં પર અઢી અક્ષર લખ્યા

ઓગળી ક્યાં જાય મોજાંથી કદી?

રેતમાં પગલાં જુઓ નક્કર લખ્યા

ગીત, લય, સંગીત ભીતર રણઝણે

પગમાં શણગારેલ એ ઝાંઝર લખ્યાં

જીવવાનું છે જરૂરી, દોસ્તો!

સેંકડો બહાનાં સતત સધ્ધર લખ્યાં

હારી ગઈ દીવાનગી ખુદ આખરે

કારણો શાને ‘દિલીપ’ કાયર લખ્યાં?

- ડૉ. દિલીપ મોદી

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 04:18 PM IST | મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK