Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ અદાકારી ઘણી સારી કરે છે

એ અદાકારી ઘણી સારી કરે છે

04 August, 2019 02:34 PM IST | મુંબઈ
અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

એ અદાકારી ઘણી સારી કરે છે

એ અદાકારી ઘણી સારી કરે છે


જિંદગીના તખ્તા પર બધા અદાકારી કરે છે. આ અદાકારીમાં ક્યાંક નિષ્ઠા, આવડત અને ધગશ હોય તો ક્યાંક આળસ અને બેદરકારી હોય. ફિલ્મ અભિનેતા ગોવિંદા સેટ પર બેએક કલાક મોડો આવવા માટે કુખ્યાત હતો. મીરાએ જે ગાયું એ તેની ફિલ્મના નિર્માતાને સુપેરે સમજાયું હશેઃ ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. બીજી તરફ અમિતાભ બચ્ચન સુપરસ્ટારનું બિરુદ મળ્યા પછી પણ સમયપાલનના અઠંગ આગ્રહી રહ્યા છે. સાથી કલાકારો પહોંચે-ન પહોંચે, તે તો તેમના નિયત સમયે પહોંચી જ જાય. લાંબી રેસમાં ટકવા માટે કૌશલ્ય સાથે શિસ્ત પણ એટલી જ આવશ્યક છે. મહેફિલની શરૂઆત ગુણવંત વૈદ્યે કરેલા પ્રશ્નાર્થથી કરીએ...

આ જીતવાનું જે વચન આપી ગયું, એ કોણ છે?



ઉત્સાહ રોમેરોમ થઈ વ્યાપી ગયું એ કોણ છે?


‘હું શું કરું હું એકલો’ આળસ જમાદારી કરે

ક્ષણ એકમાં નબળાઈને કાપી ગયું એ કોણ છે?


કોઈ પણ ક્ષેત્રમાં સેનાપતિનું મહત્વ વિશેષ રહેવાનું. તેના આદેશ પ્રમાણે ફોજ કામ કરે. આજની તારીખમાં આપણે સેનાપતિને સીઈઓ કે ચૅરમૅન તરીકે ઓળખી શકીએ અને ફોજ એટલે કર્મચારી ગણ. કંપની હોય કે ટ્રસ્ટ હોય, એના નેતૃત્વમાં વિઝન હોય એ પ્રમાણે એનો વિકાસ ને વિસ્તાર થાય. તાજેતરમાં કૅફે કૉફી ડેના સ્થાપક વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યાની ઘટનાએ ઉદ્યોગગૃહોને હચમચાવી દીધાં છે. તેમણે આવું પગલું ભરવું પડ્યું એની પાછળ આયકર વિભાગની હેરાનગતિ તરફ આંગળી ચીંધાઈ છે. બે દાયકામાં પોતાની આગવી બ્રૅન્ડ વૅલ્યુ ઊભી કરનાર સીસીડીનું પતન ન તો સારું. લગભગ પચાસ હજાર લોકોની રોજગારી એના અસ્તિત્વ સાથે સંકળાયેલી છે. સત્ય અને તથ્ય બહાર આવશે પછી ખ્યાલ આવશે કે કોની ક્યાં ચૂક થઈ છે. પારુલ વાળા સર્જકીય ઝુરાપાની વાત છેડે છે...

કંઈક આગળનાં કરમની વાત કર

આપણા પહેલા જનમની વાત કર!

શું કરે, જ્યારે ગઝલ આવે નહીં

ઝૂરતી રહેતી કલમની વાત કર!

ઉદ્યોગજગતમાં એક પછી એક મોટા પડકારો ચાલી રહ્યા છે. એક સમયે સંસાધનોથી સુસજ્જ અને સારી ખ્યાતિ ધરાવનારી જેટ ઍરવેઝનાં અચાનક જ વળતાં પાણી થયાં અને પાંખો સંકેલાઈ ગઈ. ઑટોમોબાઇલ ક્ષેત્રે મંદીને કારણે અનેક યુનિટો બંધ થઈ રહ્યા છે. બેરોજગારી આ દાયકામાં મહાવિકરાળ પ્રશ્ન બનીને ઊભરી છે. એક વાર ટૂંકી આવક હોય તો ચલાવી લેવાય, પણ આવક જ બંધ થઈ જાય તો લાંબી ખેંચતાણ કરવી પડે. એમાં જીવ લઈ લેવાની કે આપી દેવા સુધીની નોબત ઊભી થાય. ખાલી પેટના ઊંહકારા અને સંવદનાનો ખાલીપો જીરવવા અઘરા છે. જિજ્ઞેશ વાળા પીડાની વિમાસણ સમજાવે છે...

નથી ચ્હેરા ઉપર હું આવવા દેતો હસી લઈને

છે કાયમ ભીતરે પીડા તને હું કેમ સમજાવું?

તું ભાષા જાણતી ના હોય તો એ દોષ તારો છે

હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું?

પીડાની ભાષા કોઈ પણ હોય, એનો અર્થ તો ‘ઓય મા’ની આસપાસ જ ઠરવાનો. કેટલીક કુદરતી આફતો વાર્ષિક હાજરી પુરાવવા આવી જ જાય છે. આસામ અને બિહારમાં લાખો લોકો સપડાયા અને તેમનાં ઘરબાર તબાહ થઈ ગયાં. એક વાર ઘર વીખરાય પછી એને ઊભું કરવું સહેલું નથી. અરે, કેટલીક વાર ઘરમાં કલર કરાવવાનો વિચાર કરતા હોઈએ તોય એનો અમલ કરતાં બે-પાંચ વર્ષ નીકળી જતાં હોય છે. પૂરની ઘટનાઓ હવે વધતી જ જાય છે. એક તરફ પાણીની અછત આપણને વ‌િતાડે છે તો બીજી તરફ વરસાદની બધી કૃપા જળસંચયના અભાવને કારણે બૅક ટુ ધ પૅવિલિયન અર્થાત્ સમુદ્રમાં વળીને વેડફાઈ જાય છે. દેવસ્થાનકે આપણી પ્રાર્થના પાછી પડે છે, કારણ કે પ્રકૃતિ પર આપણે પ્રહારો કર્યા હોય તો સામે રીઍક્શન તો આવવાનું જ છે. દેવિકા ધ્રુવ કડવી વાત તરફ નિર્દેશ કરે છે...

સદા તૂટ્યા કરે છે આમ તો શ્રદ્ધાની દીવાલો

સતત મંદિરની ભીંતો, કહે છે, ધર્મ બાકી છે

ખુશી, શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે

મથે છે રોજ તો ઇન્સાન, પણ હાયે, દર્દ બાકી છે

એક સાંધો ને તેર તૂટે એમ ઘણી વાર આપત્તિઓ આવ્યા જ કરે. મુંબઈ જેવા શહેરમાં જર્જરિત ઇમારતો તૂટી પડવાના કિસ્સા દરેક ચોમાસે બને જ છે. જોખમી મકાન છોડીને બીજે જતા રહેવાની ચેતવણી હોવા છતાં એનો વાસ્તવિક અમલ કરવો અઘરો બને. રાતના સૂતા હોઈએ અને ટીવીમાં આવતી કોઈ ફિલ્મમાં બૉમ્બધડાકો થાય તોય આપણા હાંજા ગગડી જાય કે આપણા મકાનમાં કાંઈ કડડડભૂસ થયું કે શું? પારુલ ખખ્ખર અનિદ્રાનાં કેટલાંક અન્ય કારણોની તપાસ કરે છે...

ખબર નહીં છાપ છે કે સાચ છે કે છે કોઈ ભ્રમણા

મને ઓછાડ પરનાં ખંજરો સૂવા નથી દેતાં

પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં

સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં

સ્મરણ સાથે ક્યારેક રણ જેવી વેદના જોડાયેલી હોય. એ સ્મિતના બદલે સણકાની ભેટ ધરે. ભાવેશ ભટ્ટ શહેરી જીવનની હકીકત તરફ ધ્યાન દોરે છે...

ક્યારનો ચિંતા કરે છે કાલની!

ઠાર પહેલાં આગ અબ્બીહાલની

રોજ ધક્કા ખાય છે એ કોર્ટના

વાત બહુ કરતો હતો જે વહાલની

આ પણ વાંચો : દિલીપકુમાર-ઇકબાલ મિર્ચીના સંબંધો

ભારતમાં ખેતી પછી જો મોટી સમસ્યા ગણવી હોય તો કાયદાની ચુંગલમાં ચકરાતા લોકોની ગણી શકાય. શારીરિક કરતાંય વિશેષ માનસિક યાતના ચૂર કરી નાખે. કેટલાય કેસમાં પેઢી બદલાઈ જાય છતાં ન‌િવેડો ન આવે. વર્ષો સુધી લંબાતા કેસમાં વજૂદ પણ એક તબક્કે કોરાણે મુકાઈ જાય. કોઈ નિર્દોષ આમાં ફસાયો હોય તો સહજ રીતે જૈમિન ઠક્કર ‘પથિક’ના આ વિચારો સારી રીતે સમજી શકશે...

રોકાય ના સહેજે, સમયનો એ સ્વભાવ છે

અહીંયા વિચારોનો જ માનવ પર દબાવ છે

જ્યાં પ્રશ્ન એક જ, કોઈ અલગ રીતે પૂછ્યા કરે

ત્યાં ‘મૌન રહેવું’ દિલનો બસ એવો ઠરાવ છે

 ક્યા બાત હૈ 

યુદ્ધની હમણાં એ તૈયારી કરે છે

ફૂલની લઈ શાખ તરવારી કરે છે

 

શું થશે વનનું હવે ભગવાન જાણે

આંબા બાવળની તરફદારી કરે છે

 

જાણે એમાં વાવવાના હો સિતારા

એમ ડોસો ક્યારનો ક્યારી કરે છે

 

પુત્ર ખિસ્સાખર્ચ પણ દેતો નથી કંઈ

જેના માટે બાપ ઉધારી કરે છે

 

છે પહેલેથી જ અહીં અજવાસ ઓછો

ને ઉપરથી બંધ તું બારી કરે છે

 

આભ સામે જોઈને બેઠો છે કેવો!

એ અદાકારી ઘણી સારી કરે છે

 

ચાપલૂસીબેન બીજે ક્યાંક જાઓ

આ હૃદયમાં વાસ ખુમારી કરે છે

 

એને ક્યાં વાપરવી નિર્ભર આપ પર છે

કેટલાંયે કામ ચિંગારી કરે છે

 

આંગણામાં પણ ટહેલ્યો છે કદી ક્યાં

વિશ્વયાત્રાની એ તૈયારી કરે છે

- રાકેશ હાંસલિયા

(ગઝલસંગ્રહઃ ક્યારેક ઉત્તર પણ મળે)

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2019 02:34 PM IST | મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK