Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : બધું હોવા છતાં ખાલીપાની લાગણી થાય તો શું કરવું?

કૉલમ : બધું હોવા છતાં ખાલીપાની લાગણી થાય તો શું કરવું?

20 May, 2019 12:09 PM IST |
ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

કૉલમ : બધું હોવા છતાં ખાલીપાની લાગણી થાય તો શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેટલાક ઘાવ દેખાતા નથી, માત્ર મહેસૂસ કરી શકાય છે. ક્યારેક આપણી પાસે બધું જ હોય, છતાં જિંદગી ક્યાંક સ્થિર થઈને ઊભી રહી ગઈ હોય એવું લાગે, ક્યાંક કશુંક ખૂટે છે એવો અહેસાસ થયા કરે. આવા સમય-સંજોગોમાં આપણે જે છે તેનો સ્વીકાર કરવો પડે અને આની પાછળ પણ કોઈ સારો હેતુ હશે એવી શ્રદ્ધા રાખી સર્જનાત્મક કામોમાં મન વાળવું પડે

સોશ્યલ સાયન્સ



ક્યારેય એવું બન્યું છે કે તમે તમારા કામમાં એટલા ખોવાઈ ગયા હો કે સાંજ પડ્યે લાઇટ ચાલુ કરવાનું પણ ભૂલી જાઓ? આખરે જ્યારે કોઈ બીજું આવી બત્તી કરે ત્યારે તમને અહેસાસ થાય કે તમે કેટલા અંધારામાં કામ કરી રહ્યા હતા? ક્યારેય એવું બન્યું છે કે ચારેબાજુ એટલો બધો સન્નાટો વ્યાપી જાય કે હવાની એક નાનકડી લહેર પણ તમને થરથરાવી જાય? કે પછી ક્યારેય એવું બન્યું છે કે તમે આસપાસના ઘોંઘાટથી એટલા ટેવાઈ ગયા હો કે જ્યાં સુધી એકાએક બધું શાંત ન થઈ જાય ત્યાં સુધી એ ઘોંઘાટનો તમને અહેસાસ પણ ન થાય? કેટલીક વાર આવું જ કંઈક આપણી ભીતર પણ બનતું હોય છે. જ્યાં સુધી કોઈનો પ્રેમાળ હાથ ખભા પર આવીને ન પડે ત્યાં સુધી જીવનના રાહ પર ચાલતાં ચાલતાં, પોતાની જવાબદારીઓ અને ફરજો પૂરી કરતાં કરતાં આપણો અંતરાત્મા કેટકેટલા સ્થાનેથી બટકાઈ ગયો છે તેનો આપણને અહેસાસ પણ થતો નથી. કે પછી જ્યાં સુધી કોઈ અત્યંત નજાકત અને કાળજીપૂર્વક આપણો ચહેરો પોતાના બે હાથની વચ્ચે લઈ આપણી આંખમાં આંખ નાખીને ન જુએ ત્યાં સુધી આપણને ખ્યાલ પણ આવતો નથી કે ભીતર આપણે કેટલું રુદન લઈને જીવી રહ્યા છીએ.


અંગ્રેજીમાં આ પરિસ્થિતિને હોલ ઇન ધ સોલ કહે છે. સાદા શબ્દોમાં હૃદય તૂટી ગયું છે એમ કહી શકાય. જીવન પણ કંઈક અજીબ છે, જ્યાં એક બાજુ જાતજાતના અનુભવો આપણને ધાર કાઢી આપે છે ત્યાં જ એકસરખા નકારાત્મક પ્રહારો આપણને અંદરથી બુઠ્ઠા બનાવી દેતા હોય છે. જિંદગી જેનું નામ, તેનું આ જ કામ છે. તે આપણને સતત બે વિરોધાભાસી દિશાઓમાં ખેંચતું રહે છે અને મનુષ્ય તરીકે આપણું કામ એ બન્ને વચ્ચે તાલમેલ જાળવીને આગળ વધવાનું છે. તેમ છતાં આ વાત કહેવી જેટલી સરળ છે, કરી જાણવી એટલી સહજ નથી. આ પ્રક્રિયામાં કેટલીક વાર આપણે અથડાતાં પણ હોઈએ છીએ, કુટાતાં પણ હોઈએ છીએ અને ઘવાતાં પણ હોઈએ છીએ. વળી કેટલીક વાર આ બધો માર એટલો મૂઢ હોય છે કે જ્યાં સુધી કોઈ તેને દબાવે નહીં ત્યાં સુધી આપણને તેની વેદનાનો અહેસાસ સુધ્ધાં થતો નથી.

ટૂંકમાં હોલ ઇન ધ સોલ એટલે એવી લાગણી, જેમાં તમે બધું જ કરો, પણ કશામાં મજા ન આવે. જીવનમાં કંઈક ખૂંટતું હોવાનો અહેસાસ સતત અંદરથી કોરી ખાધા કરે. નિરંતર એક પ્રકારની અધૂરપ, એક પ્રકારનો ખાલીપો સતાવ્યા કરે. વળી જ્યાં સુધી તમે આ અનુભૂતિને દૂર કરવાનો રસ્તો શોધી ન કાઢો ત્યાં સુધી પારાવાર અજંપો રહ્યા કરે. ઉપરાંત દરેકનું દર્દ અલગ રહેવાનું તેથી તેની દવા પણ અલગ અલગ જ રહેવાની. પ્રત્યેકની જરૂરિયાતો, ઇચ્છાઓ, આકાંક્ષાઓ તથા મર્યાદાઓ પણ વિભિન્ન હોવાથી માત્ર એક જ ઇલાજ બધા પર કારગત ન પણ નીવડે. તેથી આપણી પીડાને દૂર કરવાનો રસ્તો આપણે પોતે શોધી કાઢવો એ જ તેમાંથી બહાર નીકળવાનો રાજમાર્ગ છે.


પરંતુ આવું કરતાં પહેલાં કંઈક છે, જે જીવનમાં ખૂટી રહ્યું છે, જે આપણને પીડા આપી રહ્યું છે તેનો અહેસાસ થવો તથા તેનો સ્વીકાર કરવો અત્યંત જરૂરી છે. વળી આ અહેસાસ દર વખતે શાંતિથી જ થાય એવું આવશ્યક નથી. કેટલીક વાર કોઈ બીજાની સમૃદ્ધિ આપણને હચમચાવી જાય છે તો ક્યારેક કોઈ બીજાની વેદના આપણને આપણી વેદનાનો પરિચય કરાવી આપે છે. આવો ધક્કો આપણને જાગૃત કરવાનું તથા આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. તેથી જ્યારે જીવનમાં કંઈક એવું બને, જે આપણી બધી જ માન્યતાઓને ધ્વસ્ત કરી, આપણને મૂળસોતું ઉખેડી નાખે ત્યારે સમજવું જોઈએ કે ઈશ્વર કહો તો ઈશ્વર, કુદરત કહો તો કુદરત કે પછી આપણો અંતરાત્મા કહો તો અંતરાત્મા, કોઈ વધુ ઉદાત્ત કારણસર તમને પજવી રહ્યા છે. પરિણામે જે થાય છે તે સારા માટે જ થાય છે એવો વિશ્વાસ અત્યંત આવશ્યક છે. કોઈ બીજું તમારી હેરાનગતિમાં નિમિત્ત બની રહ્યું છે તો એ પાછળ પણ મહાન હેતુ છુપાયેલો છે એવી શ્રદ્ધા જરૂરી છે, પરંતુ બધા કરતાં વધુ જરૂરી છે સજાગ રહેવું અને પોતાના જીવનનો કન્ટ્રોલ પોતાના હાથમાં રાખવો.

એક વાર આટલું કરી શકાય તો સમજી લો કે અડધી જંગ તમે પહેલાં જ જીતી લીધી છે, કારણ કોઈ પણ પ્રકારની અધૂરપને દૂર કરવાના તો અનેક રસ્તા હોઈ શકે છે. વળી આજના સમયમાં વિકલ્પોની કોઈ કમી નથી. તમે ઇચ્છો તો તમારી અંદરના ખાલીપાને દૂર કરવાના અનેક સર્જનાત્મક રસ્તા શોધી શકો છો. તમારી ક્રિયેટિવિટીને કામે લગાડી આવડત, હોશિયારી વિકસાવી શકો છો. તમારા સમયનો સદુપયોગ કરી શકો છો તથા તમારા જીવનને એક ધ્યેય, એક મકસદ, એક મંજિલ આપી શકો છો. તમારા જીવનને માત્ર શક્યતાઓ કે અકસ્માતો પર ઝૂલતું છોડી દેવાને સ્થાને તમે એ બધાનો પોતાના લાભ માટે ઉપયોગ પણ કરી શકો છો. આ માટે ક્યારેક કોઈ નાનુંમોટું જોખમ ઉઠાવવામાં પણ કશું ખોટું નથી. વર્તમાન જીવનમાં નાનાં-મોટાં પરિવર્તનો લાવવામાં પણ કોઈ વાંધો નથી. આવાં જોખમો કે પરિવર્તનોને માત્ર પ્રયોગો તરીકે જ જોવા જોઈએ, કારણ કોઈ પ્રયોગમાં તમે સફળ જાઓ કે નિષ્ફળ એ એટલું મહત્વનું નથી, જેટલું એ પ્રયોગમાંથી અનુભવ મેળવવો મહત્વનું છે.

આ પણ વાંચો : કૉલમ: તમે તમારાં બાળકોને મોબાઇલ અને ટીવી માટે કેટલો સમય આપો છો?

જ્યારે આપણે જીવનને એક એવી પૅટર્ન તરીકે જોવાનું શરૂ કરીએ છીએ, જે સમય સાથે જાતે જ પોતાનો આકાર લેતી જાય છે ત્યારે કહેવાતું નકામું અને કંટાળાજનક જીવન સુંદર અને રસપ્રદ બની જાય છે. જ્યારે આપણે સામે આવેલા પ્રત્યેક સંજોગો અને પરિસ્થિતિઓને ભવિષ્યની ચાવી તરીકે જોવા માંડીએ છીએ ત્યારે તેમાંથી અનેક શક્યતાઓ અને સંભાવનાઓ નીકળવા માંડે છે અને ત્યારે જ આપણે જીવન આપણી સામે જે કોઈ પડકાર કે અવરોધ ફેંકે છે તેમાં અર્થસભરતા શોધવા લાગીએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 12:09 PM IST | | ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK