Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સફળતા અને નિષ્ફળતા તો માત્ર મુકામ છે, મહત્ત્વનો જીવનપ્રવાસ છે

સફળતા અને નિષ્ફળતા તો માત્ર મુકામ છે, મહત્ત્વનો જીવનપ્રવાસ છે

16 September, 2019 03:16 PM IST |
સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

સફળતા અને નિષ્ફળતા તો માત્ર મુકામ છે, મહત્ત્વનો જીવનપ્રવાસ છે

સફળતા અને નિષ્ફળતા તો માત્ર મુકામ છે, મહત્ત્વનો જીવનપ્રવાસ છે


તાજેતરમાં ભારતના અણુવૈજ્ઞાનિકો દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા યાનને છેલ્લી ઘડીએ નિષ્ફળતા મળી. એ યાન ચંદ્ર પર ઊતરવાને માત્ર ૯૦ સેકન્ડનો જ સમય બાકી હતો જ્યારે ઇસરો સાથેનો એનો સંપર્ક તૂટી ગયો, જે આ લખાય છે ત્યાં સુધી ફરી પાછો સ્થાપિત થઈ શક્યો નથી. સફળતાની આટલી નજીક પહોંચી ગયા બાદ મળેલી આ નિષ્ફળતાથી ઇસરોના ચૅરમૅન કે. સિવન પણ એટલા નાસીપાસ થઈ ગયા કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટીને રીતસરના રડી પડ્યા. આ અવસરે મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને આપેલું આશ્વાસન ખરેખર જ સરાહનીય હતું. પોતાના ભાષણમાં તેમણે આ વૈજ્ઞાનિકોના પ્રયત્નને બિરદાવતાં કહ્યું કે ‘આખું ભારત તમારી સાથે છે. તમે સૌ એવી અસાધારણ પ્રતિભાઓ છો જેમણે દેશના વિકાસમાં અતુલનીય ફાળો આપ્યો છે. આજે આપણો ચંદ્રની ધરતીને સ્પર્શવાનો નિર્ણય પડી નથી ભાંગ્યો બલકે વધુ પ્રબળ બન્યો છે. જેટલું મહત્ત્વ અંતિમ પરિણામનું હોય છે એટલું જ માહાત્મ્ય એ દિશામાં કરવામાં આવેલા પ્રયાસ અને પ્રવાસનું પણ હોય છે.’

જે ક્ષણે અખબારમાં આવેલું મોદીનું આ કથન વાંચ્યું એ જ ક્ષણે તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ‘છિછોરે’માં સુશાંત સિંહ રાજપૂતના પાત્ર દ્વારા કહેવામાં આવેલી વાત યાદ આવી ગઈ. એનઆઇટીની પ્રવેશ પરીક્ષામાં નિષ્ફળ ગયેલા પુત્રનો આ પિતા પોતાના મિત્રો સાથે વાત કરતાં કહે છે, ‘આપણે હંમેશાં આપણાં બાળકોને સફળ થવાની જ શિખામણ આપીએ છીએ, પરંતુ નિષ્ફળ જશો તો શું કરવાનું એ ક્યારેય શીખવતા નથી. જેટલી મહત્ત્વની સફળતા છે એટલા જ મહત્ત્વના એ માટે તમે કરેલા પ્રયત્નો હોય છે. આજે કોઈ મને મારા દીકરાના જીવન તથા તેના એનઆઇટીમાં પ્રવેશ એવા બે વિકલ્પો વચ્ચે કોઈ એકની પસંદગી કરવાનું કહે તો હું તો મારા સંતાનનું જીવન જ ઝંખીશ‍ને?’



એક વાલી તરીકે આ સંવાદ ખરેખર હૃદય સોંસરવો ઊતરી ગયો. વાત તો એકદમ સાચી છે. આપણે હંમેશાં આપણા બાળકોને લાઇફ ઇઝ અ રેસ, સફળ નહીં થાઓ તો પાછળ રહી જશો, માટે સફળ થવા માટે આ કરો, તે કરો વગેરે જેવી જ સલાહ આપતા રહીએ છીએ; પરંતુ સફળ નહીં થાઓ તો જીવન પૂરું નથી થઈ જતું એ કહેવાનું કાયમ ભૂલી જઈએ છીએ. આમ કરીને આપણે આપણાં બાળકોને સફળતા માટે તો તૈયાર કરી દઈએ છીએ, પરંતુ નિષ્ફળતાને કેવી રીતે પચાવવી એ સમજાવવાનું ચૂકી જઈએ છીએ. અને આ જ કારણે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે એમ સારામાં સારા ઘરનાં હોશિયાર બાળકો ક્યારેક આત્મહત્યા જેવું પગલું ભરી લેતાં જોવા મળે છે.


આપણે બધા જ જાણીએ છીએ કે સફળતા અને નિષ્ફળતા એક જ સિક્કાની બે બાજુ જેવાં છે. હવામાં જ્યારે સિક્કો ઉછાળો ત્યારે આપણે એક પ્રકારનો જુગાર જ ખેલતા હોઈએ છીએ. એ સિક્કો જ્યારે હાથમાં આવશે ત્યારે ચિત્ત મળશે કે પટ એનો આપણને કોઈ અંદાજ હોતો નથી. તેથી મનુષ્ય તરીકે આપણે તો એ બન્નેની જ તૈયારી રાખવી પડે, પરંતુ આ સાવ સામાન્ય લૉજિક આપણે આપણાં સંતાનોને સમજાવવાનું ભૂલી જઈએ છીએ. બલકે એનાથી વધારે આપણે આપણાં બાળકોને એ કહેવાનું ભૂલી જઈએ છીએ કે જીવનમાં જે સૌથી વધારે મહત્ત્વનું છે એ તો ખુદ જીવન જ છે. બીજું બધું એ રાહમાં આવતા મુકામો માત્ર છે. આખરે જે મહત્ત્વનું છે એ મોદીએ કહ્યું એમ પ્રવાસ છે, એ પ્રવાસમાં આપણને મળેલા અનુભવો છે અને અનુભવોમાંથી આપણે શીખેલા પદાર્થપાઠો છે.

બાકી દુનિયાભરમાં થઈ ગયેલા બધા જ સફળ માણસો ખરેખર જ સફળ હોય છે એવું પણ જરૂરી નથી કે પછી દુનિયાભરમાં થઈ ગયેલા બધા જ નિષ્ફળ માણસો ખરેખર જ નિષ્ફળ હોય છે એવું પણ નથી. વિજય માલ્યા તથા નીરવ મોદી જેવા સફળ બિઝનેસમેન્સને પોતાના વ્યવસાયમાં એક સમયે મળેલી સફળતાને આપણે શું કહીશું? સફળતા કે નિષ્ફળતા? કે પછી ભારતમાં પહેલી વાર પ્રાઇવેટ મીડિયા તથા સૅટેલાઇટ ટેલિવિઝન શરૂ કરનાર ડૉ. સુભાષચંદ્રાના હાલ આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલા મીડિયા બિઝનેસ માટે આપણે શું વિચારીશું? સફળતા કે નિષ્ફળતા? એવી જ રીતે થોડા જ સમય પહેલાં આત્મહત્યા કરનાર સીસીડી જેવી ભારતમાં પહેલવહેલી કૉફી ચેઇન શરૂ કરનાર વી. જી. સિદ્ધાર્થને શું આપણે ખરેખર નિષ્ફળ ગણીશું? જો તેમણે ભારતમાં સીસીડીની સ્થાપના કરી ન હોત તો આજે ભારતમાં સ્ટારબક્સ જેવી આંતરરાષ્ટ્રીય ચેઇન જ નહીં, પરંતુ તેમના પગલે શરૂ થયેલી અન્ય અઢળક લોકલ બ્રૅન્ડ્સ પણ પોતાનો ધંધો શરૂ કરી શકી હોત ખરી?


આ પણ વાંચો:શું તમારે જાદુ કરતા શીખવું છે?

ટૂંકમાં સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ સત્યની જેમ વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે. કોઈની સફળતા પરથી પ્રેરણા લઈને આંધળૂકિયું કરવા જનાર પોતાના ઘર-પરિવારને લઈને ડૂબે એવું પણ બને કે પછી કોઈની નિષ્ફળતા પરથી પ્રેરણા લઈને પ્રયાસ કરનારને જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત થાય એવું પણ બની શકે. તેથી બહેતર તો એ જ છે કે સફળતા કે નિષ્ફળતાથી છકી જવા કે નાસીપાસ થઈ જવા કરતાં એને એક અનુભવ તરીકે જ જોવા જોઈએ, કારણ કે એ અનુભવ જ છે જે આખરે આપણા પ્રયત્નોને વધુ મક્કમ અને પરિપક્વ બનાવે છે.

અહીં શાહરુખ ખાનની પહેલી ફિલ્મ ‘કભી હાં કભી ના’માં નસિરુદ્દીન શાહના પાત્ર દ્વારા વારંવાર બોલવામાં આવતો મારો ફેવરિટ સંવાદ ‘ઇધર સે જાઓ, ઉધર સે જાઓ, સબ રાસ્તા ગૉડ કે પાસ જાતા હૈ’ યાદ આવે છે. જીવનનું પણ આ સંવાદમાં કહેવામાં આવેલા ગૉડ જેવું જ છે. આપણને આપણા સપનાની દુનિયા સુધી લઈ જતા અનેક રસ્તા બનાવી શકાય છે. તેથી જ્યાં સુધી તમને અનુભવોમાંથી પ્રાપ્ત થયેલી શીખના આધારે પોતાના મુકામ સુધી પહોંચવાના નવા માર્ગો શોધતાં આવડે છે ત્યાં સુધી કોઈ પણ કામ ધાર્યું પાર ન પડવાનો અફસોસ કરવા જેવું રહેતું નથી. જો આટલું સત્ય આપણે આપણાં બાળકોને સમજાવી શકીએ તો ન ફક્ત તેઓ જીવનને એક પ્રવાસ તરીકે જોતાં શીખશે, પરંતુ અનેકોના તો જીવ પણ બચી જશે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 03:16 PM IST | | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK