શું તમારે જાદુ કરતા શીખવું છે?

Published: Sep 09, 2019, 11:39 IST | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા | મુંબઈ

ખુશીઓ વહેંચવાથી વધે છે, પરંતુ કોઈને અણધારી ખુશી આપવાથી એટલી ક્ષણો તેના માટે મૅજિકલ મોમેન્ટ્સ બની જાય છે એ બહુ ઓછા સમજે છે. મૅજિકલ મોમેન્ટ્સ એટલે એવી ક્ષણો જેમાં આનંદ અને આશ્ચર્ય એક થઈ જાય છે.

ફૅમિલી
ફૅમિલી

ખુશીઓ વહેંચવાથી વધે છે, પરંતુ કોઈને અણધારી ખુશી આપવાથી એટલી ક્ષણો તેના માટે મૅજિકલ મોમેન્ટ્સ બની જાય છે એ બહુ ઓછા સમજે છે. મૅજિકલ મોમેન્ટ્સ એટલે એવી ક્ષણો જેમાં આનંદ અને આશ્ચર્ય એક થઈ જાય છે. આપણે જ આપણા જીવનના જાદુગર બની આવી મૅજિકલ મોમેન્ટ્સ ક્રીએટ કરતા જઈએ તો કેવું?

તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. થોડા જ દિવસો પહેલાં આપણે રક્ષાબંધન તથા જન્માષ્ટમી  ઊજવી અને જૈનોએ પર્યુષણ પર્વમાં આકરા તપ પણ કર્યા. હવે ગણપતિબાપા પધારી ચૂક્યા છે. જ્યાં જૂઓ ત્યાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું છે. આગલા બે-ત્રણ મહિનામાં આવતા નવરાત્રી, દિવાળી અને નાતાલ જેવા ઉત્સવોને પગલે ધમાલના આ માહોલનો રંગ વધુ ખીલી ઊઠશે. સ્ત્રીઓના કામની કોઈ સીમા નહીં રહે, પુરુષોના ગજવાં ખાલી થઈ જશે અને બાળકો સ્કૂલમાં વારંવાર રજાની મજામાં ભણવાનું ભૂલી જશે. ક્રિસમસ ઈવ છે. મોટાભાગની સ્કૂલોમાં આજથી નાતાલની રજાઓ શરૂ થઈ ગઈ હશે. એમ સમજોને ભાઈ કે આનંદો...આનંદો કરવાના દિવસો આવી ગયા છે. અને કેમ ન હોય?  આખરે આ જ તો એ દિવસો હોય છે, જેની આપણે આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. આખરે આ જ તો દિવસો હોય છે, જે આપણા એકધારા બોરિયતભર્યા જીવનને રોમાંચ અને ઉત્સાહ પૂરું પાડવાનું કામ કરે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આખરે આ જ એ દિવસો છે, જ્યારે આપણે આપણી યાદોના પીટારામાં કશુંક નવું ઉમેરી પણ શકીએ છીએ? જીવન ચોક્કસ આગળ વધવાનું નામ છે, પરંતુ જીવનમાં આગળ વધતા જાઓ, વધતા જાઓ, પણ હાથમાં કશું આવે જ નહીં તો શું મજા? મજા તો ત્યારે આવે જ્યારે આવનારા વર્ષોમાં પ્રવેશતી વેળા આપણી પાસે વિતેલા વર્ષોની ખૂબસુરત યાદોનો બેફામ ખજાનો હોય. મજા તો ત્યારે આવે જ્યારે આપણી પાસે પરિવારજનો, મિત્રો અને આગળ જતાં આપણા બાળકોને કહેવા માટે આપણા જ જીવનની અદભૂત અને આશ્ચર્યજનક વાર્તાઓ હોય.

સામાન્ય રીતે આપણે જીવનમાં એવી ઘટનાઓ બનવાની રાહ જોતા રહીએ છીએ, જે આપણા હૃદયને સ્પર્શી જાય, યાદોમાં કાયમ માટે જડાઈ જાય. એવી યાદો જેને પછી આપણે કોઈ સોનેરી સાંજે આરામ ખુરશીમાં બેઠા બેઠા મંદ મંદ હાસ્ય સાથે મનમાં કોઈ ફિલ્મની રીલની જેમ રીવાઈન્ડ કરી શકીએ કે પછી વારંવાર જેની પાસે બેસી જૂના દિવસોની યાદો તરોતાજા કરી શકીએ. અલબત્ત પોતાના સ્થાને જડતાપૂર્વક ઊભા રહી આવું કશું બનવાની રાહ જોવી આસાન છે, કોઈ બીજું આપણા માટે કશું યાદગાર કરે તેવી અપેક્ષા રાખવી સહેલી છે, પરંતુ મજા તો ત્યારે આવે જ્યારે આપણે એવું કશુંક કરીએ જે આપણી સાથે અન્યો માટે પણ યાદગાર બની જાય.

જરા વિચાર કરી જૂઓ, શાહજહાંએ તાજમહેલ બનાવ્યો ન હોત તો આજે આપણામાંથી કોણ મુમતાજમહેલ પ્રત્યેના તેના પ્રેમને યાદ કરત કે પછી કુતુબુદ્દિન ઐબકે કુતુબમિનાર બનાવ્યો ન હોત આપણી પાસે તેના અહંકારને યાદ કરવાનું કોઈ કારણ હોત? કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયામાં જેટલી પણ યાદગાર કથાઓ છે તેને યાદગાર બનાવવા કોઈએ ને કોઈએ, ક્યારેકને ક્યારેક તો મહેનત કરી જ હતી. કેટલીકવાર વ્યક્તિએ પોતે, તો કેટલીકવાર કોઈ બીજાએ, પરંતુ એ જેની-તેની મહેનતનું જ પરિણામ છે કે આજે પણ જ્યારે આપણે આવા સ્થળોની મુલાકાત લઈએ છીએ ત્યારે આપણે તેમની વાર્તાને, ત્યારની ઘટનાઓને વિગતવાર દોહરાવીએ છીએ.    

બલકે થોડું ઝીણવટપૂર્વક વિચારીએ તો સમજાય કે દુનિયાભરની ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પણ આજે આ જ કામ કરી રહી છે. આપણા પ્રવાસને યાદગાર બનાવવા દરેક દેશ, રાજ્ય કે શહેર સતત પોતાને ત્યાંની  ઈમારતોથી માંડી પોતાને ત્યાં ઊગતા ફળફળાદી, પોતાનું ભોજન, પોતાની કળા, સંસ્કૃતિ અને લોકકથાઓના નિતનવા પેકેજ તૈયાર કરી આપણને પોતાને ત્યાં આવવા લલચાવે છે અને જઈએ ત્યારે આપણું ભરપેટ મનોરંજન પણ કરે છે. આમ આપણા પ્રવાસને મેજિકલ બનાવવા તેઓ આપણા માટે મહેનત કરે છે.

પરંતુ થોડું જિંદાદીલીપૂર્વક અને થોડું ખેલદિલીપૂર્વક વિચારીએ તો આવી મેજિકલ મોમેન્ટ્સ જાતે પણ ક્રિયેટ કરી શકાય છે. પોતાના મનના આનંદ માટે, બીજાના દિલની ખુશી માટે ક્યારેક કોઈએ જેની અપેક્ષા પણ ન રાખી હોય તેવી સરપ્રાઈઝ આપીને, ક્યારેક કોઈએ બિલકુલ આશા ન રાખી હોય તેવું કશુંક કહીને, ક્યારેક કોઈના પર ફૂલોનો વરસાદ વરસાવીને તો ક્યારેક કોઈને બધાની વચ્ચે બિરદાવીને. રસ્તા તો ઘણા છે, બસ બધો દારોમદાર તમારી તૈયારી પર છે. તમે જ કલ્પના કરી જૂઓ, તમારા લગ્નની પહેલી, પંદરમી કે પચ્ચીસમી વર્ષગાંઠ નિમિત્તે તમારા પતિ તમને એ જ હોટલમાં રહેવા લઈ જાય જ્યાં તમે તમારા હનીમૂન પર ગયા હતા કે પછી તમારા જન્મદિવસ પર કોઈ જૂનો, પુરાણો, સમયના વહેણમાં ખોવાઈ ગયેલો મિત્ર તમારા દરવાજે ચઢી આવે કે પછી એકાએક તમારી મહેનતને બિરદાવતા તમારા બોસ એક દિવસ તાળીઓથી ઓફિસમાં તમારું સ્વાગત કરે તો તમને સારું લાગે કે નહીં? આવું કશું તમારી સાથે બને તો તમને સારું લાગે તો આવું જ કશું કોઈ બીજા માટે કરવામાં વાંધો શું છે?

ખુશીઓ વહેંચવાથી વધે છે એ તો આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ કોઈને અણધારી ખુશી આપવાથી એટલી ક્ષણો તેના માટે મેજિકલ મોમેન્ટ્સ બની જાય છે એ બહુ ઓછા સમજે છે. મેજિકલ મોમેન્ટ્સ એટલે એવી ક્ષણો જેમાં આનંદ અને આશ્ચર્ય એક થઈ જાય છે. આવી ક્ષણોમાં કરાયેલી કે કહેવાયેલી દરેક બાબત સામેવાળી વ્યક્તિ માટે સંગીત બની જાય છે અને આપણા માટે વાર્તા. આ જ તો એ ક્ષણો છે, જે સમયના પ્રવાહમાં સ્થિર થઈ જાય છે, જેની પાસે આપણને વારંવાર જવાનું મન થાય છે. આ જ તો એ ક્ષણો છે, જે બીજી વ્યક્તિની સાથે ખુદ આપણે મન પણ આપણું મૂલ્ય વધારે છે.    

બધા જ જાણે છે કે જાદુ એ બીજું કશું નહીં, હાથોનો ખેલ માત્ર છે. તેવી જ રીતે આપણે પણ આપણા જીવનના જાદુગર બની, દિલ અને દિમાગનો થોડો ખેલ કરી મેજિકલ મોમેન્ટ્સ તૈયાર કરી શકીએ છીએ. ઘટનાઓ દર વખતે ઘટતી નથી. કેટલીકવાર તેમને સુંદર મજાની ક્ષણો કે યાદોમાં પરિવર્તીત કરવા ઘટાવવી પડે છે. જીવન એક પ્રવાસ છે તો તેમાં ક્યાંક ક્યાંક અટકી જવાનું મન થાય તેવા સ્થળો બનાવવા માટે સર્જવી પડે છે. તેથી ઉત્સવોના આ દિવસોમાં જો તમે ખરેખર કંઈક નવું કરવા માગતા હો તો પોતાના તથા પોતાના આસપાસના લોકોના જીવનમાં આવી મેજિકલ મોમેન્ટ્સ બનવા પર એકવાર ચોક્કસ વિચાર કરી જોજો...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK