Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સુષમા સ્વરાજ અને અરુણ જેટલીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ?

સુષમા સ્વરાજ અને અરુણ જેટલીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ?

02 September, 2019 04:10 PM IST |
સોશ્યલ સાયન્સ- ફાલ્ગુની જડિયા

સુષમા સ્વરાજ અને અરુણ જેટલીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ?

સુષમા સ્વરાજ અને અરુણ જેટલીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ?


હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતા, સુષમા સ્વરાજ અને અરુણ જેટલીનો દેહાંત થયો. આટલા ઓછા સમયમાં બે નેતાઓની કસમયની વિદાયથી બીજેપી તથા ભારતીય રાજકારણને આંચકો લાગે તે સ્વાભાવિક છે, પરંતુ કાળના ગર્ભમાં શું સમાયેલું છે તેની જાણ તો સ્વયં રાજા રામને પણ ક્યાં હતી? છતાં આજે આપણે વાત કરવી છે કેટલીક એવી વાતોની જે જેટલી તથા સુષમા સ્વરાજ બંને પાસેથી દરેક વ્યક્તિએ શીખવી જોઈએ.

આ બંને નેતાઓની એક ખાસિયત હતી, મુશ્કેલી અથવા સંકટને તકમાં તબદિલ કરવાની. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં સત્તા પર આવ્યા ત્યારે એવી અટકળો થઈ હતી કે એલ. કે. અડવાણી કૅમ્પની નજીકના લોકોને કદાચ આ સરકારમાં સારું મંત્રાલય નહીં મળે. સુષમા સ્વરાજને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યાં. વિદેશ મંત્રાલય મહત્ત્વનું જરૂર છે, પરંતુ કોઈ પણ કૅબિનેટમાં સૌથી મહત્ત્વનાં હોય છે રક્ષા મંત્રાલય તથા નાણાં મંત્રાલય. ત્યાર પછી બાકીનાં મંત્રાલયોનો નંબર આવે. કેટલાક લોકોએ ત્યારે એવી અટકળો પણ કરી હતી કે વિદેશ મંત્રાલયને પગલે સુષમા સ્વરાજ લાઈમલાઈટની બહાર રહી જશે. આ કહેવાતા સંકટને સુષમા સ્વરાજે એવી તકમાં ફેરવી કે તેઓ ભારતના સૌથી સફળ વિદેશ પ્રધાનમાંથી એક બની ગયા. તેમણે સીધો આમઆદમી સાથે સંવાદ સાધ્યો. તેમની મુશ્કેલીઓના સમાધાન ટ્વિટર પર આપવા માંડ્યા. વિદેશમાં કોઈ ભારતીયનો પાસપોર્ટ ખોવાયો હોય કે વિદેશ પરણીને ગયેલી ભારતીય મહિલા પતિના અત્યાચારનો ભોગ બની હોય, સુષમા સ્વરાજને એક ટ્વીટ કરો ત્યાં તેઓ વિદેશ મંત્રાલયની પૂરી મશીનરી મદદ માટે લગાડી દેતાં. આમ કરીને તેમણે લોકોના ધ્યાનની બહાર રહી જતા મંત્રાલયને સેન્ટર સ્ટેજ પર લાવીને મૂકી દીધું, કારણ પોતે કોઈ પણ પ્રકારના અન્યાયનો ભોગ બન્યા છે એવી માન્યતાને તેમણે ક્યારેય પોતાના પર હાવી થવા જ દીધી નહીં.



અરુણ જેટલી સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. ૨૦૧૪માં જીવનમાં પહેલીવાર તેઓ અમૃતસરની સીટ પરથી કૅપ્ટન અમરિન્દર સિંહ સામે લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. એ વખતે દેશભરમાં પ્રસરેલો મોદીવેવનો ફાયદો પણ તેમને જીતાડી શક્યો નહીં. ત્યારબાદ તેમને પ્રધાનમંડળમાં સામેલ થવા માટે તથા દેશના નબળા રક્ષા મંત્રાલય તથા નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળવા માટે મોદી તથા અમિત શાહે ખાસ્સા મનાવવા પડ્યા હતા. અલબત્ત ત્યારબાદ જેટલીએ આ બંને પદ પર એવું બેમિસાલ કામ કરીને દાખવ્યું કે ન ફક્ત આ બંને મંત્રાલયની પોઝિશન જ સુધરી, પરંતુ ડિમોનિટાઈઝેશન તથા જીએસટી રોલ આઉટ જેવા પ્રચંડ આર્થિક સુધારાઓને તેમણે અંજામ પણ આપી દાખવ્યો. આ બે સૌથી મોટા પડકારોને જેટલીએ એટલી કૂનેહપૂર્વક પાર પાડી દેખાડ્યા કે એ જ તેમની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ બની ગઈ.


આ બંનેના જીવન અને વ્યક્તિત્વને જરા બારીકાઈથી જુઓ તો અમુક વાતો ઊડીને આંખે વળગે. એક તો આવી વ્યક્તિઓમાં જબરદસ્ત આત્મવિશ્વાસ હોય છે. પોતે જે કરી રહ્યા છે તે બરાબર જ છે અને આવશ્યક જ છે એવું તેઓ ન ફક્ત પોતે નિશ્ચિતપણે માનતા હોય છે, પરંતુ બીજાને પણ મનાવી શકતા હોય છે. પોતાની માન્યતાઓમાં આવો દૃઢ વિશ્વાસ હોવો એ સફળતાની પહેલી ચાવી જ નહીં, જરૂરિયાત પણ છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગથી લઈને ધીરુભાઈ અંબાણી સુધી દરેક વ્યક્તિમાં આવો આત્મવિશ્વાસ ઠાંસી ઠાંસીને જોવા મળે છે.

બીજું આવી વ્યક્તિઓનાં વાણી, વર્તન અને વિચારોમાં તમને ક્યાંય શંકા જોવા મળે નહીં. આ બન્નેના કોઈ પણ ઈન્ટરવ્યુ તમે લઈ લો કે પછી ભાષણ, તમને ક્યાંય પોતાની જાતમાં કે પોતાના કામમાં વિશ્વાસનો અભાવ જોવા મળશે નહીં. બલકે જેટલીની ક્ષમતા પર તો તેમના દુશ્મનોને પણ એટલો વિશ્વાસ હતો કે સંસદમાં કોઈ પણ નવો પ્રસ્તાવ લાવતા પહેલાં તેઓ દેશ કે દુનિયાથી નહીં, પણ જેટલીથી ડરતા કે તેઓ આમાં કોઈ નબળી કડી કે પછી દોષ શોધી શકશે કે નહીં.


આ પણ વાંચો:શું જીવનની પ્રત્યેક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તમે સક્ષમ છો?

આવો આત્મવિશ્વાસ રાતોરાત આવતો નથી. તેના માટે કાર્ય પ્રત્યે અનુશાસન, વૈચારિક સ્પષ્ટતા તથા સક્ષમ વિચારધારા હોવી આવશ્યક બની જાય છે. જીવનમાં અમુક પ્રસંગો એવા આવતા હોય છે જ્યારે પોતાના સિદ્ધાંતો માટે તમારે મોટું બલિદાન આપવું પડે. આવું બલિદાન આપવાની ત્રેવડ અને તૈયારી બંને હોવા આવશ્યક છે. અટલ બિહારી વાજપેયી, અરુણ જેટલી, સુષમા સ્વરાજથી લઈને ઘણા નેતાઓ એવાં હતાં જેમણે કોઈ પણ પ્રલોભન વગર ઈમર્જન્સીના દિવસોમાં ન ફક્ત તેનો વિરોધ કર્યો, પરંતુ કેટલાકે તો જેલની હવા પણ ખાધી. અહીં આશય કંઈ બીજેપીના નેતાઓની વાહ-વાહ કરવાનો નથી, પરંતુ તેમના વ્યક્તિત્વની એવી બાજુઓને સમજવાનો છે જે તેમને અન્યોથી જુદા પાડે છે. આવી વ્યક્તિઓના જીવનને તપાસો તો પોતાના જીવન માટે પણ આવશ્યક એવી બે-ચાર બાબતો જોવા-જાણવા મળી જ રહે.

વળી વધુ એક બાબત જે જેટલી અને સુષમા સ્વરાજ બન્નેમાં હતી તે હતી તેમની વફાદારી. સુષમા સ્વરાજ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી બીજેપી તથા તેની બહાર પણ અડવાણીના ખાસ તરીકે ઓળખાયાં. એવું ન હતું કે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફાવતું નહોતું, પરંતુ માત્ર વ્યક્તિગત ફાયદા માટે કે પછી જીવનમાં આગળ વધવા માટે જરૂર પડે ત્યારે પાટલી બદલી નાખવી એવું તેમનું વ્યક્તિત્વ જ નહોતું. એ જ રીતે અરુણ જેટલી પણ છેલ્લે સુધી નરેન્દ્ર મોદીના મિત્ર તથા સમર્થક બની રહ્યા. ૨૦૧૩-૨૦૧૪માં મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવા સામે બીજેપીનો આંતરિક સંઘર્ષ ચરમસીમાએ હતો ત્યારે પણ અરુણ જેટલી મોદીની પડખે રહ્યા. ગુજરાતનાં તોફાનો વખતે પણ તેમણે મોદી સામે આંગળી ચીંધનારાઓને શાંત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બધી વાતો અગાઉ પણ છપાઈ ગઈ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જે દિવસોમાં મોદી હજી ગુજરાતના ફક્ત એમએલએ હતા ત્યારે પણ જ્યારે તેઓ દિલ્હી આવતા ત્યારે એ અરુણ જેટલી જ હતા, જે તેમની આગતા-સ્વાગતા કરતા અને તેમની સાથે સમય વિતાવતા. આવી વર્તણૂક વ્યક્તિનો મૂળભૂત સ્વભાવ પણ દર્શાવે છે.

અને સૌથી મહત્ત્વનો ગુણ જે આપણે આ બન્ને નેતાઓ પાસેથી શીખવો જોઈએ તે પોતાના વૈચારિક મતભેદોને પોતાના સંબંધોમાં કડવાશ ઊભી ન કરવા દેવાની આવડતનો છે. જેટલીને લોકો બીજેપીના ટ્રબલ શૂટર તરીકે ઓળખતા, કારણ વૈચારિક મતભેદ હોવા છતાં ફક્ત પોતાની પાર્ટીમાં જ નહીં, વિરોધ પક્ષમાં પણ તેમના અનેક મિત્રો હતા. એ પણ ત્યાં સુધી કે આવશ્યક્તા પડે ત્યારે તેમના દુશ્મનો પણ તેમની સલાહ લેવા આવતા અને પોતાના રાજનૈતિક શત્રુને પણ તેઓ કાયમ સાચી જ સલાહ આપતા. તેવી જ રીતે સુષમા સ્વરાજને પણ ઘણા કૉન્ગ્રેસીઓ પોતાનાં બહેન માનતા.

આ પણ વાંચો: સેલ્ફીની જેમ સેલ્ફ-પ્રમોશન અને સેલ્ફ-માર્કેટિંગનો જમાનો ફુલ ફૉર્મમાં

અગાઉ કહ્યું તેમ આ લેખનો આશય કોઈ રાજકીય કૉલમ લખવાનો નથી, પરંતુ આજે વિડંબના એ છે કે સામાજિક, રાજનૈતિક તથા બૌદ્ધિક દરેક સ્તરે સમાજમાં આદર્શોની ભારે અછત ઊભી થઈ ગઈ છે. કેટલાક આદર્શોને આપણે રાતોરાત ખલનાયક બની જતા પણ જોયા છે. આવામાં આપણી જ આસપાસ રહેલા લોકોમાંથી જો કોઈ શીખવા જેવી તથા જીવનમાં ઉતારવા જેવી બાબતો મળે તો આ તક છોડવા જેવી હોતી નથી. છેલ્લાં બે વર્ષમાં માત્ર બીજેપીના જ નહીં, ભારતના રાજકારણની પણ વાત કરીએ તો ૨૦૧૮માં વાજપેયી તથા ૨૦૧૯માં સુષમા સ્વરાજ તથા અરુણ જેટલી એવાં વ્યક્તિત્વ હતાં, જેમની સાથે ભારતીય રાજકારણના એક જ નહીં, બે યુગો અસ્ત થયાં છે.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2019 04:10 PM IST | | સોશ્યલ સાયન્સ- ફાલ્ગુની જડિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK