Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સેલ્ફીની જેમ સેલ્ફ-પ્રમોશન અને સેલ્ફ-માર્કેટિંગનો જમાનો ફુલ ફૉર્મમાં

સેલ્ફીની જેમ સેલ્ફ-પ્રમોશન અને સેલ્ફ-માર્કેટિંગનો જમાનો ફુલ ફૉર્મમાં

22 July, 2019 10:32 AM IST | મુંબઈ ડેસ્ક
ફાલ્ગુની જડિયા - સોશ્યલ સાયન્સ

સેલ્ફીની જેમ સેલ્ફ-પ્રમોશન અને સેલ્ફ-માર્કેટિંગનો જમાનો ફુલ ફૉર્મમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

હવેનો સમય માર્કેટિંગનો સમય છે. આજકાલ કોઈ પર્સન હોય કે પ્રોડક્ટ માર્કેટિંગ વિના ચાલતા નથી. ફિલ્મો હોય કે સેલિબ્રિટીઝ, તેમનું સતત લોકોની સામે હોવું અનિવાર્ય બની ગયું છે. મોટી-મોટી કંપનીઓ પોતાનાં ઉત્પાદનોના પ્રમોશન માટે ખાસ માર્કેટિંગ બજેટ બનાવી રહી છે. ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ પોતાની ફિલ્મો રિલીઝ કરતાં પહેલાં એનું ભરપેટ માર્કેટિંગ કરી રહી છે. એ માટે ફિલ્મના કલાકારો પણ ફિલ્મ રિલીઝ થવાની હોય એ પહેલાં દેશભરમાં ફરીને પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા થઈ ગયા છે. નાનાં-નાનાં ગૃહઉદ્યોગો પણ પોતાનો સામાન વેચાય એ માટે અખબારોમાં જાહેરખબરો આપતા થઈ ગયા છે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચલાવનારાં પૅમ્ફ્લેટ્સ છપાવી રહ્યા છે. ઘરે બેસીને કામ કરનારા વધુ બિઝનેસ મળે એ માટે સોશ્યિલ મીડિયાનાં સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે ચારે બાજુથી આપણા પર એક નહીં તો બીજા પ્રકારના માર્કેટિંગનો મારો સતત ચાલુ જ રહે છે. 



લોકો પણ માર્કેટિંગ અને પ્રમોશનથી એવા અંજાઈ જવા લાગ્યા છે કે જાણે એના વિના તેઓ પોતે અધૂરા હોય એવી લઘુતાગ્રંથિથી પીડાવા લાગ્યા છે. પરિણામે તેઓ પણ પોતાના પ્રમોશનમાં લાગી જાય છે. હું મહાન છું, હું બીજા કરતાં શ્રેષ્ઠ છું, મારી આ ટૅલન્ટ છે વગેરેના બૅન્ડવાજાં વગાડવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. મેં કર્યું, મેં કહ્યું, મેં બનાવ્યું વગેરે જેવાં પોતાનો ઉલ્લેખ આવતો હોય તેવાં અઢળક વાક્યો દિવસ આખો આપણા પર તીરની જેમ ફેંક્યા કરે છે. અરે, કોઈ બીજાની વાત ચાલતી હોય તેમાં પણ પોતાનો કક્કો ઉમેરી દેનારાઓનો પણ કોઈ તોટો નથી. કોઈ બીજું કશું સારું કરે કે લોકો કહેશે, ‘મને તો પહેલાંથી ખબર હતી કે તું કરી દેખાડશે,’ કોઈ કશું ખરાબ કરે કે લોકો કહેશે, ‘મેં તને પહેલાં જ ચેતવણી આપી હતી,’ કશું અજુગતું બની જાય કે લોકો કહેશે, ‘મને તો પહેલાંથી જ લાગતું હતું કે આવું થશે.’
આટલું વાંચી તમને હસવું આવતું હોય તો બે ઘડી થોભીને વિચારો... શું આપણે પોતે પણ આ જમાતનો હિસ્સો નથી? જાણતાં-અજાણતાં આપણે બધા જ આવું કરતા રહીએ છીએ. વાસ્તવમાં આપણી આસપાસ ઘટતી નાનીમોટી દરેક ઘટના દ્વારા પોતાની મહાનતા સિદ્ધ કરવાની ટેન્ડન્સી આપણા બધામાં જ ઊંડે-ઊંડે છુપાયેલી હોય છે. આપણા વડીલો આપણને સતત આપણો ઉછેર કરવામાં તેમણે કેટલાં બલિદાનો આપવા પડ્યાં એની વાર્તા સંભળાવ્યા કરે છે અને હવે આપણે પોતે પણ આપણાં બાળકોને તેમનો સારો ઉછેર કરવા માટે કેટલો ભોગ આપી રહ્યા છીએ એનો અહેસાસ કરાવ્યા કરીએ છીએ. ટૂંકમાં આપણે હોઈએ કે બીજા, લોકો સતત પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાનાં સપનાંઓ, પોતાની મહત્ત્વાકાંક્ષાઓ, પોતાની સફળતા અને નિષ્ફળતાઓનાં ગુણગાન ગાતાં જાણે થાકતા જ નથી. ક્યાંક આપણા બધાના મનમાં એવું ભરાઈ ગયું છે કે આપણે જેટલાં આપણી જાતનાં વખાણ કરીશું એટલા જ આપણે વધુ સારા અને કુશળ ગણાઈશું.
સફળતા અને નિષ્ફળતાની તો જાણે વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. યેનકેન પ્રકારેણ પરિણામ લાવો, સફળતા લાવો અર્થાત્ બિઝનેસ લાવો એ જ ફન્ડા કામ કરે છે. એક યુવાન અકાઉન્ટન્ટની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે તેને પુછાયું કે એક ને એક કેટલા થાય? સવાલ સાવ સરળ હતો, જેમણે સાચો જવાબ આપ્યો તેમને નોકરી ન મળી પરંતુ જે યુવાને કહ્યું તમારે કેટલા કરવા છે તેને નોકરી મળી ગઈ. આમ સફળતા ક્યાંથી અને કઈ રીતે મળી જશે એ કળી શકાતું નથી. દરેક જણ નવા ફન્ડા વાપરવા લાગ્યા છે. બોલે તેના બોર વેચાય જ પુરજોશમાં ચાલે છે, ન બોલવામાં નવ ગુણ હવે આઉટડેટ થતું જાય છે. બધાના ‘હું’ પાવરફુલ થઈ ગયા છે, જેમના નથી તેઓ બતાવવા માટે પણ કરતા રહે છે.
એક સમય હતો જ્યારે નોકરીનાં કેટલાંક વર્ષો બાદ લોકો પોતાનાં ગુણગાન ગાવાનું બંધ કરી દેતા હતા, કારણ કે તેઓ હાથમાં સારી નોકરી અને ઘરની શાંતિથી સંતુષ્ટ થઈ જતા હતા. વધુમાં વધુ આત્મસંતોષ માટે (અને ક્યાંક થોડો દેખાડો કરવા માટે પણ) મહેમાનો સામે પોતાનાં બાળકો પાસે એકાદ સારી કવિતા બોલાવીને ધરવ માની લેતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે ફક્ત ઑફિસના ઉપરીઓ જ નહીં, ઘરના દરેક નાનામોટા સભ્યથી લઈને કામવાળી સુધ્ધાં તક મળે ત્યારે પોતાની લાયકાતનાં વખાણ કરવાનું ચૂકતા નથી. અરે, આપણા ઘરનાં પાળેલાં જાનવરો પાસે પણ આપણે અજાણ્યાઓની સામે પોતાનાં કરતબ કરી દેખાડવાની અપેક્ષા રાખ્યા કરીએ છીએ. હવે આપણું કામ ફક્ત આપણા નામની પાછળ સારી ડિગ્રીઓથી પતી જતું નથી, પરંતુ આપણને આપણા નામની આગળ માનવાચક શબ્દો પણ જોઈએ છે અને એ પણ પાછા બહુવચનમાં. પરિણામે આપણા દરેક વાક્યમાં ‘હું, મને, મારું’ જેવા શબ્દો ડોકાયા કરે છે. અરે, એક સર્વેમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે અત્યારની પેઢી સતત પોતાની જાતનું પ્રમોશન કરવાને, પોતાના ગુણગાન ગાવાને, વધુપડતો આત્મવિશ્વાસ દેખાડવાને તથા અન્યોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાને ખરાબ ગણતી નથી. બલકે તેમને મન અત્યારના સ્પર્ધાત્મક સમયમાં આગળ વધવા માટે એ આવશ્યક બની ગયું છે.
જે યુગમાં સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ સુધી સૌકોઈ પોતાની મહાનતા સિદ્ધ કરવાની હોડમાં લાગ્યા હોય, જ્યાં દરેક વ્યક્તિ પોતાનો કક્કો સાચો પુરવાર કરવા મથી રહી હોય, જ્યાં દરેક વ્યક્તિ બીજાને નીચો પાડી આગળ વધવા તલપાપડ હોય ત્યાં એક આમ આદમી પણ ન ઇચ્છવા છતાં ઉંદરડાઓની આ સ્પર્ધામાં ભાગ લેવાનું દબાણ અનુભવી રહ્યો છે. આવામાં જેમને પોતાનું જીવન સરળ રાખી પોતાની ગતિએ આગળ વધવું છે કે જેમણે પોતાનું મન સાફ અને નિર્મળ રાખવું છે તેવા લોકોએ શું કરવું એ બહુ જટીલ પ્રશ્ન બની ગયો છે.
હકીકત તો એ છે કે આપણે ગમેતેટલો પ્રયત્ન કરીએ ટોચ પર તો બહુ ઓછા લોકો જ પહોંચી શકે છે. ઑફિસમાં ઉપરી એકાદ જ હોય છે. સ્કૂલ અને કૉલેજમાં પ્રિન્સિપાલ પણ એક જ હોય છે. બૅન્કમાં પણ મૅનેજર એક જ હોય છે. બાકીના સૌએ તેમની નીચે જ કામ કરવાનું આવે છે. કહેવાનું તાત્પર્ય છે કે ટોચ પર જગ્યા હંમેશાં ઓછી હોય છે. કોઈ એકલદોકલ વ્યક્તિ આગળ નીકળે એ માટે બીજા ઘણાબધાએ પાછળ રહી જ જવું પડતું હોય છે, પરંતુ ટોચ પર ન પહોંચી શકવાનો એકમાત્ર અર્થ જીવનમાં નિષ્ફળ થઈ ગયા જેવો તો નથી જ થતોને?


આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

હવેના યુવાનો નાની ઉંમરે મોટી આવક રળતા થઈ ગયા છે, તેથી તેમની સફળતાની વ્યાખ્યા પણ ટૂંકી અને સંકુચિત બનતી જાય છે. તેમને બધું ફટાફટ જોઈએ છે, જેને લીધે તેઓ સતત લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે. ટેક્નૉલૉજીએ આ સુવિધા તેમને સરળતાથી ઉપલબ્ધ કરી આપી છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે રાતોરાત આવેલી સફળતા એટલી ઝડપથી ચાલી પણ જઈ શકે છે. સેલ્ફ-પ્રમોશન યા માર્કેટિંગ ભલે ફ્રી થતું હોય, પણ ફ્રીનું મૂલ્ય લાંબું ચાલતું નથી. આજકાલ દર બીજા અઠવાડિયે આપણને કોઈ જુવાનજોધ વ્યક્તિ ભયંકર બીમારીમાં પટકાઈ હોવાના કે પછી અકાળે મૃત્યુ પામી હોવાના સમાચાર સાંભળવા મળે છે. આ નકામી સ્પર્ધા જો આપણા તથા આપણા પોતાનાઓનાં સુખ, શાંતિ અને સ્વસ્થતા ચોરી રહી હોય તો આપણે કઈ દિશામાં પ્રયાણ કરી રહ્યા છીએ એ વિશે બે ઘડી થોભીને ચોક્કસ વિચાર કરવો જોઈએ. દરેક વિકાસ માત્ર આપણા માલ, મિલકત અને મોભામાં જ થવો જરૂરી નથી. થોડું પાછળ રહીને તમે અંતરથી પ્રફુલ્લિત અને સંતુષ્ટ રહી શકતા હો તો એ વધુ બહેતર નથી? આખરે તો દરેક માટે આત્મસંતોષ અને શાંતિ જ મહત્ત્વનાં રહે છે, પરંતુ એ માટે પહેલી શરત એ છે કે આપણે આપણા લૌકિક ‘હું’પદને છોડી આંતરિક ‘હું’પદ પર ફોકસ કરવાનું શીખીએ, કારણ કે અંદરથી આપણે ખુશ હોઈશું તો એ ખુશી આપણા વ્યક્તિત્વમાં તથા આપણા આસપાસના વાતાવરણમાં ડોકાયા વિના નહીં રહે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 10:32 AM IST | મુંબઈ ડેસ્ક | ફાલ્ગુની જડિયા - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK