પૈસા આપીને TRP ખરીદે છે રિપબ્લિક ટીવી?

Published: 8th October, 2020 18:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મુંબઈ પોલીસ ટેલિવિઝન રેટિંગ્સ પોઈન્ટ્સ (TRP)માં ગેરરીતિ કરવા બદલ રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા આ ત્રણ ચેનલોની તપાસ કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસ ટેલિવિઝન રેટિંગ્સ પોઈન્ટ્સ (TRP)માં ગેરરીતિ કરવા બદલ રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા આ ત્રણ ચેનલોની તપાસ કરી રહી છે. ફક્ત મરાઠી અને બોક્સ સિનેમાના માલિકોની ધરપકડ કરવામાં આવી છે.

રિપબ્લિક ટીવીના પ્રમોટર્સ, ડાયરેક્ટર્સ, એડવર્ટાઈઝર્સ, સીએફઓને નોટિસ ફટકારવામાં આવી છે. મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહે કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચે એક રેકેટ પકડ્યું છે જેમાં ટીઆરપી સંબંધિત ગેરરીતિ અને ચેનલોના બૅન્ક ખાતાઓની તપાસ કરવામાં આવશે. અમે એ પણ તપાસ કરીશું કે તેમને કયા એડવર્ટાઈઝર્સ પાસેથી ભંડોળ મળે છે. જો આ બધામાં કોઈ ગેરકાયદેસર બાબત હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સિંહે ઉમેર્યું કે, જો રેટિંગ માટે હાઉસહોલ્ડ ડેટાનો વપરાશ કરવામાં આવ્યો હોય અને જાહેરાત માટે ગેરકાયદેસર ભંડોળ મેળવ્યું હોય તો આ છેતરપિંડી કહેવાય.

ફરિયાદ મળતા ક્રાઈમ બ્રાન્ચે મલાડના એક રહેવાસીની પૂછપરછ કરતા જણાયુ કે તે એક કંપનીમાં કામ કરે છે જે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ની એક ભાગ છે. આ બાબતેની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ વ્યક્તિને આવતી કાલે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચે વિવિધ ટીમને અલગ અલગ રાજ્યોમાં આગળની તપાસ માટે મોકલી છે. મુંબઈ પોલીસે કહ્યું કે, અમૂક લોકો ગવાહી આપવા માટે આગળ આવ્યા છે, તેમનું કહેવું છે કે આ વ્યક્તિ દરેકને મહિને પૈસા આપતો હતો. ધરપકડ કરવામાં આવેલા આરોપીમાંનો એક ફાનસા રિસર્ચ ગ્રુપ પ્રા.લિ.નો કર્મચારી હતો, તે કંપનીના કોન્ફિડેન્શિયલ ડેટાનો દુરઉપયોગ કરતો હતો. આમ વિવિધ ટીવી ચેનલોને ખોટી રીતે ફાયદો થતો હતો, બીજી બાજુ ઘણા એડવર્ટાઈઝર્સ અને એજન્સીઓને નુકસાન થતુ હતું. આરોપીએ બારોમીટર્સ યુઝર્સને પૈસા ખવડાવતો હતો. ઘણાના ઘરમાં આ બારોમીટર્સ હતું અને તેમને કહેવામાં આવતુ કે અમૂક ચેનલ ચાલુ જ રાખે. આ કામ કરવાના તેમને મહિને પૈસા મળતા હતા.

BARC એ માહિતી અને સંચાર મંત્રાલય, ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાય) અંતર્ગત કામ કરે છે. વિવિધ પ્રોગ્રામને મોનિટર કરવા માટે દેશના વિવિધ ભાગમાં 30,000 જેટલા બારોમીટર્સ લગાડવામાં આવ્યા છે. આ બારોમીટર્સના હિસાબે ટીવી ચેનલ્સને BARC રેટિંગ આપે છે.

જો ટીઆરપીમાં જ ખોટી ગણતરી હોય તો એડવર્ટાઈઝર્સને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. દરમિયાન રિપબ્લિક ટીવીના મેનેજિંગ ડિરેક્ટર અને એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીએ કહ્યું કે, મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહે ખોટા આરોપ મૂક્યા છે કારણ કે રિપબ્લિક ટીવી તેમને સુશાંત સિંહ રાજપૂત કેસમાં સવાલ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK