રથયાત્રાઃ મળો એ વ્યક્તિને જે છેલ્લા 17 વર્ષથી બનાવે છે ભગવાનના વાઘા

Published: Jul 01, 2019, 13:48 IST | ભાવિન રાવલ | અમદાવાદ

ભગવાન જગન્નાથના વાઘા 17 વર્ષથી એક જ વ્યક્તિ તૈયાર કરી રહ્યા છે. ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે અમદાવાદના સુનીલભાઈ સોની.

રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 4 જુલાઈએ ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળશે. આ રથયાત્રા ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. રથયાત્રાને લઈ તડાંમાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ તૈયાર થઈ ચૂક્યા છે. પોલીસ પણ પોતાની તૈયારી કરી ચૂકી છે. રથયાત્રાના રૂટ પર સાવચેતીની પગલાં લેવાઈ ચૂક્યા છે. સાથે જ ભગવાન જગન્નાથની નગરચર્યાના સૌથી મહત્વના દિવસ એવા રથયાત્રા માટે ભગવાનના વાઘા પણ તૈયાર થઈ ચૂક્યા છે.

17 વર્ષથી તૈયાર કરે છે વાઘા

ભગવાન જગન્નાથના વાઘા 17 વર્ષથી એક જ વ્યક્તિ તૈયાર કરી રહ્યા છે. ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે અમદાવાદના સુનીલભાઈ સોની. સુનીલ ભાઈ છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના વાઘા તૈયાર કરી રહ્યા છે. સુનીલભાઈ અને તેમનો પરિવાર રથયાત્રાના વાઘાની સાથે સાથે અમાસના દિવસે ભગવાનને પહેરાવાતા વાઘા, સોનાવેશના વાઘા અને મંગળા આરતીના વાઘા બનાવે છે.

jagannath vagha

મથુરાથી આવે છે કાપડ

અમદાવાદમાં રહેતા સુનીલભાઈ સોનીનું કહેવું છે કે,'હું લગભગ 30 વર્ષનો હતો ત્યારથી આ વાઘા બનાવી રહ્યો છું. ફક્ત હું જ નહીં મારો પરિવાર પણ વાઘા બનાવવામાં મદદ કરે છે.' સુનીલભાઈ અને તેમનો પરિવાર અખાત્રીજથી ભગવાનના વાઘા બનાવવાની તૈયારી કરે છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની પ્રેરણાથી સુનીલભાઈનો પરિવાર વાઘા બનાવવાની તૈયારી શરૂ કર છે. આ વિશે વાત કરતા સુનીલભાઈનું કહેવું છે કે,'ભગવાનના વાઘા માટે અમે ખાસ તૈયારી કરી છીએ. આ માટે કાપડ ખાસ વૃંદાવન, મથુરાથી મંગાવીએ છીએ. સુરતથી પણ કાપડ લાવીએ છીએ. અમારા પરિવારના કુલ 7 જણા આ વાઘા બનાવવામાં કામ કરે છે.'

દોઢ મહિનાનો લાગે છે સમય

ભગવાન જગન્નાથના વાઘા બનાવતા લગભગ દોઢ મહિનાનો સમય લાગે છે. સુનીલભાઈ પહેલા મંદિરના મહંત દિલીપદાસજી સાથે વાઘાની ડિઝાઈન અંગે ચર્ચા કરે છે. બાદમાં વાઘા બનાવવાનુ શરુ થાય છે. દોઢ મહિનાની પરિવારની મહેનત બાદ આ વાઘા તૈયાર થાય છે. સુનીલભાઈ કહે છે કે મુખ્ય કામ હું કરું છું અને મારા પત્ની, ભાઈ, બેબી પણ તેને ફાઈનલ કરીને તેમાં ટિક્કીને બધું ચોંટાડવામાં મદદ કરે છે. જો કે સુનીલભાઈનું કામ માત્ર વાઘા બનાવવાથી જ પૂર્ણ નથી થતું. ભગવાન બલરામને વાઘા પણ તેઓ પોતે જ પહેરાવે છે. રથયાત્રાની આગલી રાતથી જ સુનીલભાઈ મંદિરે પહોંચી જાય છે. અને ભગવાન રથમાં બિરાજમાન થાય ત્યારે ભાઈ બલરામને પોતાના હાથે વાઘા પહેરાવે છે. સુભદ્રાજી અને જગન્નાથજીને મુખ્ય પૂજારી વાઘા પહેરાવે છે.

આ પણ વાંચોઃ રથયાત્રા 2019: કરો ભગવાન જગન્નાથના મોંઘેરા મામેરાના દર્શન

વાઘા બનાવવાનો અવસર મળવાથી આનંદ થાય છે.

સુનીલભાઈ કહે છે કે અમને ભગવાનના વાઘા બનાવવાનો અવસર મળે છે તેનાથી ખૂબ જ આનંદ થાય છે. જગતના નાથ, રાજાધિરાજની સેવા કરવાનો અવસર મળે છે તો ખૂબ જ આનંદ આનંદ થઈ જાય છે. સુનીલભાઈએ આ વખતે ભગવાન જગન્નાથની નગરચર્યા માટે ખાસ રજવાડી પોશાક તૈયાર કર્યો છે. દર વર્ષે ભગવાનના સાજ શણગાર અલગ અલગ હોય છે. ત્યારે આ વખતે ભગવાન રજવાડી ઠાઠમાં ભક્તોની સામે આવશે અને તેમને દર્શન આપશે. ભગવાન માટે આ વખતે લાલ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. પાંચ દિવસના પાંચ વાઘા બનાવવામાં આવ્યા છે. આ વખતે પોશાકમાં મેઘધનુષી રંગ રખાયા છે. તો ભગવાન કૃષ્ણને પ્રિય એવા મોર અને પોપટ પણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ આવો હોય છે ભગવાન જગન્નાથની રથયાત્રાનો નજારો, જુઓ અલૌકિક તસવીરો

ભગવાન જગન્નાથના દર્શન માટે હવે શ્રદ્ધાળુઓ અને શહેરીજનો પણ તૈયાર છે. ત્યારે આ વખતે શ્રદ્ધાળુઓ તેમના રજવાડી વેશમાં દર્શન કરી શક્શે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK