Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાટક એટલે માણસ માટે, માણસોથી અને માણસ વડે જે રચાય છે એ કૃતિ

નાટક એટલે માણસ માટે, માણસોથી અને માણસ વડે જે રચાય છે એ કૃતિ

07 January, 2019 12:49 PM IST |
પ્રવીણ સોલંકી

નાટક એટલે માણસ માટે, માણસોથી અને માણસ વડે જે રચાય છે એ કૃતિ

પ્રવીણ સોલંકી

પ્રવીણ સોલંકી


માણસ એક રંગ અનેક

વર્ષોથી પ્રશ્ન રહ્યો છે કે કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે? ધર્મ માણસ માટે છે કે માણસ ધર્મ માટે? નાટક પ્રેક્ષકો માટે છે કે પ્રેક્ષક નાટક માટે? જવાબમાં ‘માણસ’ સર્વોપરી રહ્યો છે. માણસ છે તો બધું છે. માણસ છે તો ઈશ્વરનું અસ્તિત્વ છે. નાટક એટલે માણસ માટે, માણસોથી ને માણસ વડે જે રચાય છે એ કૃતિ. વ્યસ્ત રહેતા લોકોની અતૃપ્ત રહેલી લાગણીઓની, ભાવનાઓની જરૂરિયાતોને માનવ સમક્ષ રજૂ કરવી એ નાટકનું કર્તવ્ય રહ્યું છે. ‘અવસ્થાનું કૃતિ નાટ્યમ્’ માનવજીવનની જુદી-જુદી અવસ્થાઓની અનુકૃતિ એટલે નાટક.



રંગભૂમિનો ઇતિહાસ બહુ પુરાણો છે. મહાભારતના કાળમાં નાટક ભજવાયું હતું એ કેટલાને ખબર છે? શ્રીકૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન વૃજનાભ રાજાની પુત્રીના પ્રેમમાં પડ્યો. તેને મળવા વૃજનાભ રાજાના મહેલમાં ઘૂસવા (એટલે કે પ્રવેશ કરવા) નાટકનો સહારો લીધો. ‘કૌબેર રંભાભિસાર’ નામનું નાટક પ્રદ્યુમ્ન અને સાંબ આદિ રાજકુમારોએ ભજવેલું. તેઓ કલાકારોનો વેશ ધારણ કરી મહેલમાં પ્રવેશ્યા! જે પ્રયુક્તિ વર્ષોથી ફિલ્મોમાં વપરાય છે.


લોકનાટ્ય આધુનિક નાટકોની જનની છે. ભારતના દરેક પ્રાંત કે ઇલાકાને પોતાની ભાતીગળ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને લોકનાટક દ્વારા રજૂ કરે છે. ઉત્તર ભારતમાં અને બિહારમાં આ કળાને ‘રામલીલા’ કહે છે. બંગાળ અને ઓડિશામાં યાત્રા કે જાત્રા

તરીકે ઓળખાય છે. મથુરામાં રાસલીલા, પંજાબ-રાજસ્થાનમાં નવટંકી-કથપૂતળી દ્વારા, ગુજરાતમાં ભવાઈ કે રાસધારીના ખેલ તરીકે, મહારાષ્ટ્રમાં તમાશા, લલિત, દશાવતાર અને સાંગ તરીકે, કન્નડમાં ભરત નાટ્યમ, તામિલનાડુમાં થેર કોથ્યું, મલબારમાં કથકલી, આંધþમાં બૂરકથા કે વિધિ નાટક તરીકે, પૂર્વ ભારતમાં ર્કીતનિયા ને આસામમાં ‘અંકિયા’ તરીકે ઓળખાય છે. આ સૌ દ્વારા નૃત્ય, ગીત, સંવાદના સહારે જે કંઈ સાધનસામગ્રી-ઉપકરણ ઉપલબ્ધ હોય એ વડે લોકરંજન થતું રહ્યું છે ને હજી પણ થાય છે.


ગુજરાતમાં ભવાઈના પ્રયોગો દેવીપૂજા સાથે સંકળાયેલા હતા. ભવાઈ નાટકની જેમ સળંગસૂત્ર કથાનક તરીકે રજૂ ન થતી. એના પ્રયોગો-ખેલો ‘વેશ’ના નામે ઓળખાતા. ૧૪મી સદીમાં અસાઇત કાકર નામના ઔદીચ્ય બ્રાહ્મણે આવા અનેક વેશો લખ્યા. ભવાઈમાં સંગીત અને નૃત્યનો સમન્વય હોય છે. ‘તા થૈયા થૈયા થૈ’ની ગુંજ આજે પણ લોકોના કાને-જીભે છે. ભવાઈમાં કથક નૃત્યની ચેષ્ટા હોય છે. ભવાઈના ઠેકા, એની વતુર્ïળાકાર ગતિક્રિયા, પગથી આંટીવાïળી ચાલ, માત્રામેળ-છંદોની રમઝટ, સૂત્રધાર રંગલાની બાની-વાણી વગેરે રજૂઆતને આકર્ષક બનાવે છે.

૧૫૩૪માં પોટુર્ગીઝો દીવ અને મુંબઈમાં આવ્યા. સાથે સ્પેન અને રોમ જેવા દેશોમાંથી પાદરી અને પ્રચારકો પણ લાવ્યા. ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને વટાળપ્રવૃત્તિના આશયથી લોકોનો સંપર્ક વધારવા મનોરંજનના નામે તમાશા ભજવવાનું શરૂ કર્યું. કામચલાઉ રંગમંચ બાંધીને ‘ઈસુ મસીહા કી જીવનકથા’ ગુજરાતમાં રજૂ કર્યું. નિર્માણની ભવ્યતાને કારણે ખૂબ પ્રચાર પામ્યું, પણ સમય જતાં એના ઇરાદાનો પર્દાફાશ થઈ ગયો. વટાïળપ્રવૃત્તિનો ભાંડો ફૂટી જતાં લોકો એનાથી દૂર ભાગ્યા.

૧૬૧૨માં સુરતમાં અંગ્રેજોએ કોઠી સ્થાપી. બ્રિટિશ શાસનમાં મુંબઈમાં લશ્કરી છાવણીમાં રહેતા બ્રિટિશ સૈનિકોએ એકવિધતા ટાળવા ૧૭૫૦માં સૌપ્રથમ કાચું થિયેટર ‘બૉમ્બે ગ્રીન થિયેટર’ બાંધ્યું. આમ એશિયામાં ભારતના પશ્ચિમકાંઠા પર અંગ્રેજી તખ્તાની પ્રથમ શરૂઆત કરનારા બ્રિટિશ સૈનિકો હતા. એ પછી એ ઘણાં થિયેટરોનો વિસ્તાર થતો ગયો. ગ્રાન્ટ રોડ થિયેટર જેવા પાકા રંગમંચો ઊભા થયા. પછી સાંગલીથી આવેલી સાંગલીકર નાટક મંડળીએ ગ્રાન્ટ રોડ થિયેટરમાં પ્રથમ વાર પ્રાદેશિક ભાષા મરાઠીમાં પોતાનાં આખ્યાનો રજૂ કર્યાં.

ગુજરાતી રંગભૂમિના વિકાસમાં પાયાના પથ્થરો પારસી પ્રજા છે. આજે ગુજરાતી રંગભૂમિ જે કંઈ છે એમાં પારસીઓનું પ્રદાન અનન્ય છે. અમૃત કેશવ નાયક, માસ્ટર મોહન પારસી રંગભૂમિ દ્વારા આપણને મળ્યા. પારસી નાટકો ભલે ઉર્દૂ ભાષાની અસર હેઠળ ભજવાતાં, પણ ગુજરાતી પ્રેક્ષકોએ એને સહર્ષ વધાવી લીધાં હતાં. ૧૮૫૩થી ૧૮૬૭ સુધીમાં અનેક પારસી નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી. આ બધી મંડળીઓ ‘નાટક ક્લબો’ના નામે ઓળખાતી. એમાં મુખ્યત્વે હતી પારસી મંïડળી (૧૮૫૩), ઝોરાસ્ટિÿયન થિયેટ્રિકલ ક્લબ (૧૮૫૮), સ્ટુડન્ટ્સ ઍમેટર્સ ક્લબ (૧૮૫૮), જેન્ટલમેન ફારસી ક્લબ (૧૮૫૮), પારસીઓની ક્લબ-ગુજરાતી ગાયન મંડળી (૧૮૫૯), ઓરિજિનલ એલ્ફિન્સ્ટન ક્લબ (૧૮૬૧), જેન્ટલમેન ઍમેટર્સ ક્લબ (૧૮૬૨), પારસી એલ્ફિસ્ટિયન ડ્રામેટિક ક્લબ (૧૮૬૪), પારસી સ્ટેજપ્લેયર્સ (૧૮૬૫), પારસી મિન્સ્ટ્રલ્સ (૧૮૬૫).

ગુજરાતી નાટક મંડળી કઈ રીતે અસ્તિત્વમાં આવી એની એક રસપ્રદ કહાણી છે. પારસીઓ નાટક કરે તો ગુજરાતીઓ શું કામ ન કરી શકે? આવો વિચાર એક ગુજરાતી નામે નરોત્તમ મહેતાજીને આવ્યો. વિચાર તરત જ અમલમાં મૂકવા ચાર-પાંચ સાથીદારો ઊભા કર્યા. બધા ‘નાટક ઉત્તેજક મંડળી’ના એક ભાગીદાર ફરામજી દલાલ પાસે ગયા. મહેતાજીએ ફરામજીભાઈને કહ્યું, ‘સાહેબ, અમારે પણ એક ગુજરાતી નાટક મંડળી ચાલુ કરવી છે. એને માટે મૂડી ઊભી કરવા તમારા નાટકનો એક ખેલ (પ્રયોગ) અમાસના દિવસે કરવો છે (એ સમયે અમાસના દિવસે બજારો બંધ રહેતાં). તમારો એ ખેલ અમને ૩૦૦ રૂપિયામાં આપો.’

ફરામજીએ ૫૦૦ રૂપિયાની માગણી કરી. મહેતાજીએ હાથ જોડીને કહ્યું, ‘એ ન પરવડે. ૫૦૦ આપીએ તો અમારી પાસે બચે શું? હા, ભવિષ્યમાં કમાઈશું ત્યારે બાકીના ૨૦૦ રૂપિયા ચૂકવી દઈશું.’

પણ ફરામજી ટસના મસ ન થયા એટલું જ નહીં, મજાક અને ઉપાલંભથી કહ્યું, ‘જા જા વાણિયા, તું વેપલો કર. નાટક કરવાનું તારું કંઈ કામ નહીં.’

આટલું પૂરતું ન હોય એમ ધક્કો મારીને બહાર ધકેલી દીધા. નરોત્તમનું મગજ ફાટ્યું. તેણે ત્રાડ પાડીને કહ્યું, ‘અલ્યા પારસા, બહુ ફાટ્યો છે. તો જોઈ લેજે આ વાણિયાનું પાણી. એક દિવસ નાટક કરીને તારા બાર ન વગાડી દઉં તો મારું નામ નરોત્તમ મહેતાજી નહીં.’

આ સાંભળીને ફરામજી વધુ ભડક્યા. બોલ્યા, ‘અલ્યા વાણિયા, તું સ્ટેજ પર એક ઉંદરડી પણ ચલાવી શકશે નહીં.’

નરોત્તમે વળતો પ્રહાર કરતાં કહ્યું, ‘એક દિવસ અમે સ્ટેજ પર સિંહ ચલાવીશું ને તારી ઉંદરડીને કચડી નાખીશું.’

અને થોડાક જ સમયમાં મહેતાજી ગુજરાતી નાટક મંડળી સ્થાપવામાં સફળ થયા જે પાછળથી ‘મહેતાજી નાટક મંડળ’ નામે પ્રખ્યાત થઈ. એ પછી આર્ય સુબોધ નાટક મંડળી નગીનદાસ કિનારીવાળાએ ૧૮૭૮માં શરૂ કરી. પંડિત ગટુલાલજી ઘનશ્યામજીએ એ જ વર્ષમાં શ્રી નીતિદર્શક નાટક મંડળી, માણેકજી દાદાભાઈએ સુબોધ નાટક મંડળી શરૂ કરી.

એ પછી તો ૧૮૮૨માં ‘નવી આર્ય સુબોધ નાટક મંડળી’ સ્થપાઈ. કાઠિયાવાડમાં મૂળજી આશારામ, વાઘજી આશારામ વગેરેએ મોરબી અને વાંકાનેર નાટક મંડળી શરૂ કરી. વિદ્વાન ડાહ્યાભાઈ ધોળશાજીએ મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી. આજે પણ ડાહ્યાભાઈ ધોળશાજી અને દેશી નાટક સમાજનું નામ લોકો યાદ કરે છે. પછી તો ઘણી નાની-નાની મંડળીઓ શરૂ થઈ. એમાં મુખ્યત્વે આર્ય નૈતિક, શેત્રલ, લક્ષ્મીકાન્ત નાટક સમાજનો સમાવેશ થાય છે.

અને છેલ્લે...

૧૯૪૦થી ૧૯૫૫ સુધીમાં રંગભૂમિને અદ્યતન સ્વરૂપમાં જૂના છાયામાંથી બહાર લાવવામાં જયંતી દલાલ, ધનસુખલાલ મહેતા, ચં. ચી. મહેતા, ચુનીલાલ મડિયા, શિવકુમાર જોશી, પ્રાગજી ડોસા, વજુભાઈ ટાંક, નંદકુમાર પાઠક વગેરેએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો. આજે જેને આપણે નવી રંગભૂમિ તરીકે ઓળખીએ છીએ એને સંવારવામાં, પ્રસારવામાં લાભશંકર ઠાકરથી માંડીને ચિનુ મોદી, પ્રબોધ જોશીથી લઈને પ્રવીણ સોલંકી વચ્ચે અસંખ્ય નામોની યાદી બનાવી શકાય.

નવી રંગભૂમિનું પહેલું શતપ્રયોગી નાટક ‘રંગીલો રાજ્જા’ ગણાય છે. મધુકર રાંદેરિયા અને જયંતી પટેલ અભિનીત આ નાટકે પ્રથમ વાર લોકોને ટિકિટબારી સુધી પહોંચાડ્યા. માફ કરજો, કેટલાક રસપ્રદ પ્રસંગો લખવાનો આશય હોવા છતાં ઇતિહાસ તરફ વïળી ગયો. શું કરું? નાટકની વાત આવે ત્યારે કલમ કાબૂમાં નથી રહેતી.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2019 12:49 PM IST | | પ્રવીણ સોલંકી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK