Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઝિંદગીભર તો હુઇ ગુફ્તગૂ ગૈરોં સે મગર આજતક હમસે ના હમારી મુલાકાત હુઇ

ઝિંદગીભર તો હુઇ ગુફ્તગૂ ગૈરોં સે મગર આજતક હમસે ના હમારી મુલાકાત હુઇ

13 September, 2020 06:25 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

ઝિંદગીભર તો હુઇ ગુફ્તગૂ ગૈરોં સે મગર આજતક હમસે ના હમારી મુલાકાત હુઇ

પત્ની મનોરમા સાથે કવિ નીરજ

પત્ની મનોરમા સાથે કવિ નીરજ


There are no strangers in this world; they are only

friends whom we have not met before.                         



- William Butler Yeats Irish poet


આ જગતમાં કોઈ અજાણ્યું નથી, એ તો સૌ આપણા મિત્રો છે જેને આજ સુધી મળવાનો મોકો નથી મળ્યો. ક્વોટેશન એક જ વાક્યમાં ઘણું કહી જાય છે, કારણ કે એમાં જીવનનો તર્ક અને અનુભવનો અર્ક સમાયેલો હોય છે. આ ક્વોટેશન મને અત્યંત પ્રિય છે. એનુ એક કારણ એ છે કે આ વાતની પ્રતીતિ મને જીવનભર થતી રહી છે. ખાસ તો લૉકડાઉનના  આ સમયમાં જ્યારે સ્વજનો અને મિત્રો સાથેનો સંપર્ક કેવળ આભાસી સ્વરૂપે શક્ય છે, ત્યારે મોબાઇલ પરની પહેલી જ મુલાકાતમાં અમુક વ્યક્તિઓએ મને લાંબા સમયથી ચિરપરિચિત હોઈએ એવો અહેસાસ કરાવ્યો છે. ફોડ પાડીને કહું તો આ કૉલમ માટે અલભ્ય માહિતી આપીને જે-તે ગીતકારોના સ્વજનોએ આ કૉલમને લોકપ્રિય બનાવી છે એની આજે વાત કરવી છે...  

એ વાત કરું એ પહેલાં ગીતકારો માટેની આ સિરીઝ કયા સંજોગોમાં શરૂ થઈ એની વાત કરું. ફિલ્મોના ગીતકારો વિશે પ્રમાણમાં ઓછું લખાયું છે. એમાં પણ ખાસ કરીને હિન્દીભાષી કવિઓ વિશે આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ વિગતવાર લખ્યું છે. આ વાતનો વસવસો મને હતો. જોકે એ વિશે ક્યારે લખશે એની મને ખબર નહોતી. આમ પણ એક વ્યક્તિવિશેષ વખતે લખતી વખતે એના પછી કોણ એની મને પોતાને જ ખબર હોતી નથી. બન્યું એવું કે  લૉકડાઉન શરૂ થયું એ સમયે મહેન્દ્ર કપૂરના જીવન અને સંગીતની વાતોનો દોર ચાલતો હતો. વધુ માહિતી માટે તેમના પુત્ર રૂહાન સાથે વાત કરીને મુલાકાત કરવાની હતી. એ દરમ્યાન લૉકડાઉન શરૂ થયું એટલે એ શક્ય ન બન્યું. ત્યારે મનમાં વિચાર આવ્યો કે હિન્દીભાષી કવિઓ વિશે બહુ જાણકારી કોઈએ આપી નથી એ મહેણું ભાંગવાનો આ સારો મોકો છે. આમ આ સિરીઝ શરૂ થઈ. એ સમયે વાચકોનો રિસ્પૉન્સ કેવો આવશે એની ખબર નહોતી, પરંતુ જેમ-જેમ આ સિરીઝ આગળ વધતી ગઈ ત્યારે ઉમળકાના, પ્રસન્નતાના અને પ્રોત્સાહનના અનેક સંદેશા ફોન, ફેસબુક, ઈ-મેઈલ અને વૉટ્સઍપ પર મળ્યા. એનાથી પ્રતીત થયું કે આ શ્રેણી આગળ વધવી જોઈએ અને એટલે જ પંડિત ઇન્દ્ર, કેદાર શર્મા, પી. એલ. સંતોષી, કવિ પ્રદીપ અને નીરજના ‌‌‌ફિલ્મોના ગીતકાર તરીકેના યોગદાન વિશે આટલું વિગતવાર લખાયું, જેનું  મુખ્ય કારણ હતું એ દરેકના સ્વજનો તરફથી મળેલી રસપ્રદ માહિતી.


આ દરેક કવિઓના સ્વજનો સાથેની ફોન પરની પહેલી જ મુલાકાતમાં ઘરોબો બંધાયો  એટલે ફરી એક વાર આ ક્વોટેશનની સાર્થકતા અનુભવી. કવિ પ્રદીપનાં પુત્રી મિતુલબહેન સાથેની આત્મીયતા વિશે આ પહેલાં લખી ચૂક્યો છું. થોડા દિવસ પહેલાં આગરામાં રહેતા નીરજના પુત્ર શશાંક પ્રભાકર સાથે વાત થઈ. પહેલી જ મુલાકાતમાં તેઓ ભાવવિભોર થઈ ગયા અને પોતાના મહેમાન બનવાનું આમંત્રણ આપ્યું. હિન્દી ભાષાના પ્રખર કવિ અને ગીતકાર પંડિત નરેન્દ્ર શર્માના પુત્ર પરિતોષ મુંબઈમાં ખારમાં રહે છે. તેમની સાથે પણ ફોન પર પહેલી મુલાકાત થઈ જે દોઢ કલાક ચાલી હતી. એ જ રીતે મહેન્દ્ર કપૂરના પુત્ર રૂહાન સાથેની ફોન પરની પહેલી જ મુલાકાતમાં મિત્ર બની ગયા. 

આટલી ‘મન કી બાત’ પછી ફરી એક વાર ગીતકાર નીરજના જીવન-કવનની વાતોનું અનુસંધાન બાંધીએ. આગરાસ્થિત ગીતકાર નીરજના પુત્ર શશાંક પિતાને યાદ કરતાં કહે છે, ‘બાબાનું દરેક કામ વ્યવસ્થિત હતું. તેઓ એકદમ ચોકસાઈવાળા. અમે કાર્યક્ર્મ માટે બહારગામ જઈએ તો સામાનના એક-એક નંગ ગણી લે. પોતાની ચાવી અને ચશ્માંને પણ સામાનમાં એક નંગ તરીકે ગણાવી લે. ઊતરતી વખતે પ્લૅટફૉર્મ પર દરેક વસ્તુની ગણતરી કર્યા બાદ જ આગળ જવાનું.’

‘પ્રૅક્ટિકલ પણ એટલા જ. મને એક કિસ્સો યાદ આવે છે. અમે એક કાર્યક્ર્મ પતાવીને   ટ્રેનમાં અલીગઢ આવતા હતા. રાતની મુસાફરી હતી. જ્યારે અમે કાર્યક્ર્મ માટે નીકળ્યા ત્યારે તેમની તબિયત સારી નહોતી, પરંતુ આયોજકને નુકસાન ન થાય એટલે તેમણે પ્રવાસ કરવાનું નક્કી કર્યું. પાછા ફરતાં તેમની તબિયત વધુ બગડી. કમનસીબે અમારા બન્નેના કમ્પાર્ટમેન્ટ   જુદા હતા. ટ્રેન શરૂ થાય એ પહેલાં મેં તેમની સૂવાની વ્યવસ્થા કરી આપી. દવા આપી અને કહ્યું કે રાતના એક-બે વખત તમારી પાસે આવીને ખબર પુછી જઈશ. મને કહે, ‘ચિંતા ન કરતો અને હા, ભૂલેચૂકેય જો અડધી રાતે મારો જીવ જતો રહે તો કોઈને કહેતો નહીં. ટી.સી.ને ખબર પડશે તો અધવચ્ચે કોઈ સ્ટેશને ઉતારી મૂકશે અને ત્યાંથી અલીગઢ માટે ગાડી કરવી પડશે. એ ખર્ચો આપણને ન પોસાય. એના કરતાં સવારે સ્ટેશન આવે ત્યારે જાણ કરવાની.’ 

જે ગીતથી નીરજનું ફિલ્મી દુનિયામાં આગમન થયું એ ગીત હતું, ‘કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે...’ આ ગીતની પૃષ્ઠભૂમિ વિશે વાત કરતાં શશાંક કહે હે, ‘એક નજીકના પરિવારના લગ્નપ્રસંગે ફેરા ફરતી વખતે અકસ્માત્ આગ લાગી અને તેમના પુત્રનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. બાબાની નજર સામે આ બન્યું. સ્વજનો અને ખાસ કરીને કન્યાની પીડા જોઈને બાબા અત્યંત દુખી હતા અને એ વેદનામાંથી આ કવિતાનો જન્મ થયો. સંગીતપ્રેમીઓ ભલે આ ગીતના શબ્દોને બીજા અર્થમાં લે, પરંતુ એની પાછળની આ ઘટનાનો ભાગ્યે જ કોઈને ખ્યાલ છે.’ 

શશાંક પ્રભાકરની વાત સાંભળતાં મને અંગ્રેજ કવિ જૉન ડોનેની ખૂબ જાણીતી   પંક્તિઓ યાદ આવી ગઈ, ‘Any man’s death diminishes me, because I am involved in it.’ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે એની વિદાય સાથે આપણા શરીરમાંનો કોઈ અંશ જાણે મૃત્યુ પામે છે. અહીં તો એક સંવેદનાસભર કવિ હતા. તેમની કલમમાંથી વેદનાનાં ફૂલ આ રીતે જ પ્રકટ થાય... 

 ‘જન્મ મરણ

 સમય કી ગતિ કે 

 દો ચરણ

 કિસસે કહું

 સબકે સબ દુખ  

 ખુદ હી સહે

 હૈ અનજાની

 જીવન કી કહાની

 કિસને જાની...’

એટલા માટે જ નીરજ હમેશાં કહેતા Destiny has kept me intoxicated throughout my life. કવિ માટે આ અનોખા પ્રકારના નશાની જરૂર હોય છે. માનવજીવનની કરુણતા અને તેનો આનંદ શું છે એનો કવિને પરિચય હોય છે. સતી એ છે જે ઝેરને પચાવી શકે અને એ જ અમૃતનો ઓડકાર ખાઈ શકે.  

શશાંક પિતા નીરજના વ્યક્તિત્વનાં અનેક પાસાંની વાત કરતાં કહે છે, ‘તેમની મેમરી ખૂબ શાર્પ હતી. પોતાની દરેક કવિતાની પંક્તિઓ તેમને યાદ હતી, એટલું જ નહીં, દેશ-વિદેશના અનેક કવિઓની કવિતા તેમને યાદ હતી. લગભગ ૨૦૦ મોબાઇલ-નંબર તેમને યાદ હતા. કોઈ પણ નંબર બે વખત તેમને કહો તો તેમને યાદ રહી જાય.’

‘નાનપણમાં તેઓ ખૂબ તોફાની હતા. કોઈ જાતનો ડર નહોતો. એક દિવસ સાપ પકડીને ઘરે લઈ આવ્યા. એ ભૂખ્યો છે એમ કહીને તેને ભાત ખવડાવે. અટલ બિહારી વાજપેયીજી સાથે કાનપુર હૉસ્ટેલમાં હતા. ત્યાં બન્નેની મૈત્રી થઈ. અટલજી તેમના કરતાં ૯ દિવસ મોટા હતા. બાબાને ઍસ્ટ્રોલૉજી અને હોરોસ્કોપનો શોખ હતો. તેઓ કહેતા મારી અને અટલજીની કુંડળીમાં ઘણું સામ્ય છે. બન્નેની કવિતાની રજૂઆતની છટા આગવી હતી. બન્નેનું ફીમેલ-ફૉલોઇંગ વિશાળ હતું. બન્ને સારા વક્તા હતા. બન્નેમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની તાકાત હતી. બન્નેને પાછલી ઉંમરમાં પગની તકલીફ હતી. તેમની ભવિષ્યવાણી હતી કે મારા ગયા બાદ એક જ મહિનામાં વાજપેયીજી જશે અને બન્યું પણ એવું જ; બાબા ૧૮ જુલાઈ ૨૦૧૮માં ગયા અને અટલજી ૧૬ ઑગસ્ટ ૨૦૧૮ના દિવસે.’ 

‘કવિતા તેમને માટે એક પૂજા હતી. ફિલ્મોમાં ગીતો લખ્યા બાદ તેમની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ હતી. ત્યાર બાદ કવિ-સંમેલનમાં જતા ત્યારે લોકોની ફિલ્મી ગીતોની ફરમાઈશ થતી. ત્યારે તેઓ કહેતા, ‘એ ગીતો મેં  ફિલ્મોના કૅરૅક્ટર માટે લખ્યાં છે. એ આ ઑડિયન્સ માટે ગાવાનાં નથી. ફિલ્મી ગીતો જનતા માટે છે, જ્યારે કવિતા તમારા જેવા સમજુ અને શોખીન ઑડિયન્સ માટે છે.’                                                                               

શશાંક પોતે એક સારા કવિ છે. પિતા નીરજ સાથે અનેક કવિ-સંમેલનમાં ભાગ લીધો છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘તેમની સાથે કવિ-સંમેલનમાં જાઉં તો તેમનો આગ્રહ  હોય કે મને પણ પુરસ્કાર મળવો જોઈએ. પૈસાની બાબતમાં તેમનો વ્યવહાર એકદમ ચોખ્ખો  હતો.’

‘જાતપાત, જ્ઞાતિપ્રથા, ખોટા રીતરિવાજ એ દરેક સામે તેમને અણગમો હતો.તેઓ માનતા કે આપણે સૌ ભારતીય છીએ. અમને ભાઈ-બહેનોને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમણે પોતાનું નામ (ગોપાલદાસ સક્સેના) અને અટક ન લખાવતાં મને શશાંક પ્રભાકર અને મોટા ભાઈને મૃગાંક પ્રભાકરના નામે દાખલ કરાવ્યા. અમે એ પ્રથા આગળ વધારી છે. મારાં સંતાનોનાં નામ પાછળ મેં મારું નહીં; બાબાનું ઉપનામ ‘નીરજ’ લખાવ્યું છે, જેમ કે વિદુષી નીરજ અને અશ્મિ નીરજ.’

પુત્રની વાતો સાંભળતાં એમ લાગે કે નીરજ સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ હતા. કવિતાકર્મ એ તેમનો ધર્મ હતો. સેક્યુલરિઝમ સાચી વ્યાખ્યા તેમની આ પંક્તિઓમાં સાફ દેખાઈ આવે છે...              

‘અબ તો મઝહબ કોઈ ઐસા ભી બનાયા જાયે

જિસ મેં ઇન્સાન કો ઇન્સાન બનાયા જાયે

 મેરે દુખ-દર્દ કા તુઝ પર હો અસર કુછ ઐસા

મૈં રહૂં ભૂખા તો તુઝ સે ભી ખાયા ન જાયે...’

કવિ તરીકેની પોતાની બેસુમાર લોકપ્રિયતાનું કારણ શું હતું એનો જવાબ આપતાં  નીરજ કહે છે, ‘કરુણા મેરે ગીત કા મૂલ તત્ત્વ હૈ. અબ કરુણા સે ક્યા મતલબ હૈ? કરુણા મનુષ્ય કા સબસે બડા દૈવી ગુણ હૈ. પ્રેમ દૈવી ગુણ નહીં હૈ. ક્યોં કિ પ્રેમ મેં ક્યા હોતા હૈ કી મૈં આપસે પ્રેમ કરતાં હૂં તો કામના ઐસી હોતી હૈ કી આપ ભી મુઝ સે પ્રેમ કરે. હૈ ના? લેકિન કરુણા આપ જિસ પર કરતે હૈં ઉસસે કભી આપ અપેક્ષા હી નહીં કરતે.’ 

નીરજની કવિતામાં સતત ડોકાયા કરતી આ પ્રેમસભર કરુણાને કારણે જ સ્ત્રીઓમાં તેમની વિશેષ લોકપ્રિયતા હશે એમ માની શકાય. લખનઉની ગર્લ્સ હૉસ્ટેલમાં જ્યાં પુરુષોના પ્રવેશ પર પાબંદી રહેતી ત્યાં યુવાન છોકરીઓ ચોરીછૂપી તેમને બોલાવતી અને રાતભર તેમનાં ગીતોની ધોધમાર વર્ષાનો આનંદ માણતી. મૃત્યુ વિશેની તેમની આ કવિતાનું જ્યારે તેઓ પોતાના આગવા અંદાજમાં પઠન કરતા ત્યારે એ સાંભળીને ઑડિયન્સમાં બેઠેલી હજારો મહિલાઓ ચોધાર આંસુએ રડતી... 

‘કલ તક તો મૈંને ગીત મિલન કે ગાયે થે

પર આજ વિદા કા અંતિમ ગીત ગાઉંગા

 કબ તક આંસુ સે મોલ દિયા જગ જીવન કા

 અબ આજ લહુ સે બાકી કર્ઝ ચુકાઉંગા

એક ઇન્ટરવ્યુમાં નીરજ નિખાલસતાથી એકરાર કરતાં કહે છે, ‘મારી કવિતાઓનો પ્રેરણાસ્રોત સ્ત્રીઓ છે. તેમના આકર્ષણનો હું ઇનકાર નથી કરતો. જો આટલો સમય મેં તેમના સાંનિધ્યમાં ન ગાળ્યો હોત તો કદાચ કવિતાનાં બીજાં ૫૦ પુસ્તકો લખાયાં હોત. હું ઇટાવામાં ભણતો હતો ત્યારે એક પૈસાદારની દીકરીના પ્રેમમાં પડ્યો હતો. તેની આન્ટીએ મારો સખત વિરોધ કર્યો, કારણ કે હું સાવ ગરીબ હતો. વર્ષો પછી જ્યારે હું તેને મળ્યો ત્યારે તેની દશા જોઈને હું બહુ દુખી થયો. ફાટેલી સાડી, તેની ગરીબી અને  માંદા પતિને જોઈને મેં તેને ૨૦૦ રૂપિયા આપ્યા અને કહ્યું કે  જ્યારે પણ  પૈસાની જરૂર હોય ત્યારે મને કહેજે. જોકે ત્યાર બાદ મારા પર કદી તેનો ફોન નથી આવ્યો. ભોપાલમાં એક સ્ત્રી છે જે મને એકતરફા પ્રેમ કરે છે. આજ સુધી પરણી નથી. કોઈ વાર મારી સાથે ફોન પર વાત કરે અને ક્યારેક મને મળવા આવી જાય છે.’

ઑસ્કર વાઇલ્ડ સરસ વાત કહે છે, ‘પુરુષના સુખનો આધાર પોતે જેને પરણ્યો નથી એવી સ્ત્રી પર જ હોય છે.’ દૂર રહીને પણ કોઈનું જતન કરી શકે એવી નામ વિનાની અનેક નદીઓ વહેતી હોય છે; જેની નિયતિમાં સાગરમાં નહીં, પોતાનામાં જ લુપ્ત થવાનું લખાયું  હોય છે. આમ પણ સંબંધનું કોઈ શાસ્ત્ર નથી હોતું. સંબંધના સરોવરમાં નામ વિનાની અનેક નૌકાઓ તમને ડૂબવા નથી દેતી. અફસોસ એટલો જ રહે છે કે એ નૌકામાં બેસીને તમે સ્વૈરવિહાર નથી કરી શકતા.       

જીવનભર નીરજ પોતાની શરતોએ મસ્તફકીરની જેમ જીવ્યા. તેમના અંગત જીવન વિશે સાચી-ખોટી અનેક અફવાઓ આવી. તેમણે કદી એ વિશે નથી સફાઈ આપી કે નથી ખંડન કર્યું. કલાકારની કૃતિઓ સાથેનો સંબંધ એ જ રસિક જનોનું સાચું કર્તવ્ય છે. ન્યાયાધીશ બનીને કલાકારની નિજી જિંદગીમાં ડોકિયું કરવાનો આપણને નથી કોઈ હક કે અધિકાર. એક વાત યાદ રાખવા જેવી છે કે મહાકવિ કાલિદાસની અપ્રતિમ કૃતિ ‘શાકુંતલ’ માણતી વખતે કવિના અંગત જીવનને યાદ કરવું એ ડહાપણનું કામ નથી.

 ૨૦૦૮માં પત્ની મનોરમાના અવસાન બાદ નીરજે એકલા જ અલીગઢના ઘરમાં રહેવાનો નિર્ણય કર્યો. સમયસર ઊઠવું, છાપાં વાંચવાં, મુલાકાતીઓ અને પ્રશંસકોને મળવું અને મિત્રો સાથે પાનાં રમવાં એ તેમનો નિત્યક્રમ હતો. વર્ષોજૂનો વફાદાર નેપાલી નોકર સિંગ તેમનું પૂરતું ધ્યાન રાખતો. પોતાની મરજીથી ગોઠવેલી આ વ્યવસ્થા હોવા છતાં એકાંત અને એકલતા વચ્ચેનો ભેદ શું છે એની અનુભૂતિ નીરજને થતી જ હશે. એના વિના આ પંક્તિઓ લખવી શક્ય નથી...     

ઝિંદગીભર તો હુઇ ગુફ્તગૂ ગૈરોં સે મગર

આજતક ના હમસે હમારી મુલાકાત હુઈ

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 06:25 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK