કૉલમઃવૃદ્ધતા સાથે વધુ સમૃદ્ધ બને છે ભાઈ-બહેનનો નાતો

વડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય | Apr 10, 2019, 10:17 IST

દુનિયા આજે નૅશનલ સિબલિંગ ડે મનાવી રહી છે ત્યારે પાકટવયે ભાંડરડાંનું જીવનમાં શું મહત્વ છે એ કેટલાક વડીલો પાસેથી જ જાણીએ

કૉલમઃવૃદ્ધતા સાથે વધુ સમૃદ્ધ બને છે ભાઈ-બહેનનો નાતો
દિનેશભાઈ શાહ અને તેમના ભાઈ બહેન

આપણે ત્યાં એવું મનાય છે કે એક છોકરું છોકરામાં ના કહેવાય. મતલબ સંતાન એક નહીં, બે હોવાં જોઈએ. ભાઈ, બહેન અને મા તથા બાપ હોય ત્યારે ફૅમિલી સંપૂર્ણ બને છે. જોકે હવે સમય બદલાયો છે. આજના સમયમાં એક સંતાનને ભણાવીગણાવી મોટું કરવાનું પેરન્ટ્સ માટે અઘરું થઈ ગયું છે ત્યાં બે સંતાન માટે બહુ ઓછા લોકો વિચારે છે. નવી પેઢી એક જ સંતાન અને તેનાથી પણ આગળ વધીને ડબલ ઇન્ક્મ નો કિડ્સ (ડિન્ક)માં માને છે ત્યારે હવે ભારતમાં પણ સિબલિંગનું પ્રમાણ ઘટતું જશે એ નક્કી છે.

જૂના સમયમાં તમે જોશો તો ભાઈબહેન બે નહીં, બેથી વધારે જ હોય અને કેટલાકને તો ૯થી ૧૦ ભાઈબહેન પણ હોય. આ બધાં હળીમળીને મોટાં થાય અને સરસ જિંદગી જીવે. ભાંડરડાં એકબીજાના સારા મિત્રો હોય છે. તેઓ લડે-ઝઘડે, પણ તેમનામાંથી કોઈ એકને જો કોઈ નડ્યું તો બધા તેની સાથે ઢાલ થઈને ઊભાં રહે. નાનાં હોઈએ ત્યારે ભાઈબહેનો વચ્ચે બહુ મજાના સંબંધ હોય, પછી બધાં પોતપોતાની જિંદગીમાં પરોવાઈ જાય ત્યારે આ રિલેશન થોડો ઓછો થયો હોય એવું લાગે, પણ ફરી પાછા રિટાયર્ડ લાઇફમાં ભાઈઓ-બહેનો વધુ નજીક આવે છે. આ એ સમય છે કે કેટલાકનો વિરહ પણ આવી જાય.

આજે નૅશનલ સિબલિંગ ડે છે. દુનિયાના લોકો આ દિવસ ભાઈ અને બહેન એકબીજા પ્રત્યેના પ્રેમ અને લાગણીઓને દર્શાવવા અને ભાઈબહેન કે બહેનો કે ભાઈઓ હોવા માટે એકબીજાનો આભાર વ્યક્ત કરવા માટેનો છે. ભારતના લોકોને આ સંબંધની મહત્તા છે જ. આપણે ત્યાં થોડો મળતો આવો દિવસ રક્ષાબંધન છે. મોટી ઉંમરે ભાઈ-બહેનની જોડી કેવી જાજરમાન બનતી હોય છે એ વિશે કેટલાક વડિલો સાથે વાત કરીએ.

નવ ભાઈ-બહેનમાંથી ચાર હવે હયાત નથી પણ પ્રેમ અકબંધ છે : દિનેશભાઈ શાહ

જયંતીભાઈ, હું દિનેશ, અરવિંદભાઈ, શાંતિભાઈ અને લક્ષ્મીબહેન, મણિબહેન, જયવંતીબહેન, રંજનબહેન અને ભારતીબહેન; અમે ચાર ભાઈ અને પાંચ બહેન મળીને ૯ ભાઈબહેન છીએ. એમાં એક ભાઈ અને ત્રણ બહેન ઓરમાન છે, પણ ઓરમાયા જેવું અમારા પરિવારમાં કશું જ નથી. આ નવે સભ્યોનો પરિવાર આજેય હળીમળીને રહે છે. મારા મોટા ભાઈ જયંતીભાઈ, લક્ષ્મી, મણિ અને જયવંતીબહેન આ ચાર હયાત નથી. આજે કુટુંબમાં બધા મારા નર્ણિયને માન આપીને ચાલે છે, હું ઘરમાં બધાને સરખી દૃષ્ટિથી જોઉં છું. એમાં પરિવારમાં કોઈનું પણ કામ હોય, બધા પોતાનું કામ સમજીને કરે છે એવું બૉન્ડિંગ ભાઈઓ બહેનોમાં આજે પણ છે. હું બાબુલનાથ રહું છું. એક ભાઈ વાલ્કેશ્વર અને એક મુલુન્ડ રહે છે. બહેનોમાં એક કાંદિવલી અને એક ચેમ્બુર એમ ટૂંકમાં બધાં મુંબઈમાં જ છે. અમે બે ભાઈ સાથે ધંધો કરીએ છીએ. અમારી કરિયાણાની દુકાન છે, જે મારા ઘરની પાસે જ છે. અમે બન્ને ભાઈ રોજ બપોરનું ભોજન ઘરે સાથે જ લઈએ છીએ.

અમે નાના હતા ત્યારે બાબુલનાથમાં બે રૂમમાં સાથે રહેતાં હતાં. તે સમયે અમારી મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં હતાં તેથી અમે ૫ ભાઈબહેન જ સાથે હતાં. અમે બધાં સાથે સ્કૂલમાં જતાં અને સ્કૂલ છૂટે પછી બધાં સાથે ચોપાટી પર જતાં. અમારો માણસ અમને રોજ ચોપાટી લઈ જતો હતો. ત્યાં અમે ચોપાટીની રેતી પર આળોટીએ અને કંઈકેટલીયે મસ્તી કરતા. એકબીજા પર રેતી નાખીએ અને મારામારી પણ એટલી જ કરતાં. કેટલીક વાર તો બહુ ઝઘડ્યા હોઈએ, પણ એક કલાકમાં પાછાં બધાં ભેગાં! મારા પિતાની કરિયાણાની દુકાન હતી. દુકાનનો એક માણસ રિસેસમાં અમને દૂધ અને નાસ્તો આપવા આવતો એ જેની રિસેસ હોય તે સાથે નાસ્તો કરે. આજે અમે ભાઈબહેન એકબીજાનાં સુખ અને દુ:ખમાં એકબીજાની પડખે રહીએ છીએ.

બચપણમાં બ્લુ શૂઝ માટે એવાં ઝઘડ્યાં કે કોઈ જમ્યું નહીં : મંજુલાબહેન કૂવાવાળા

અમે પાંચ ભાઈ-બહેન છીએ. હું મુંબઈમાં, પુષ્પાબહેન અમેરિકા રહે છે, ધર્મેશભાઈ અને કિશોરભાઈ ચીખલીમાં અને અનિલભાઈ ફિજીમાં રહે છે. મારા ભાઈઓ ચીખલીમાં રહે છે, પણ રક્ષાબંધન જ નહીં, દરેક તહેવારમાં આઠ દિવસ પહેલાં મને તેમનું આમંત્રણ આવી જ જાય અને હું બે દિવસ માટે ત્યાં જાઉં જ. મારાં માબાપ હયાત નથી, પણ ભાઈઓ મારી મમ્મી જે રીતે તહેવાર ઊજવતી હતી એ જ પારંપરિક રીતે તહેવાર ઊજવે અને મમ્મી જે ખાવાનું બનાવતી હતી એ પ્રકારે તેઓ પણ બનાવે છે. કેરીની સીઝન આવે ત્યારે પણ મને ખાસ બોલાવે. મારા ભાઈઓ-બહેનો સાથે અમારે રોજ એક વાર તો વાત થાય જ. અમે સાથે મળીએ ત્યારે રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી વાતો કરીએ. અમે આજેય એ વાતે ઝઘડીએ કે હું રહું કોના ઘરે! બધાને પોતાના ઘરે રાખવી હોય.

બચપણમાં અમે એકબીજાના મિત્રો બાબતે, એકબીજાની વસ્તુઓ અને અક્ષરો બાબતે પણ ઝઘડતાં હતાં. અમે ૧૩-૧૪ વર્ષનાં હતાં ત્યારનો એક પ્રસંગ કહું. મારા પપ્પા રમણલાલ કાપડિયા, જે મુંબઈ રહેતા હતા ને અમે ચીખલીમાં હતાં. તે અમારા બધાં માટે રેઇની શૂઝ લાવ્યા હતા. બધાના કલર અલગ હતા, પણ એક બ્લુ શૂઝ હતા એને લઈને ભાઈબહેનમાં બહુ ઝઘડો થયો. અમે એટલું બધું ઝઘડ્યાં, એટલું બધું રડ્યાં કે કોઈ જમ્યું પણ નહીં. બ્લુ જ શૂઝ બધાને જોઈતા હતા. સવારે પછી મારા પપ્પા બધા માટે ગરમ ગરમ જલેબી-પાપડી લાવ્યા અને અમને સમજાવ્યાં કે આમ ઝઘડવાનું નહીં, બધાં સમજીને રહો, બ્લુ જોઈતા હશે એના માટે બીજા લઈ આવીશ!

અમે ઝઘડતા બહુ, પણ કોઈ ત્રીજા સામે એકબીજાનો પક્ષ લેતાં. અમે રમતાં પણ સાથે જ હતાં. ભાઈને તકલીફ આવે ત્યારે બહેન તેની સાથે ના ઊભી રહે તો બહેન કેમ કહેવાય? ગયા વર્ષે અનિલભાઈ ફિજીથી આવ્યા હતા. મુંબઈમાં તેમને હર્નિયાનું ઑપરેશન કરાવ્યું ત્યારે બે દિવસ હૉસ્પિટલમાં રાખ્યા હતા. આમ તો પુરુષ સાથે હૉસ્પિટલમાં પુરુષ જ રહે, પણ મારો જીવ ના માન્યો અને બે દિવસ હું જ હૉસ્પિટલમાં રહી. હું બધાંમાં મોટી છું. મારી બહેન અને મારા વચ્ચે ૮ વર્ષનો ગાળો છે. હું તેને બહુ સાચવતી. મારાં ભાઈબહેનોને સારું ભણતર મળે એટલા માટે થઈને મેં ભણવાનું છોડી દીધું અને પિતાને કામમાં મદદ કરવા લાગી. આજે મારા ભાઈઓ દરેક નર્ણિય મને પૂછીને જ લે છે.

સિબલિંગ હોવાં કેમ જરૂરી છે?

ગ્લોબલ વીમેન્સ અચીવર્સ અવૉર્ડ ૨૦૧૮ મેળવનારાં દૃઢપણે માને છે કે સિબલિંગ હોવાં જ જોઈએ. એનું કારણ આપતાં તેઓ કહે છે, ‘સિબલિંગના કારણે તમે બચપણથી જ શૅરિંગ શીખી શકો છો. તમારે ભાઈબહેન હોય તો તમારામાં જવાબદારી લેવી, ભરોસાપાત્ર બનો, કાળજી, પ્રેમ, ભ્રાતૃભાવ વગેરે જેવા ગુણો વિકસે છે. એક સંતાન હોય તો એ સ્વકેન્દ્રી થઈ જાય છે. ઘરમાં તેને માતાપિતાનું બધું ધ્યાન મળે, પણ તે બહારની દુનિયામાં જાય ત્યાં એવું નથી હોતું ત્યારે પોતાને અટેન્શન નહી મળવાથી હતાશ થઇ જાય છે. માણસે દુનિયાદારી શીખવી પડે અને આ ગુણ તેને ઘરમાંથી મળી રહે છે. ભાઈબહેનો હોય એ લોકો પોતાને બહુ સિક્યૉર ફીલ કરે છે. એકલા સંતાનો ઘણી વાર માતા-પિતાની લાગણીઓનો ગેરફાયદો લેતાં હોય છે.’

આ પણ વાંચોઃ ખાને મેં ક્યા હૈ?

સિબલિંગ તમને માનસિક રીતે કેટલા સ્વસ્થ રાખે છે એની વાત કરતાં ડૉ. મિથિલા કહે છે, ‘ભાઈ અને બહેન બચપણમાં બહુ સારાં દોસ્ત હોય છે તેથી તેમને બહારના કોઈ ફ્રેન્ડ ના મળે તો પણ ચાલી જાય છે. ભાઈબહેન સાથે મોટાં થયાં હોય એ લોકો માનસિક રીતે સંતુલિત હોય છે. માબાપ જિંદગી આખી નથી હોતાં. એ જાય ત્યારે આ લોહીના સંબંધ જ બહુ મોટી સર્પોટ સિસ્ટમ હોય છે. મોટો ભાઈ કે મોટી બહેન હોય એ પેરન્ટ જેવી જ ભૂમિકા અદા કરે છે. તેથી મારું માનવું છે કે સિબલિંગ હોવાં જ જોઈએ.’

એક આનાની ભેળ અમે ૩ ભાઈબહેન સાથે મળીને ખાતાં : યશવંતભાઈ વાઘેલા

સૌથી મોટાં મધુકાન્તા બહેન, વિનોદભાઈ અને હું. હાલ હું ચારકોપમાં રહું છું, ભાઈ ગોરાઈ રહે છે ને બહેન કાંદિવલીમાં, પણ પહેલાં અમે કુંભારવાડા, ગોળદેવળ રહેતાં હતાં. નાનાં હતાં ત્યારથી અમે હળીમળીને રહેતાં હતાં. અમે બહુ ગરીબ હતાં. મારા પપ્પા મશીન પર એમ્બ્રોઇડરીનું કામ કરતા હતા અને મમ્મી ખાખરા બનાવીને વેચતી એમ અમારું ઘર ચાલતું હતું. ઘરમાં વસ્તુઓ કેવી રીતે આવે છે એની અમને બચપણથી જ ખબર હતી એટલે અમે ઝઘડતાં નહી. બહુ સંપીને રહેતાં હતાં. મારી મમ્મી સવારે પાંચ વાગ્યે પાણી આવે એ પહેલાં ચાર વાગ્યે ઊઠીને ખાખરાનો લોટ બાંધતી અને ખાખરા વણતી, અમે મારાં પપ્પા-મમ્મીને કામમાં મદદ કરતાં. મારી મોટી બહેન અમને સંભાળીને સ્કૂલમાં અને જ્યાં પણ જતાં ત્યાં લઈ જતી. તે અમારું બહુ રાખતી. અમે પણ બહેનને સારું રાખતાં. બે ભાઈ વચ્ચે અમારે એક જ બહેન છે. કોઈ પણ વસ્તુ અમે લઈએ તો ત્રણે વહેંચીને ખાતાં. એક આનાની ભેળ લીધી હોય તો અમે ઝઘડતાં નહીં, ત્રણે વહેંચીને ખાતાં.

આ પણ વાંચોઃ 60 થયાં એટલે શું ભજનો જ ગાવાનાં?

મારા બનેવી હયાત નથી. તેઓ ગુજરી ગયા ત્યારે અમે બહેનની પડખે રહ્યા. રોજ તેના ઘરે જતા. તેનું ચીંધેલુ બધું કામ કરતા. તે સમયે મારાં બા હયાત હતાં. આજે પણ બહેન સાથે દર ચાર દિવસે વાત કરી લઈએ છીએ. ભાઈ સાથે તો લગભગ રોજ વાત થાય છે. બહેન રોજ મંદિરમાં અને ભજનમાં ગયાં હોય એટલે અમે રોજ ડિસ્ટર્બ નથી કરતા. મારો ભાઈ ગોરાઈમાં રહે છે. અમે એકબીજાનાં સુખ અને દુ:ખમાં સાથે ઊભા રહીએ છીએ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK