Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 60 થયાં એટલે શું ભજનો જ ગાવાનાં?

60 થયાં એટલે શું ભજનો જ ગાવાનાં?

16 January, 2019 11:34 AM IST |
Pallavi Acharya

60 થયાં એટલે શું ભજનો જ ગાવાનાં?

પ્રતીકાત્મકતસવીર

પ્રતીકાત્મકતસવીર


વડીલ વિશ્વ

ચાંદ આહેં ભરેગા ફૂલ દિલ થામ લેંગે, હુસ્ન કી બાત ચાલી તો સબ તેરા નામ લેંગે... સાંતાક્રુઝમાં રહેતી ભૈરવીના સસરાજી સવારે વૉક પરથી આવ્યા પછી આમ રોજ સવારે ફિલ્મોનાં ગીતો ગણગણે છે. અફકોર્સ મોટા ભાગે એ જૂની ફિલ્મોનાં ગીતો હોય છે, પણ કોઈ વાર તેઓ નવી ફિલ્મોનાં રૅપ સૉન્ગ્સ પણ સાંભળે અને ટીવી પર જુએ પણ છે.



કાંદિવલીમાં રહેતી શીતલના સસરા એકાદ મહિનાથી તેના ઘરે રહેવા આવ્યા હતા. મોટા ભાગે તેઓ સુરત જેઠના ઘરે રહે છે. શીતલને બાળકો નથી. પતિ ઑફિસ જાય પછી દાદાજીને એકલું ન લાગે એટલે શીતલને થયું કે લાવ ભજનોની કૅસેટ પ્લે કરું તો દાદાજીને સાંભળવી ગમશે અને તેમનો થોડો સમય પાસ થશે. પંદર-વીસ મિનિટ થઈ ત્યાં જ દાદાજી કહે, બેટા આને બંધ કરો. એના કરતાં જૂની ફિલ્મોનાં ગીતો હોય તો વગાડો. મજા આવશે! શીતલને આ સાંભળી બહુ નવાઈ લાગી.


ભારતીય સમાજે જાણે-અજાણે સિનિયર સિટિઝનો માટે કેટલીક મર્યાદાઓ બાંધી લીધી છે કે તેમણે આ કરાય અને આ ન કરાય. તાળીઓ પાડીને માત્ર ભજનો જ ગાવાં ને સાંભળવાં, કથાઓ સાંભળવી, ધર્મગુરુજીઓનાં પ્રવચનો સાંભળવા જવું અને પ્રભુભક્તિમાં વધુ રસ રાખવો. ફિલ્મી ગીતો ગાવાં-સાંભળવાં, ફિલ્મો જોવી, ફૅશન કરવી અને બાકી બધી દુન્યવી ચીજોમાં વધુ રસ ન રાખવો...

વાસ્તવમાં વડીલોને પોતાની ગમતી ચીજો કરવાનો ઈવન પોતાની ભાવનાઓને બહેલાવવાનો પણ હવે જ ટાઇમ મળ્યો છે. જિંદગીની જદ્દોજહદમાં ૬૦ વર્ષ ક્યાં નીકળી ગયાં એની ખબર જ ન રહી. આમ પોતાને મળેલા આ માત્ર પોતાના સમયમાં તેમને ગમતું કરવું છે, નહીં કે સમાજને ગમતું. સમાજે થોપી દીધું છે કે તેમણે હવે ભજનો ગાવાં. બાકી તેમને તો ફિલ્મનાં ગીતો જ ગાવાં છે ને સાંભળવાં છે. આ બાબતે કેટલાક વડીલોને મળીએ, જુઓ તેઓ શું કહે છે.


ખેતવાડીમાં રહેતા ૭૨ વર્ષના જયંતી હરસોરાને તો ફિલ્મી ગીતો પર ડાન્સ કરવાનું મન થઈ જાય છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘સિનિયર સિટિઝનો માટે અમારું ગ્રુપ અલગ- અલગ સિંગરોના કાર્યક્રમ રાખે છે. રાજેન્દ્ર ઝવેરીના કાર્યક્રમમાં તેઓ જ્યારે લેજન્ડરી ગાયક મુકેશનાં ગીતો ગાય છે ત્યારે એના પર તો મને નાચવાનું મન થઈ જાય છે.’

જયંતીભાઈની અગાઉ એન્જિનિયરિંગ પાટ્ર્સ બનાવવાની વર્કશૉપ શિવડીમાં હતી, પણ એ કોઈ સંભાળે એવું નહોતું એથી બંધ કરી દીધી. પોતાની અનુકૂળતા મુજબ તેઓ હવે થોડુંઘણું ટેબલ વર્ક કરે છે. આમ તેઓ સાવ રિટાયર્ડ નથી, સેમીરિટાયર્ડ છે. જયંતીભાઈને જૂની હિન્દી ફિલ્મોનાં ગીતો બહુ ગમે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ભજનો સાંભળવાં ગમે, પણ વધુ નહીં. કંટાળો આવે. એના કરતાં મને મુકેશ અને કિશોરકુમારનાં ગીતો બહુ ગમે. મને સારું ગાતાં નથી આવડતું, પણ મૂડ આવી જાય ત્યારે આ ગીતો ગણગણવાં મને બહુ ગમે છે. સિનિયર સિટિઝનોના કાર્યક્રમમાં અમે ફિલ્મી ગીતો વધુ એન્જૉય કરીએ છીએ.’

વિલે પાર્લેમાં રહેતા ૭૩ વર્ષના હરીશ પારેખ સિનિયર સિટિઝનો માટેના ગ્રુપ સમન્વયના મેમ્બર છે. જૂની હિન્દી ફિલ્મોનાં ગીતો તેમને બહુ ગમે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘સાચું કહું તો મને ભજનોમાં ઓછો રસ છે. મને ફિલ્મોનાં ગીતો બહુ ગમે છે અને એમાંય મુકેશના કંઠે ગવાયેલાં ગીતો વધારે ગમે છે.’

હરીશભાઈને ગીતો સાંભળવાં બહુ ગમે છે, પણ સિનિયર સિટિઝનોના ગ્રુપમાં કૉમ્પિટિશનો થાય એમાં થોડું ગાઈ પણ લે છે. ફિલ્મનાં ગીતોનો પોતાની અત્યારની જિંદગીમાં કેવો મહત્વનો રોલ છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘મારી વાઇફને ગુજરી ગયે પાંચ વર્ષ થઈ ગયાં. એ પછી મારા જીવનમાં મારાં સગાંસંબંધીઓની પણ આવ-જા ઓછી થઈ ગઈ છે. મારું પ્લાસ્ટિકનું કામ હતું એમાંથી પણ રિટાયર થઈ ગયો. જિંદગીમાં મારી આ એકલતાને ફિલ્મનાં ગીતોએ ભરી છે એમ કહી શકાય અને તેથી મને ફિલ્મનાં ગીતો સાંભળવાં ને ગણગણવાં ગમે છે.’

અંધેરી (ઈસ્ટ)માં રહેતા નરેન્દ્ર શાહને તો સોથી પણ વધુ હિન્દી ફિલ્મોનાં ગીતો મોઢે છે. લેજન્ડરી ગાયકો મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, તલત મહમૂદ, કિશોરકુમારનાં ગીતો તેમને ગમે છે. ફિલ્મી ગીતોના શોખીન નરેન્દ્રભાઈને ભજનો બહુ ગમતાં નથી એની વાત કરતાં તેઓ કહે છે, ‘સામાન્ય ભજનો ગાવાની કે સાંભળવાની બહુ મજા ન આવે તેથી મને એ નથી ગમતાં. હા, ફિલ્મોમાં હોય એ ભજનો મને ગમે, બાકી ભજનો સાંભળવાં કે ગાવાં મને નથી ગમતાં.’

૬૯ વર્ષના નરેન્દ્રભાઈએ પોતાનું ઇન્શ્યૉરન્સનું કામ ઓછું કરી દીધું છે. એ રીતે તેઓ સેમીરિટાયર્ડ કહી શકાય. રફી, મુકેશ અને મન્ના ડે મારા ફેવરિટ સિંગરો છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘મને ગાવાનો શોખ છે અને સિનિયર સિટિઝનોની સિન્ગંગ કૉમ્પિટિશનમાં હું ગાઉં છું. ફિલ્મોનાં ગીતો મને ગાવાં અને જોવાં પણ ગમે છે. બાકી ભજનો ગાવાનું કે સાંભળવાનું પણ બહુ નથી ગમતું.’

વડીલોને ફિલ્મનાં ગીતો કેમ ગમે છે?

વડીલોને ભજનો ગાવાં કે સાંભળવાં નથી ગમતાં અને ફિલ્મનાં ગીતો ગાવાં અને સાંભળવાં કેમ વધુ ગમે છે એનું કારણ જણાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘આ માટેનાં બે કારણો છે. એક છે તેમને જીવનના અંત સુધી પોતાનું જેટલું પણ જીવન બચ્યું છે એને એન્જૉય કરી લેવું છે. અત્યાર સુધીનું જીવન તો જવાબદારીઓ વેંઢારવામાં જતું રહ્યું, પોતે લાઇફને જે રીતે એન્જૉય કરવી હતી એ ન કરી શક્યા અને હવે ભજનો માથે થોપાય એ કેમ ચાલે? બીજું એક કારણ એ છે કે ભજનો એટલે એમાં માત્ર ભગવાનની પ્રાર્થના અને માત્ર ભગવાનની પ્રશંસા હોય છે. આખો દિવસ આમ ભગવાનની પણ પ્રશંસા કરવાનું કોઈને ન ગમે. એની સામે ફિલ્મનાં ગીતોમાં માનવીય મનની ભાવનાત્મકતાનું નિરૂપણ હોય છે. ગીતોમાં તેમને પોતાની અત્યાર સુધી ધરબાયેલી આંતરિક ભાવનાઓ રિફ્લેક્ટ થતી લાગે છે, જે તેમને અદ્ભુત આનંદ આપે છે. ફિલ્મનાં ગીતો સાંભળીને દાદા-દાદીને એટલા માટે સારું લાગે છે કે તેમને એમાં પોતાની આંતરિક ભાવનાઓ પ્રતિબિંબિત થતી લાગે છે.’

તો યુવાનો, દાદા-દાદીના આ માનસને સમજીને તેમને ભજનોનો નહીં, તેમને ગમતાં હિન્દી ફિલ્મોનાં ગીતોનો સંગ્રહ ગિફ્ટ કરશો તો તમારી ગિફ્ટ લેખે લાગશે.

ભજનો સાંભળવાં ગમે, પણ વધુ નહીં. કંટાળો આવે. એના કરતાં મને મુકેશ અને કિશોર કુમારનાં ગીતો બહુ ગમે. મને સારું ગાતાં નથી આવડતું, પણ મૂડ આવી જાય ત્યારે આ ગીતો ગણગણવાં મને બહુ ગમે છે

- જયંતી હરસોરા, ખેતવાડી

સામાન્ય ભજનો ગાવાની કે સંભાળવાની બહુ મજા ન આવે, તેથી મને એ નથી ગમતાં. હા, ફિલ્મોમાં હોય એ ભજનો મને ગમે, બાકી ભજનો સાંભળવાં કે ગાવાં મને નથી ગમતાં

- નરેન્દ્ર શાહ, અંધેરી

ફિલ્મનાં ગીતોમાં માનવીય મનની ભાવનાત્મકતાનું નિરૂપણ હોય છે. ગીતોમાં તેમને પોતાની અત્યાર સુધી ધરબાયેલી આંતરિક ભાવનાઓ રિફ્લેક્ટ થતી લાગે છે, જે તેમને અદ્ભુત આનંદ આપે છે. ફિલ્મનાં ગીતો સાંભળીને દાદા-દાદીને એટલા માટે સારું લાગે છે કે તેમને એમાં પોતાની આંતરિક ભાવનાઓ પ્રતિબિંબિત થતી લાગે છે

- સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી

આ પણ વાંચો : માફક આવે એટલું જ

સાચું કહું તો મને ભજનોમાં ઓછો રસ છે. મને ફિલ્મોનાં ગીતો બહુ ગમે છે અને એમાંય મુકેશના કંઠે ગવાયેલાં ગીતો વધારે ગમે છે

- હરીશ પારેખ, વિલે પાર્લે

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2019 11:34 AM IST | | Pallavi Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK