Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દરેકના જીવનમાં એક વિલન હોય જ છે અને ખલનાયક જ અંદરના હીરોને જગાડે

દરેકના જીવનમાં એક વિલન હોય જ છે અને ખલનાયક જ અંદરના હીરોને જગાડે

21 October, 2020 03:39 PM IST | Mumbai
Sejal Ponda

દરેકના જીવનમાં એક વિલન હોય જ છે અને ખલનાયક જ અંદરના હીરોને જગાડે

 ખલનાયક આપણી જ અંદરનું બીભત્સ સ્વરૂપ છે

ખલનાયક આપણી જ અંદરનું બીભત્સ સ્વરૂપ છે



દાદા-દાદીની વાર્તા હોય કે આપણે જીવીએ છીએ એ વાર્તા, ખલનાયકનું સ્થાન એમાં હંમેશાં રહ્યું છે. કૃષ્ણની વાર્તામાં કંસ વિલન હતો અને રામની વાર્તામાં રાવણ વિલન હતો. દ્રૌપદીની વાર્તામાં દુર્યોધન વિલન હતો. દાદી જ્યારે પરીની વાર્તા કહેતી ત્યારે એમાં રાક્ષસ વિલન હતો. કોઈ પણ ફિલ્મની વાર્તા જોઈ લો, એમાં વિલનનું સ્થાન અગ્રેસર રહ્યું છે. વિલન વગર વાર્તામાં કૉન્ફ્લિક્ટ ઊભી ન થાય. વિલન હોય તો હીરોની કિંમત વધી જાય. હીરો વિલનને હરાવી જાય અને હીરોની જીત થાય. બુરાઈ પર અચ્છાઈની જીત દરેક વાર્તાનો સાર હોય છે.
ખલનાયકની છબી ખરાબ વ્યક્તિની હોય છે. દુનિયાભરના દુર્ગુણ એની અંદર ભરેલા હોય છે. લાલચ, ઈર્ષા, પ્રપંચ, કાવાદાવા, સ્વાર્થ એનામાં ઠાંસી-ઠાંસીને ભરેલા દેખાય છે. ફિલ્મોમાં કે વાર્તામાં દેખાડતા વિલનના ગાલ પર મસો હોય કે એક આંખ ફૂટી ગયેલી હોય. અથવા તો મોટી-મોટી મૂછ કે મોટા-મોટા વાળ હોય. ટૂંકમાં વિલનનો લુક જોઈ પારખી શકાય કે આ વિલન છે.
ફિલ્મોમાં દેખાડતા વિલન સાવ નોખા તરી આવે છે. એમનો પહાડી અવાજ, બેસવા-ઊઠવાનો અંદાજ, અમુક વિશિષ્ટ બોલી, કપડાં, ચહેરા પરના ભાવ જોઈ વિલન પ્રત્યે ઘૃણા ઊપજે છે. ફિલ્મોમાં કલાકાર વિલનનો રોલ આત્મસાત કરતા હોય છે. એમને જોઈ મનમાં ગુસ્સાના ભાવ ઊપજે. એટલી નૅચરલ ઍક્ટિંગ કલાકાર કરી જાણે છે. કલાકાર પોતાની ઍક્ટિંગ દ્વારા વિલનના પાત્રને ન્યાય આપે છે. વાસ્તવમાં કલાકાર એવા દુર્ગુણવાળો નથી હોતો. એણે માત્ર ઍક્ટિંગ કરી એ વિલનીશ પાત્રને ન્યાય આપવાનો હોય છે.
વાસ્તવિક જીવનમાં આપણી આસપાસ રહેલા ખલનાયક કોઈ વિશેષ રૂપ લઈ નથી ફરતા. આપણા જેવા જ સામાન્ય દેખાતા આ ખલનાયક એમના પ્રપંચ દ્વારા આપણા જીવનને બાધિત કરતા હોય છે. આવા ખલનાયક આપણી સાથે રોજ જીવે છે, કામ કરે છે, વ્યવહાર કરે છે સાથે સાથે કાવાદાવાની કુહાડી લઈ આપણી ઘોર ખોદતા હોય છે. તેમના પ્રપંચથી આપણી જિંદગીને અસર થાય છે. શાંત પાણીમાં વમળ ઊપડે છે. ઘણી વાર તો આપણને સમજાતું નથી હોતું કે ચહેરાથી હીરો જેવો દેખાતો એ ખલનાયક શા માટે આપણી જિંદગી સાથે રમત રમે છે!
ક્યારેક ઈર્ષા તો ક્યારેક બીજાને નીચા પાડવા ખલનાયક પોતાની રમત રમે છે. પોતાનાથી વધુ કાબેલિયત ધરાવનાર વ્યક્તિ પ્રત્યે આવા ખલનાયકને વિશેષ ઈર્ષા થતી હોય છે જેથી એને નીચા પાડવા આવા ખલનાયક કોઈ પણ હદ સુધી જવાની કોશિશ કરે છે. ખલનાયકનું મગજ કંઈ વિશેષ રૂપે કાર્ય કરતું હોય છે. એમના મગજમાં સતત પ્રપંચ અને કાવાદાવા ચાલતા હોય છે.
ખલનાયક બનાવવા માટે કોઈ વિશેષ ટ્રેઇનિંગ નથી હોતી. ન તો એની કોઈ વર્કશૉપ હોય છે. માણસની અંદર રામ અને રાવણ બન્ને વસતા હોય છે. જે માણસ પોતાની અંદર વસેલા રાવણને બહાર કાઢે છે તે ખલનાયક બની જાય છે. ખલનાયક આપણી જ અંદરનું બીભત્સ સ્વરૂપ છે. અમુક માણસો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ખલનાયક બની જાય છે. ખલનાયકના પાયામાં ભારોભાર ઈર્ષા રહેલી હોય છે. પોતાનાથી કોઈ વધુ સારું હોઈ જ કેવી રીતે શકે એ ભાવના માણસને ખલનાયક બનાવે છે.
આપણને કોઈને ખલનાયક ગમતા નથી એ સ્વાભાવિક છે. પોતાના પ્રપંચથી આપણી જિંદગીને નરક બનાવનાર ખલનાયક પોતાની જીત બાદ એવું સમજતા હોય છે કે દરેક વખતે એમની જીત થશે. દરેક વખતે એ એમના કાવાદાવામાં સફળ રહેશે. પણ એ ભૂલી જાય છે કે રાવણ જેવો દસ માથાળો પણ નહોતો ટક્યો તો એક માથાવાળા ખલનાયકની શું વિસાત!
અમુક વ્યક્તિઓ વગર કારણે તમારી પાછળ પડી તમારું નુકસાન કરતી હોય છે. બીજાનું નુકસાન કરવામાં તેમને વિકૃત આનંદ આવતો હોય છે. બીજાને પછાડવામાં તેમને ખુશી મળતી હોય છે. કોઈનું છીનવીને તેમને પોતાનું જીવન હર્યું-ભર્યું કરવું હોય છે. પણ ખલનાયકો ભૂલી જાય છે કે તમે કામ છીનવી શકો, કોઈને નિરાધાર કરી શકો, તમારે લીધે કોઈની નોકરી જઈ શકે પણ તમે કોઈની ઇનબિલ્ટ આવડતને ક્યારેય છીનવી નથી શકતા. પ્રપંચથી કોઈનું કામ છીનવી શકાય, આવડત નહીં.
માણસ પોતાની આવડત અને પરિશ્રમથી પોતાની અલગ ઓળખ બનાવે છે. પ્રપંચથી ઓળખ નથી બનતી. પ્રપંચથી આવડત નિર્માણ નથી થતી. પ્રપંચથી માણસની અંદર રહેલી માણસાઈ મરી જાય છે. જ્યાં માણસાઈ મરે છે ત્યાં માણસનું રૂપ બદલાઈને ખલનાયકનું બની જાય છે.
ઈશ્વર કોઈને ઉપરથી ખલનાયક બનાવીને નથી મોકલતો. એ રસ્તો માણસ પોતાની જાતે પસંદ કરે છે. તેનું મન તેનો આત્મા કોઈનું ખરાબ કરતાં ડંખતો નથી. જ્યારે-જ્યારે આપણા જીવનમાં ખલનાયકની એન્ટ્રી થાય છે ત્યારે-ત્યારે આપણને આપણી અંદરની વિશેષ શક્તિનો ખ્યાલ આવે છે, કારણ કે પ્રપંચ સામે લડતાં-લડતાં આપણે વધુ મજબૂત બનતા જઈએ છીએ. કોઈ આપણા જીવનમાં કાંટા પાથરે તો એનાથી આપણી ચાલવાની ગતિ વધી જતી હોય છે.
એવો કોઈ માણસ નહીં હોય જેના જીવનમાં એક તો એક વિલન ન હોય. જિવાતી જિંદગીમાં વિલન સાથે મિલન થઈ જ જાય છે. ઘણી વાર વિલન મિત્ર કે હિતેચ્છુ બની ફરતા હોય છે. આવા ખલનાયકને ઓળખવા બહુ જરૂરી હોય છે. સારી-સારી વાતો કરે એટલે માણસ સારો જ હોય એ જરૂરી નથી. તેની સારપ માત્ર દેખાડા પૂરતી હોય છે એ પારખી જઈએ તો કદાચ પ્રપંચથી બચી શકાય. ઍટ લીસ્ટ એ રમત રમી રહ્યો છે એ તો સમજી જ શકાય.
માણસના જીવનમાં સુખ, દુઃખ જેમ જીવનનો એક ભાગ છે એમ ખલનાયક પણ માણસના જીવનનો એક ભાગ છે. એની સાથે જ જીવવાનું છે. લડવાનું છે. યાદ રાખો, ખલનાયક જ આપણને હીરો બનાવે છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 03:39 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK