કોઈ આમને રોકો: ન્યુઝ એક ઘટના છે અને ઘટનાને એ જ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે એ અનિવાર્ય છે

Published: 17th October, 2020 20:22 IST | Manoj Joshi | Mumbai

જો ન્યુઝપેપર પર નજર રાખવા અને એના પર આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય એની કાળજી રાખવા પ્રેસ કાઉન્સિલ છે, તો ન્યુઝ-ચૅનલ માટે કોણ?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ કોરોનાની, પણ એ વચ્ચે અટકાવીને આજે વાત બીજા એક વિષય પર કરવી છે, ન્યુઝ-ચૅનલની.

બે દિવસ પહેલાં હાઈ કોર્ટે એક પ્રશ્ન પૂછ્યો હતો. જો ન્યુઝપેપર પર નજર રાખવા અને એના પર આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય એની કાળજી રાખવા પ્રેસ કાઉન્સિલ છે, તો ન્યુઝ-ચૅનલ માટે કોણ? આ પ્રશ્નનો જવાબ કોઈ નથી અને એ ભારતીય લોકશાહી માટે શરમની વાત છે. આ બાબતમાં કેમ ક્યારેય કોઈએ ધ્યાન આપ્યું નહીં અને કેમ ક્યારેય કોઈએ ન્યુઝ-ચૅનલને લગામ આપવાનું વિચાર્યું નહીં એના વિશે ખરેખર ગંભીરતાથી વિચારવું જોઈએ. વિચારવું જોઈએ અને સાથોસાથ આ લગામ મૂકવા માટે વહેલામાં વહેલી તકે પગલાં પણ લેવાં જોઈએ. છેલ્લા લગભગ અઢી-ત્રણ મહિનાથી ન્યુઝ-ચૅનલ પર જેકંઈ ચાલી રહ્યું છે એ અમુક અંશે લોકશાહીના ચિરહરણ જેવું છે. છેલ્લા દસેક દિવસથી તો બે ચૅનલ એકબીજા સાથે એવી લડાઈ પર આવી ગઈ છે જાણે બે દુકાનદારો ઝઘડી રહ્યા હોય. સત્ય, ન્યાયની વાતો કરનારા જો આ રીતે ઝઘડવાના હોય તો પછી એની પાસેથી તમે કેવી રીતે કોઈ વાતમાં સાથ અને સહકારની અપેક્ષા રાખી શકો? કેવી રીતે તમે એવું ધારી શકો કે એ તમારી લડતમાં જોડીદાર બનશે, તમારી બાજુમાં ઊભા રહેશે અને તમને સાથ આપશે?

ન્યુઝ-ચૅનલની વૉર વરવી થઈ ગઈ છે, ન્યુઝ-ચૅનલની વૉર હવે શરમ વિનાની બનતી જાય છે. ન્યુઝ પીરસવાની અને પહેલાં-વહેલાં પીરસવાની લાય એ સ્તરે વકરી ગઈ છે કે સારા-ખરાબ અને સાચા-ખોટાનો ભેદભાવ પારખ્યા વિના જ ભાગવામાં આવી રહ્યું છે. કબૂલ, માન્યું કે અમુક કિસ્સાઓમાં ન્યુઝ-ચૅનલોએ જે કામ કર્યું એ કાબિલે-તારીફ છે, પણ અમુક કિસ્સાઓમાં, બાકી અમુક બાબતમાં ન્યુઝ-ચૅનલોએ જે પક્ષાપક્ષી કરવાનું કામ કર્યું છે એ શરમજનક છે. કોઈ એક ઘટના કે પછી કોઈ એક વાતને આપણે અહીં જોવા નથી માગતા અને જોવી પણ ન જોઈએ. એક કે બે વારની ભૂલને તમે સ્વીકારી શકો. અફકોર્સ, ન્યુઝ જેવી બાબતમાં તો એ પણ સ્વીકાર્ય નથી પણ એમ છતાં ચાલો માની લીધું કે તમે ઉતાવળમાં તરફેણના રસ્તે ચાલ્યા ગયા, પણ જો આ જ કાર્ય નિયમિત થઈ જાય તો એ સાચે જ શરમજનક છે.

ન્યુઝ હરીફાઈ હોઈ જ ન શકે, ન્યુઝ સ્પર્ધા બનવી જ ન જોઈએ. ન્યુઝ એક સરળ અને સહજ પ્રક્રિયા છે અને એને એ જ સ્વરૂપમાં રજૂ કરવા જોઈએ. એને વધારે ચટપટા બનાવવાનું કામ જો ન્યુઝ સાથે સંકળાયેલી વ્યક્તિ કરવા માંડે તો પછી પત્રકાર અને લેખક વચ્ચે કોઈ ફરક નહીં રહે અને એ ફરકની દુનિયાને જરૂર છે, એ ફરકની વિશ્વને આવશ્યકતા છે. ઘટનાની સાથે ડિટેક્ટિવ બનવું ખોટું નથી, પણ એ જવાબદારી નિભાવતી વખતે જો રાગદ્વેષ રાખવામાં આવે તો એ ગેરવાજબી છે અને અત્યારે ન્યુઝ-ચૅનલ આ ગેરવાજબી રસ્તે ભાગી રહી છે. ભાગતી આ ન્યુઝ-ચૅનલો એ ભૂલી ગઈ છે કે એ કાંઈ દેશના પ્રેસિડેન્ટ નથી અને કોઈ તેમને પ્રેસિડેન્ટ તરીકે જોવા પણ રાજી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK