ગોલ્ડ, રક્તચંદન બાદ હવે અગરવુડની દાણચોરી

Published: 22nd December, 2014 05:32 IST

મુંબઈથી બૅન્ગકૉક જતા ચાર જણને ઝડપીને ૧૦ લાખનું ૧૩૫ કિલો લાકડું જપ્ત કરવામાં આવ્યું
છેલ્લા કેટલાક વખતમાં સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવતાં સૌનું ધ્યાન ફક્ત ગોલ્ડ સ્મગલિંગ પર જાય એ સ્વાભાવિક છે, પરંતુ રવિવારે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના સ્ટાફે મુંબઇના સહાર ઍરપોર્ટના ટર્મિનલ ટુ (T2) પર બૅન્ગકૉકની ફ્લાઇટમાં રવાના થનારા બે પૅસેન્જર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફની એક મહિલાને પકડીને ૧૦ લાખ રૂપિયાની કિંમતનું ૧૩૫ કિલો અગરનું લાકડું જપ્ત કર્યું હતું.

ધરપકડ કરવામાં આવેલા ત્રણ જણમાં બે પૅસેન્જર્સ ઍરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના ભૂતપૂર્વ કર્મચારીઓ ટી. શેખ અને આર. એન. એસ. વિઠ્ઠલ કોટિયન તથા હાલમાં ગ્રાઉન્ડ સ્ટાફમાં કાર્યરત પાર્વતી વાઘમારેનો સમાવેશ થાય છે. ત્રણેય ૭.૫૦ વાગ્યાની બૅન્ગકૉકની ફ્લાઇટ નંબર ૯રૂ૭૦માં જવાની તૈયારીમાં તેમના બૅગેજ રજિસ્ટરિંગ માટે ઉપાડીને ઊભા હતા ત્યારે CISFના સ્ટાફે તેમની ધરપકડ કરી હતી.

તેમણે બૅગેજમાં અગરનાં લાકડાંનો જથ્થો ભર્યો હોવાથી તેઓ બૅગેજને રૅપિંગ કરતા હતા. એ વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે બૅગેજને રૅપ કરવું ફરજિયાત નથી, પરંતુ બૅગેજની સેફ્ટી માટે રૅપિંગ કરવામાં આવતું હોય છે. ત્રણ જણને સ્મગલિંગ માટે CISFના જવાનોએ પકડી લીધા પછી તેમને કસ્ટમ્સના ઍર ઇન્ટેલિજન્સ યુનિટ(AIU)ને સોપવામાં આવ્યા હતા. યુનિટે તેમની સામે કેસ નોંધીને જંગલ ખાતાના થાણે વિભાગને જાણ કરી હતી.

અગરના લાકડાનો ઉપયોગ

વિવિધ પ્રકારનાં સુગંધી લાકડાંમાં ચંદનની માફક અગરનો સમાવેશ છે. સુગંધ સાથે એમાં ઉષ્ણતાનો વિશેષ ગુણ છે. પૂજામાં કે ધૂપમાં એનો ઉપયોગ થાય છે. એનું તેલ પણ મોંઘા ભાવે વેચાય છે. તેલનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે.

રક્તચંદન પકડાયું

શુક્રવારે રાતે ૧૧.૩૦ વાગ્યે એરાઇવલ્સના ફર્સ્ટ લેવલ પર સિક્યૉરિટી ચેકિંગ માટે બૅગેજ સાથે ઊભો હતો ત્યારે કસ્ટમ્સના AIUના અધિકારીઓએ ૯૩.૫૫ કિલોના બજારમાં ૯,૩૫,૫૦૦ રૂપિયા કિંમતના રક્તચંદનના ૧૨ ટુકડા સાથે મેમણ મુદસ્સિર મોહમ્મદ સિદ્દિકીની ધરપકડ કરી હતી. ઇન્ડિયન પાસપોર્ટ પર પ્રવાસ કરતો મુદસ્સિર જેટ ઍરવેઝની ફ્લાઇટ નંબર ૯રૂ૦૭૬ દ્વારા હૉન્ગકૉન્ગ જવાનો હતો. AIUએ તેની સામે કેસ નોંધીને શનિવારે બપોરે જંગલ ખાતાના થાણે વિભાગને સોંપી દીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK