Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-1)

કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-1)

14 May, 2019 05:30 PM IST |
સમીત (પૂર્વેશ) શ્રોફ

કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-1)

રાખ - અંગાર

રાખ - અંગાર


યે મેરી કહાની

તે હાંફી રહ્યો. રૂમના ઉંબરે ઊભો અનાહત પોતાને જ હાંફતો નિહાળી રહ્યો…



અનાહત હાંફી રહ્યો. રગરગમાં વહેતી ઉત્તેજના એક બિંદુએ ભેગી થઈ ફાટી પડવાની તૈયારીમાં હતી. નવી મુંબઈના આલીશાન ફલૅટના માસ્ટર બેડરૂમના કિંગ સાઇઝ બેડ પર જે કંઈ થઈ રહ્યું હતું એ નવું નહોતું અને છતાં એ પાછલા અનુભવોથી કેટલું જુદું હતું! આ જ તો સત્યાની ખાસિયત છે. કામક્રીડામાં આટલાં વેરિયેશન્સ તેણે ક્યાં શીખ્યાં હશે! બહુ શરૂમાં પોતે એક વાર પૂછેલું તો સહેજ ગંભીર થઈ એણે જવાબ આપેલો - અમારું તો જીવન જ પાઠશાળા જેવું હોય છે, અનાહત. ક્યાં ક્યાં કેવા કેવા અનુભવો મને નથી થયા!


સાંભળીને સહાનુભૂતિ જાગી હતી, બહુ જલદી એ પ્રેમમાં પરિવર્તિત થઈ, પછી તો જાણે સત્યાનું નવું જ રૂપ ઊપસ્યું હતું… સમર્પિત, સ્નેહથી છલોછલ. એના સાંનિધ્યમાં તપ્તા હૈયાને શીતળતા સાંપડતી. અંતરમાં અનેક ઘા લઈને ફરતા પુરુષને એનું દરેક દર્દ ભુલાવી દેવાની કાળજી તેનામાં હતી, એ પ્રેમ નહીં તો બીજું શું! શારીરિક ક્રિયાનો આનંદ અલબત્ત, હતો, પણ પછીથી તો એ પ્રેમના આવિર્ભાવ તરીકે જ રહ્યો. ક્યારેક થતું એક પુરુષ તરીકે મને ક્યારે શું જોઈએ એ મારાથી વધુ સત્યા જાણે છે! આને જ પ્રણયની પરાકાષ્ઠા કહેતા હશે?

‘તું ન હોત તો હું વીખરાઈ ગયો હોત, સત્યા...’


અનાહત કહે ને તે તેના હોઠો પર આંગળી મૂકી દે, ‘વીખરાવાની નહીં, વરસવાની વાત છેડો, અનાહત...’

કેટલી સિફતથી સત્યા મને જુદા જ પ્રદેશમાં તાણી જાય... નામ તેનું સત્યવતી, પણ અનાહતને ટૂંકાવેલું સત્યા નામ ફાવી ગયેલું.

‘સત્યવતી કહો કે સત્યા, મને શું ફેર પડે એમ છે! બાકી તો તમને ગમતું એ મને ગમતું.’

આટલી આસ્થા!

‘આ મહોબતનો રિશ્તો છે, અનાહત, ઇબાદતથી કમ કેમ હોય?’

કેટલી સૂઝ, કેટલું ઊંડાણ છે સત્યામાં. સાથે એ પણ સાચું કે આ મહોબત બેય પક્ષે હતી. સત્યા સાથે અંતરંગ બન્યા પછી અનાહતને લાગતું જિંદગી જીવવાનું પોતાને એક કારણ મળ્યું! એના સહેવાસમાં પોતે સર્વ કંઈ વીસરી જતો - અનૌરસ હોવાનું દુ:ખ પણ! અથવા કદી એ જ કારણે અંતરમાં ઘટ્ટ થયેલી ઉદાસીથી બોઝલ હોઉં તો સત્યા એના આંચલમાં મારું તમામ દર્દ સમેટી લે.

‘આપણો મેળ ન થયો હોત સત્યા, તો મેં કદાચ આત્મહત્યા કરી હોત.’

‘મરે તમારા દુશ્મન!’

‘મારા દુશ્મન તો બે જ છે - મારા જન્મમાં નિમિત્ત બનનારો પુરુષ અને એના મોહમાં અંધ બનેલી મારી મા!’

અનાહતની કડવાશ ઊભરાતી.

દેવયાનીમાનો વિશ્વજિત સાથે સંબંધ બંધાયો ત્યારે બેઉ પાંત્રીસીમાં હતાં. મા વિધવા હતી, લૉ ભણેલી તે વકીલાત થકી પોતાનો નિર્વાહ કરતી. જ્યારે ડિવૉર્સી વિશ્વજિતની પૉલિટિકલ કરીઅર મધ્યાહ્ને તપતી હતી. સોશ્યલી ઍક્ટિવ દેવયાનીએ દિલ્હીમાં નેતાને મળવાનું બન્યું. એમાંથી તનમન મળ્યાં, તોય જોકે બન્નેએ પરણવાની તસ્દી નહોતી લીધી. એના ફળસ્વરૂપ દેવયાનીને ગર્ભ રહ્યો. દીકરો જન્મ્યો, અરે એ પચીસ વરસનો થયો ત્યાં સુધી તેમને કોર્ટમાં હારતોરા પહેરાવા જેટલીયે ફુરસત ન મળી?

સમાજની અવહેલના, પિતાને પિતા કહી ન શકવાની લાચારી પજવતી. મારી પાછળ મારા નાના ઉદયશંકર મહેતાનું નામ લાગે છે એથી વિશેષ બાપને તેનું નામ દેવામાં, માને લેવામાં રસ નથી એ હીણપત અનાહતનું કાળજું ચીરતી. સત્યાને અનાહતનું દર્દ પરખાતું. તેનું દર્દ સમેટતી વેળા સત્યાથી એક વાર બોલાઈ ગયેલું - તમને લાગતું હોય અનાહત કે પિતાનું નામ મળવાથી સમાજનો તમારા પ્રત્યેનો નજરિયો બદલાઈ શકે એમ છે, તમને ખુદને સંતુષ્ટિ થાય એમ છે તો એ નામ મેળવવું તમારા જ હાથમાં છે!

એ કઈ રીતે?

‘કહી દો તમારા પેરન્ટ્સને કે મને વિશ્વજિતનું નામ ન મળ્યું તો હું કોર્ટમાં જઈશ! ડીએનએના એક ટેસ્ટથી વિશ્વજિત તમારા ફાધર હોવાનું પુરવાર થઈ જશે. કોર્ટમાં કેસ જીતી ન શકાય એવું વકીલ એવાં તમારાં મધર તો સમજે જને. કેસને કારણે આબરૂનો ધજાગરો થાય એના કરતાં તમને સત્તાવાર સ્વીકારવાનું જ રાજકારણી પસંદ કરે...

સત્યા સાથેની પહેલી મુલાકાતને ત્યારે બે વરસ અને નવી મુંબઈમાં ફલૅટ લઈ એને વસાવ્યાને, મહોબતના સ્વીકારને સવા વરસ થયું હશે.

એની સલાહ મગજમાં ઊતરી. જોકે દેવયાનીમા કે વિશ્વજિત માન્યાં નહોતાં. એટલે ગિન્નાયેલા અનાહતે ખરેખર કેસ ઠોકી દેતાં કેવો હાહાકાર મચી ગયેલો.

ચાર-ચાર વરસ ચાલેલા કેસમાં અનેક તકલીફો આવી. માનસિક ત્રાસ અનુભવાયો એ સમગ્ર તબક્કામાં સત્યા ન હોત તો?

‘તને મારા વિરોધીઓએ હાથો બનાવ્યો છે.’ વિશ્વજિત ગરજતા.

‘તેં મારી બદનામીનુંય ન વિચાર્યું.’ મા રડતી. બેઉને કે ત્રીજા કોઈને પણ મારો પ્રેમસંબંધ મને પ્રેરતો હોવાનો અણસાર સુધ્ધાં નહોતો. સત્યાને નેપથ્યમાં રાખવામાં જ ભલાઈ હતી.

છેવટે ચાર વરસે અનાહતની તરફેણમાં ચુકાદો આવ્યો. બાકાયદા તે વિશ્વજિતનો દીકરો હોવાનું પુરવાર થયું.

હાઈપ્રોફાઇલ કેસને કવર કરવા કોર્ટ પરિસરમાં મોજૂદ મીડિયાને ભાળી દેવયાની-વિશ્વજિત મોં આડું કરી નીકળી ગયેલાં.. સત્યા પાસે પહોંચવાની ઉતાવળ તો અનાહતને પણ હતી, એમ પોતાની જીતનો દાખલો બેસાડવાની મનસાએ તેણે સવાલ-જવાબની નાનકડી સેશન કરી એમાં એકાદે પૂછી લીધું – સર, સેલિબ્રેશન્સના શું પ્લાન છે?

કદાચ પત્રકારે એવું સાંભળવુ હશે કે દીકરો પપ્પા-મમ્મી જોડે પાર્ટી કરશે... અનાહદે જુદું કહ્યું,

‘મંદિરમાં જઈ ઈશ્વરને પ્રસાદ ચડાવીશ, એ જ મારું સેલિબ્રેશન.

આ જવાબ પણ સાચો ક્યાં હતો?

બધાથી છૂટી અનાહત નવી મુંબઈના ઘરે પહોંચ્યો ત્યારે આભમાં રાત જામી ચૂકેલી... જીતના સમાચાર સત્યાથી છૂપા નહોતા. ફલૅટમાં પગ મૂકતાં અનાહત આભો બનેલો. જાણે દિવાળીનો તહેવાર હોય એમ સત્યાએ હૉલના ખૂણે રંગોળી સજાવી હતી, દીવડાઓથી ઘર ઝગમગ હતું. અનેક જાતની મીઠાઈઓ સાથે ભાવતાં ભોજન તૈયાર હતાં.

‘પણ સૌથી પહેલાં શૅમ્પેન ફોડવાનું. તમે અનાહત ઉદયશંકર મહેતામાંથી અનાહત વિશ્વજિત કુલકર્ણી બન્યા એ જીત જેવીતેવી છે!’

સત્યાનો ઉમંગ ગદ્ગદ કરી ગયેલો.

‘તમારા અજંપાનો અંત આવ્યો, અનાહત, હવે આંસુ નહીં.’

ત્યારે પાંપણે બાઝેલી ભીનાશ ખંખેરતાં અનાહતને દ્વિધા ન રહી.

‘સેલિબ્રેશનનું ખરું કારણ હજુ બાકી છે.’ તેણે સત્યાનો હાથ પકડ્યો, રસોઈઘરને અડીને આવેલા ઘરમંદિરમાં લઈ જઈ તેની માંગમાં સિંદૂર પૂર્યું, ‘તને જેમાં આસ્થા છે એ ઈશ્વરની સાક્ષીએ હું તને મારી પત્ની બનાવું છું, સત્યા.’

સત્યાને કદાચ આની અપેક્ષા નહોતી.

‘તમે મારી લાયકાત કરતાં મને ઘણું આપી દીધું!’ અનાહતનાં ચરણોમાં ઢળતાં તેણે કહેલું.

બાદમાં ઉજવાયેલી વિધિવત્ મધુરજનીનો કેફ એના વરસેય ઊતર્યો નથી!

અત્યારે હાંફતા અનાહતે આ મતલબનો ગણગણાટ કરતાં પોતાને ગમતી ક્રિયામાં વિક્ષેપ પાડી સત્યાએ અનાહતને આંખોમાં ભર્યો, અનાહતના ગઠીલા બદન પર આંગળી ફેરવી, ‘એનું શ્રેય કેવળ મને આપવાનું બંધ કરો અનાહત. તમે કદી ખુદને આયનામાં જોયા પણ છે!’

અનાહત શર્મીલું મલક્યો. અત્યંત આકર્ષક દેખાતા અનાહતની ઘાટીલી કાયાનો ઉઘાડ ભલભલાને હંફાવી દેનારો હતો. અનાહતને સમજ હતી કે પોતાની સાથેનો સમાગમ સત્યા માટે ઓછો કષ્ટદાયી નહીં રહેતો હોય, પણ એને તો એમાંય સુખ વર્તાતું, કેમ કે હું સંતુષ્ટ બનતો. અનાહતને રીઝવવાના કંઈક નુસખા સત્યા પાસે હતા. અત્યારે વધુ એક નુસખાની અજમાયશ સત્યાએ કન્ટિન્યૂ કરતાં અનાહત સિસકારી ઊઠ્યો.

અનાહત સિસકારી ઊઠ્યો. એમાં જોકે કામક્રીડાની ઉત્તેજના નહીં, પીડાની વેદના હતી, ઝુરાપાનો ચિત્કાર હતો.

‘અનાહત’ સત્યાનો સ્વર પડઘાયો. અનાહતના રઘવાટભર્યાં નૈન આખા ઘરમાં ફરતાં છેવટે અરીસા પર અટક્યાં. ત્યાં જામેલી ધૂળને કારણે પ્રતિબિંબ ધૂંધળું દેખાયું. નજીક જઈ તેણે હાથથી ધૂળ સાફ કરતાં લિસોટો પડ્યો. ખુલ્લા થયેલા આયનામાં પોતાનો ચહેરો જોઈ થીજી જવાયું.

ના, એની આકર્ષતા તો અકબંધ હતી, પણ દાઢી, માથાના વાળમાં ક્યાંક ક્યાંક સફેદી સાફ વર્તાતી હતી.

‘સત્યા, જો, જો, મારા વાળ ધોળા થવા માંડ્યા!’ અનાહતે કહેવું હતું, પણ સત્યાને એના શબ્દોની આવશ્યકતા ન હોય એમ અનાહતની પાછળથી એનો હસતો ચહેરો પ્રતિબિંબમાં ઊભર્યો - આનું આટલું અચરજ શું કામ, અનાહત? તમારી ઉંમર પણ થઈને. થોડી વાર પહેલાં અહીં આવી તમે માનસચક્ષુ સમક્ષ આપણો અંતિમ સમાગમ નિહાળ્યો, અનાહત, એને તો આજે ચૌદ-ચૌદ વર્ષ થયાં! ત્યારે તમે ૩૦-૩૨ના હતા, આજે ફોર્ટી ફાઇવ પ્લસ છો. ઉંમર એની અસર દેખાડ્યા વિના ઓછી રહે!

‘અને તારી ઉંમર?’ અનાહત પૂછી બેઠો, ‘સત્યા, તારા ચહેરામાં મને વધેલી વયની કોઈ નિશાની કેમ વર્તાતી નથી?’

સત્યાનું સ્મિત પળ પૂરતું વિલાયું, ‘કેમ કે પાછલાં ચૌદ વર્ષથી મારી ઉંમર નથી વધી, અનાહત. મૃત્યુ પામેલાની ઉંમર કઈ રીતે વધે?’

મૃ...ત્યુ. અનાહતના કાળજે ચીરો પડ્યો. બોલી જવાયું ‘આટલી ક્રૂર મજાક ન કર સત્યા. તું મારી પા...છળ-’

અનાહત ઊલટો ફર્યો. પાછળ કોઈ નહોતું. તેણે વળી ગરદન ઘુમાવી. હવે સત્યાનું પ્રતિબિંબ અરીસામાં પણ નહોતું.

સત્યા આ દુનિયામાં જ નથી!

સ્થળ-કાળનું ભાન થતું હોય એમ અનાહત ધબ દઈને ફર્શ પર બેસી પડ્યો.

જનમટીપની સજા કાપી પોતે આજે સવારે જ સેન્ટ્રલ જેલમાંથી છૂટી સીધો અહીં આવ્યો છે એ સાંભરી ગયું. સત્યા આ દુનિયામાં નથી, પણ જુઓ, વરસોથી બંધ પડેલા, વણવપરાયેલા રહેલા આ ઘરમાં અમારી કંઈકેટલી પ્રણયપળો આજેય એમની એમ સચવાઈ છે.

‘પ્રણય?’

વળી સમયનું આવરણ ચીરી દેવયાનીમાનો આક્રોશભર્યો સ્વર પડઘાયો.

‘તારા બેહૂદા રિશ્તાનો પ્રણયનું નામ દેતા લજાતો નથી?’

‘તારો જ દીકરો છું મા.’

ટાઢકથી કહેવાયેલા આ એક વાક્યમાં કંઈકેટલું છૂપું હતું - વ્યંગ, ઉપહાસ, વ્યથા! એથી તો દેવયાનીનો આવેશ વધુ ઊછળ્યો. ‘મતલબ, મેં સાંભળ્યું એ સાચું. તેં નવી મુંબઈમાં ફલૅટ લીધો છે, ત્યાં રખાત તરીકે-’

‘મા, સત્યા માટે એક અપશબ્દ નહીં સાંખી લઉં હું. એ રખાત નથી, મારી પત્ની છે. મેં તેની માંગમાં સિંદૂર પૂર્યું છે.’

‘પત્ની, માંગ, સિંદૂર..’ દેવયાની ચિત્કારી ઊઠી, ‘અનાહત, તને સિંદૂર પૂરવા લઈ દઈને એક કિન્નર જ મળ્યો? બીજા કોઈ નહીં કે એક પાવૈયા સાથે તેં સંસાર માંડ્યો!’

હા, સત્યવતી-સત્યા કિન્નર હતી-હતો, પણ એથી કોઈને શું ફેર પડવો જોઈએ?

‘મને પડે છે. આમાં તારા પિતાની આબરૂ ખરડાય એવો વિચાર તને ભલે ન આવે, મને એની પરવાહ છે. એક કિન્નર તો આ ઘરની વહુ ન જ બની શકે, ઍટ ઍની કૉસ્ટ.’

માની જીદે બબ્બે હત્યાનો યોગ ગોઠવી દીધો…

એના સ્મરણે અત્યારે પણ અનાહતથી નિ:શ્વસ નખાઈ ગયો.

એમ તો જોકે પોતે પણ હવે ક્યાં જીવવું છે? કાલે સત્યાની ચૌદમી પુણ્યતિથિ છે. પોતે પણ એ જ રીતે મૃત્યુ પામી એના અગોશમાં હંમેશ માટે સમાઈ જવું છે. આજની બપોર, સાંજ, રાત કેવળ વીત્યા કાળને સંભારવામાં ગાળવો છે. આટલા સમય માટે ઘર સાફ કરવાની જફા કોણ લે? એ બહાનેય મારું એકાંત ભાંગે એવું ન જોઈએ. જરૂર પૂરતી સાફસફાઈ કરી, પાણી ભરી અનાહતે બાલ્કનીની ઝૂલણખુરશીમાં ગોઠવાઈ સિગારેટ સળગાવી. સિગારેટના ધુમાડામાં ગતખંડની લહેરો તાદૃશ્ય થતી ગઈ -

‘અનાહત, વિશ્વજિત અંકલને પ્રણામ કરો.’

મા કહેતી ને આઠ વર્ષનો દીકરો મોઢું મલકાવી ‘અંકલ’ સમક્ષ હાથ જોડતો. અંકલ તેને ખોળામાં લઈ લેતા. વહાલ કરતા. કંઈકેટલી ગિફટ્સ લઈને આવતા.

ના, અનાહતને ભેટસોગાદની નવાઈ નહોતી... જૂહુના દરિયાકાંઠે આવેલી વિલામાં તમામ સુખસગવડ મોજૂદ હતી. વાપરનારાં કેવળ મા-દીકરો બે જ.

‘તારા નાનાજી આ ઘર ઉપરાંત ઘણું કંઈક મૂકતા ગયા છે. સેશન્સ કોર્ટની વકીલ તરીકે મારી પ્રૅક્ટિસ પણ સારી ચાલે છે.’

દેવયાની ક્યારેક બોલી જતી એમાં અનાહતને એ સમયે ભાગ્યે જ કશું પલ્લો પડતું, પણ એકંદરે લાઇફ મજાની હતી.

હા, મા-દીકરાની દુનિયામાં ક્વચિત ટપકી પડતા ‘અંકલ’ થોડા રહસ્યમય લાગતા…

અનાહત સમક્ષ દૃશ્યપટ્ટી તરવરી રહી.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 5)

અનાહતે સ્મરણયાત્રા આરંભી એ જ બપોરે-

‘તું પાછી આજે આવી ચડી!’ જેલ ઑફિસના ક્લાર્કે ૨૦-૨૧ની નમણી યુવતીને ટકોરી લઈ અફસોસભેર ઉમેર્યું, ‘પણ તું જેની પૂછપરછ કરતી હોય છે સત્યવતી, એ કેદી તો સવારે જ રિહા થઈ ગયો…’

હેં. અનાહતના છૂટ્યાનો નહીં, પણ પોતાના હાથમાંથી સરકી ગયાનો આછો અફસોસ સત્યવતીએ અનુભવ્યો ખરો.

હવે તો છાયાદાદીને જ પૂછું - તેમને મારે ક્યાં શોધવાં? (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 05:30 PM IST | | સમીત (પૂર્વેશ) શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK