કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 5)

Published: May 12, 2019, 13:43 IST | સમિત પૂર્વેશ શ્રોફ | મુંબઈ

‘અદા, મેં ઠીક કહ્યુંને?’ નચિકેતે અદાને નિહાળ્યા. નીમા આંખો મીંચી ગઈ.

વહુરાણી
વહુરાણી

‘અદા, મેં ઠીક કહ્યુંને?’ નચિકેતે અદાને નિહાળ્યા. નીમા આંખો મીંચી ગઈ.

તેને સમજ હતી કે અરેનની પ્રતિક્રિયાનો આધાર કેવળ અદાના પ્રત્યાઘાત પર હોવાનો.

અજિતરાય માટે એ કપરી ઘડી હતી. સન્માનના સ્થાને જે બનતું ગયું એ ક્ષુબ્ધ કરનારું હતું. બીજું કોઈ નહીં ને નીમા તેમના બચાવમાં કૂદી પડી એ જોકે સ્વાભાવિક લાગ્યું હતું. એ છોકરીના સંસ્કારમાં કદી કહેવાપણું ક્યાં હતું! તેના શબ્દોમાં અનુભવેલી સચ્ચાઈ સાથે ફરફરિયાનું કૃત્ય જરાય બંધબેસતું નથી. તોય કંઈ કહેતાં પહેલાં તેમણે દીકરા તરફ જોયું, ‘અરેન તારું શું માનવું છે બેટા?’

બધાની નજર અરેન પર ફંટાઈ. નીમા હજુય આંખો મીંચી ઊભી હતી. ઊડતી નજરે નીમાને નિહાળી લઈ અરેને ઊંડો શ્વાસ લીધો, ‘મારે એટલું જ કહેવું છે કે અદા કે તમારી વિરુદ્ધ કાળી કારવાઈ કરનારનું મારા હૈયામાં, મારા જીવનમાં, આપણા ઘરમાં કોઈ સ્થાન નહીં હોય, ક્યારેય નહીં.’

સાંભળીને નીમાના ચહેરા પર ફેલાઈ જતી હળવાશ શ્રોતાગણે અનુભવી, સ્ટેજ પર બિરાજમાન અદા, સુનંદાબહેન અને નચિકેતને પણ એનો ખ્યાલ આવ્યો.

‘હવે નચિકેત, મારો જવાબ સાંભળ.’ છેવટે અદાના હોઠ ઉઘડ્યા, ‘નીમાની ગુસ્તાખી અપરંપાર છે.’

અદાના પહેલા જ વાક્યે અદિતિએ ધરપત જેવી અનુભવી. બાકી અરેનની પ્રતિક્રિયાનું ટેન્શન થઈ ગયેલું. આખરે સાચા અર્થમાં એ પોતાને લાગુ પડતું હતું! બટ થૅન્ક ગૉડ, લાગે છે અદા નીમાને નહીં છોડે!

‘શું વ્યાવસાયિક જીવનમાં કે શું મારા ઘરમાં - આજ સુધી કોઈની હિંમત નહોતી કે મને મારા સિદ્ધાંતોમાં પડકારે. નીમાની એ પહેલી ગુસ્તાખી. હું આવડો મોટો, ‘ગુર્જરરત્ન’ને લાયક માણસ, બે ટકાની છોકરી મને પડકારી જાય? મારા અહંને એ કેટલું કનડશે એની પણ તેણે પરવાહ ન કરી એ તેની બીજી ગુસ્તાખી.’ અદાના

શબ્દોમાં અકથ્ય ભાવ હતો. તે નીમાને વખાણી રહ્યા છે કે વખોડી એ અદિતિને ન સમજાયું. 

‘પોતાના સિદ્ધાંતમાં તે અડી રહી એ ત્રીજી ગુસ્તાખી, લગ્ન કર્યા વિના પણ અરેનને એટલી જ ઉત્કટતાથી ચાહતી રહી એ ચોથી ગુસ્તાખી - અને આમાંની કોઈ ગુસ્તાખીનો આ છોકરીને રતીભાર રંજ નહીં?’

અદાએ પ્રેક્ષાગારમાં નજર ઘુમાવી, ચોક્કસ સ્થાને આવી હાથ ઊંચો કર્યો,

‘અનિલભાઈ, મમતાબહેન,

નીમાના આવા ઘડતરનું શ્રેય આપના ફાળે જાય છે, મારા હૃદયપૂર્વકના ધન્યવાદ સ્વીકારો.’

આટલું કહી અદા મૂંગા થઈ ગયા એટલે અદિતિથી ન રહેવાયું, ‘અદા, આનો મતલબ? આપ નીમાને ગુનેગાર માનો છો ને?’

પૂછતી તે થોથવાઈ. અરેન પગથિયાં ચડી નીમાના પડખે ઊભો રહ્યો. ધીરેધીરે અરેનના બધા કઝિન્સ, ત્રણે ભાભીઓ તેમની અડખેપડખે ઊભાં રહી ગયાં. અદા મર્માળુ હસ્યા, ‘બેટી, તને હવે જવાબ મળી ગયો? અમારા મતભેદ હજુ યથાવત છે, નીમા અમારી વહુરાણી બને કે ન બને, એની લાયકાત નિ:સંદેહ છે.’

અદાનો શબ્દેશબ્દ નીમાના હૈયે અમૃતવર્ષા જેવો રહ્યો હતો. અરેન અને પછી ઘરના સૌ પોતાના સપોર્ટમાં રહ્યાં એથી વિશેષ શું જોઈએ?

‘આઇ કાન્ટ બિલીવ ઇટ.’ અદિતિને સમજાતું નહોતું કોઈ કોઈના પર આટલો વિશ્વાસ કઈ રીતે મૂકી શકે!

‘અદિતી,’ હવે સુનંદાબહેન બોલ્યાં, ‘તારી કાળજી મને સમજાય છે બેટા, પણ નીમાને ગુનેગાર ઠેરવવાનું હવે બંધ કરીએ.’

કમાલ છે! દીકરીને બાજી હારતી જોઈ ત્રીજી હરોળમાં બેઠેલા દિવાકરભાઈ ઊકળી ઊઠ્યા.

‘મહેતાસાહેબ, તમે ભલે નીમા પર અંધવિશ્વાસનો પાટો પહેરી બેઠા રહો, સમાજને સચ્ચાઈ જાણવાનો હક છે. જિતુભાઈની જુબાનીને જૂઠ માનવાનું કોઈ કારણ નથી અમારી પાસે.’

ગણગણાટ પ્રસરી ગયો. જિતુભાઈએ તક ઝડપી, ‘તમે સાવ સાચું કહ્યું સાહેબ, હું તો કહી ચૂક્યો કે મારી પાસે પુરાવો પણ છે.’

જિતુભાઈ સ્ટેજની સામે જમણી તરફ ગોઠવાયેલા સાઉન્ડ સિસ્ટમવાળા તરફ ગયા, મોબાઇલ આપી કંઈક કહ્યું.

પછી અદા વગેરેને અરજ કરી,

‘પ્લીઝ, આપ સૌ એક બાજુ થઈ જાવ, જેથી તમારી પાછળના સ્ટેજના પડદા પર રજૂ થનારો વિડિયો સૌ

જોઈ શકે-’

વિડિયો! અદિતિને ઝબકારો થયો - જરૂર જિતુભાઈએ કશાક સૉફ્ટવેરની મદદથી નીમા વિરુદ્ધ જડબેસલાક પુરાવો ઊભો કરી દીધો હોવો જોઈએ! શાબાશ.

સ્ટેજ પર અંધારું છવાયું. બીજી પળે પૅમ્ફલેટની પીડીએફ ફાઈલ પડદે દેખાઈ.

‘આ રહ્યું એ પૅમ્ફલેટ જે નીમાબહેને મને છપાવા આપ્યું હતું.’

‘અરે...’ નીમા બોલી ઊઠી, ‘જિતુભાઈ, આ તો હૉસ્પિટલની જાહેરાતનું પૅમ્ફલેટ છે, ડીનસરનું અપ્રૂવલ લઈ મેં હજુ ગયા અઠવાડિયે જ તમને આ કામ સોંપ્યું.’

‘બરાબર’, જિતુભાઈ મલક્યા, ‘એટલે મેં કહ્યું કે નીમાબહેને મને પૅમ્ફલેટ છપાવવા આપેલું એ સાચું જને.’

સાંભળીને ખુદ નીમા મોં વકાસી ગઈ.

‘નૉનસેન્સ.’ પહેલો પ્રત્યાઘાત દિવાકરભાઈએ આપ્યો, ‘જિતુભાઈ, તમે વાતની જલેબી ન બનાવો. તમે સારી રીતે જાણો છો તમને કયા ફરફરિયા માટે પૂછવામાં આવેલું.’

તેમનો પિત્તો હટવો સ્વાભાવિક હતો. આ માણસને કંઈકેટલા ઑર્ડર આપી-અપાવી પોતે ઑબ્લાઇઝ્ડ કરેલો. આજનું કામ પણ તેણે કંઈ મફતમાં નથી કર્યું. અહીં આવી તેણે શું કહેવા-કરવાનું છે એની તમામ વિગતો અદિતિએ તેને રૂબરૂ મળી સમજાવી હતી. એ માણસ રંગ બદલી રહ્યો હોય એવું કેમ લાગે છે!

‘હું એ જ ફરફરિયા પર આવું છું સાહેબ.’ જિતુભાઈએ ફાઈલ પર ક્લિક કર્યું અને સ્ટેજનો પડદો ઝળહળી ઊઠ્યો.

‘રાજવી’ પ્રેસમાં જિતુભાઈની કૅબિન દેખાઈ.

મોબાઇલ ગોઠવી જિતુભાઈ તેમની ખુરશી પર ગોઠવાયા, મોબાઇલ કૅમેરાનું લોકેશન એવું હતું કે આખી કૅબિન કવર થઈ જાય.

અને બીજી પળે કૅબિનનો દરવાજો ખોલી તે પ્રવેશી.

(અદિતી! હૉલમાં ગણગણાટ પ્રસરી ગયો. હવે શું જોવા મળવાનું એ કળાતાં અદિતિ પસીને રેબઝેબ થઈ. દિવાકરભાઈ હચમચી ઊઠ્યા. નીરજાબહેને છાતીમાં કળતર જેવું અનુભવ્યું. લાડલીને મહેતા ફૅમિલીમાં હળતીમળતી ભાળી ખુશ થયેલાં કે તેની જોડી અરેન સાથે હવે જામી જવાની! પણ આ તો...)

‘જિતુભાઈ, પૅમ્ફલેટ્સ તૈયાર છે ને?’

‘બિલકુલ રેડી છે. પ્રૂફ જોઈ લો.’ ફરફરિયું ધરી જિતુભાઈએ બીજા કાગળમાંથી લખાણ વાંચવા માંડ્યું.

(જોનારા સમજી ગયા કે અત્યારે ફરતા થયેલા પૅમ્ફલેટનું પ્રૂફ ચકાસતી અદિતિએ જ આ કારસો ઘડ્યો!)

‘ફાઇન. હવે આ અંગે ષણ્મુખાનંદ હૉલમાં તમને બોલાવીશ ત્યારે દોષનો ટોપલો નીમા પર નાખવાનો એ યાદ છેને, તેની તસવીર મેં તમને દેખાડી છે, ઓળખવામાં ભૂલ ન કરતા.’

 ‘સ્ટૉપ ઇટ!’ દિવાકરભાઈ સાઉન્ડ સિસ્ટમવાળા તરફ ધસી ગયા. જિતુભાઈનો મોબાઇલ ખૂંચવી પછાડ્યો, મોબાઇલના ટુકડેટુકડા થઈ ગયા. એથીયે ગુસ્સો ન શમ્યો એટલે જિતુભાઈનો કાંઠલો ઝાલ્યો, ‘ઉપકારનો આવો બદલો ચૂકવે છે બેશરમ!’

જોકે તેમણે ઉગામેલો હાથ દોડી આવેલા અરેને અધવચાળ ઝડપી લીધો - ઇનફ મિ. જરીવાલા. એક સાચા ઇન્સાનને  ઠમઠોરવું તમને શોભતું નથી.

‘નહીં અરેનભાઈ,’ જિતુભાઈએ ડોકું ધુણાવી, ‘હું બહુ અદનો માણસ છું. અદિતિના કહ્યા મુજબ જ હું વર્ત્યો હોત, નિર્દોષ કન્યાને મેં વિનાવાંકે બદનામ કરી હોત, કેમ કે દિવાકરભાઈના ઘણા ઉપકાર છે મારા પર-’

સાંભળનારા સ્તબ્ધ હતા. તો પછી એવું શું બન્યું કે જિતુભાઈએ નીમાની તરફેણ કરી એવો પ્રશ્ન અદાને પણ થયો.

‘દિવાકરભાઈના અહેસાન આર્થિક હતા, એક યા બીજી રીતે વળી શકે; નીમાબહેને તો મને ઋણી બનાવ્યો, મારી લાડલી દીકરીને આપઘાતના રસ્તેથી વાળીને!’

હેં. રાજવીની કથા નીમા માટે અહોભાવ જન્માવી ગઈ. અરેનની નજરમાં છલકતો ગર્વ નીમાને કૃતાર્થ કરી ગયો.

‘આજે મારી રાજવીનો આત્મવિશ્વાસ ટકોરાબંધ છે, મારા ઘરમાં કિલ્લોલ છે, અને એ જેના થકી છે તેનો દ્રોહ કરું તો હું મારી દીકરીનો બાપ કહેવડાવાને લાયક ન રહું.’

જિતુભાઈએ સાદ ખંખેર્યો,

‘ઈશ્વર સારા માણસનું ખરાબ થવા દેતો નથી. નહીંતર અદિતિને મને હાથો બનાવવાનો પ્લાન જ કેમ સૂઝે! પહેલી વાર અદિતિએ મને મળી મામલો સમજાવ્યો ત્યારે હું ચમક્યો, નીમાબહેનની ઓળખ આપતાં મારે કહી દેવું હતું કે તેમની વિરુદ્ધ મારાથી કંઈ નહીં થાય, પણ છેલ્લી ઘડીએ બુદ્ધિ ચાલી કે મારા નકારે તે કોઈ બીજા

પાસે જશે. એના કરતાં નીમાબહેનને ઉગારી અદિતિનું પાપ છતું કરવા, બીજી વાર તે પ્રેસ પર આવી ત્યારનો વિડિયો ઉતારી લીધો.’

‘તમે મારી દીકરીનું ઋણ ફેડી દીધું, હોં જિતુભાઈ’ અનિલભાઈએ કહ્યું.

‘મને હવે એક જ વાત નથી સમજાતી.’ અરેન અદિતિ તરફ

વળ્યો, ‘નીમાને બદનામ કરવામાં તને શું મળવાનું?’

અદિતિમાં જવાબ દેવાના હોશ જ ક્યાં હતા? ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું લાગતું હતું. ભરસમાજમાં હું બેઆબરૂ થઈ, મારા કારણે પપ્પા-મમ્મીએ પણ નીચાજોણું થવાનું. અરેરે...

‘તેને મળવાનું હતું વહુરાણીનું પદ!’

મા તરફથી આવેલા જવાબે અરેન ચોંક્યો, નીમા ટટ્ટાર થઈ. અદિતિનું કનેક્શન હવે સમજાયું.

‘અદિતિ આગળ પણ તને પૂછી ચૂકેલી. કલબમાં ઋચા સાથે બહેનપણાં થતાં તારા-નીમાના સ્થગિત થયેલા રિશ્તા વિશે, તારા અદાએ આપેલી ચાર માસની મુદત વિશે જાણી તેણે પગપેસારો કરવાની તક જોઈ.’ સુનંદાબહેન કહેતાં રહ્યાં. અનાથાશ્રમમાં કામ કરવાનો દંભ સમજાય એમ હતો. 

‘હવે મને સમજાય છે,’ ઋચા તતડી, ‘નીમાની ઓળખ તેં મારી પાસેથી મેળવી, નીમા સાથેનો અમારો ફોટો તેં મારી ફેસબુક વૉલ પરથી ઉઠાવ્યો - આવું કપટ! મારા ભાઈને દુ:ખી કરવા તેં મને હાથો બનાવી?’

‘છતાં તું ન ફાવી અદિતિ.’ પહેલી વાર નીમા તેને સંબોધીને બોલી, ‘જાણે છે, શું કામ? કેમ કે તું અરેનને નહીં, તેની સાથે સંકળાયેલા વહુરાણીના મોભાને જ તે કેવળ ઇચ્છ્યો. તને પરિવારની નિસબત નહોતી, તેં કેવળ તારા સુખનું, તારા સ્થાનનું વિચાર્યું. અદાના આવડા મોટા સન્માન સમારંભને વટાવવાનું ન ચૂકી - પણ છેવટે તો બૂરાઈ હારતી જ હોય છે એ સામાન્ય નિયમ તું ભૂલી!’

અદિતિને વસમું તો બહુ લાગ્યું, પણ શું થાય!

‘ક્ષમા કરજો, દિવાકરભાઈ-’ હવે અદા બોલ્યા, ‘કોઈની પણ દીકરી માટે ઘસાતું બોલવું ન જોઈએ, પણ તમે તમારી દીકરીને ઘર ભાંગવાની કેળવણી આપી છે.’

- અને નીમા બોલી પડી, ‘જોયું અદા, એ માટે અદિતિએ ક્યાંય નોકરીએ જવાની જરૂર નહોતી.’

વળી પાછો એ જ મુદ્દો! અરેન સહિત બાકીનાને ટેન્શન થઈ ગયું, પણ અદા પૂરતા સ્વસ્થ હતા.

‘નોકરી-ધંધો કરતી સ્ત્રી જ ઘર ભાંગે એ જરૂરી નથી, અદિતિએ આજે પુરવાર કરી દીધું. નોકરી વિનાની અદિતિ ને નોકરીવાળાં કુસુમફોઈનાં સુધાભાભી. બે પલડાં સમાન થઈ ગયાં. હવે?’

હવે, અદાએ આનો જવાબ જુદી રીતે વાળ્યો,

‘આજે આમ તો મારું સન્માન થવાનું હતું, પણ જે બન્યું એણે ખરેખર તો મારી આંખ ઉઘાડી. સાચું કહ્યું નીમા તેં. નોકરી તો સાપેક્ષ છે. ઘર જોડવું કે ભાંગવું એ તો કેવળ ને કેવળ વહુના બંધારણ પર આધાર રાખે છે. તેના સંસ્કાર, તેના ઉછેર, તેની માનસિકતા પર આધાર રાખે છે.’

તેમનો ઇશારો પરખાતો હોય એમ નચિકેતથી ઋચા સુધીના ખુશી ઉછાળવાના આવેશમાં આવી ગયાં.

‘આજે તેં એક છોકરીને આત્મહત્યાની ગ્રંથિમાંથી ઉગાર્યાનું જાણ્યું ત્યારે સમજાયું કે તને કામ ન કરાવી મેં કેટલીયે રાજવીને જાણે બરબાદ થવા દીધી હોત, જેમ મારી સ્મૃતિવહુને દાક્તરી ન કરવા દઈ કેટલાય પેશન્ટની બદદુઆ લીધી હશે મેં.’ તેમણે ભીનાશ લૂછી, ‘મને મારા દીકરાઓ પર ગર્વ છે, પણ વહુઓનું તો અભિમાન છે. મારા જીદભર્યા વલણની ક્ષમા માગતાં મને કોઈ સંકોચ નથી થતો.’

સ્મૃતિ, જાહન્વી, નિયતિ તો રડી જ પડી.

‘આજે ભરી સભામાં કબૂલું છું નીમા, તારી સરખામણીએ હું ખોટો હતો. મારા ઘરની વહુઓ તેમનું ગમતું કામ કરી અમારા પરિવારનું નામ વધુ ઊજળું કરશે એની મને ખાતરી છે, કેમ કે તેમના સંસ્કારમાં મને શ્રદ્ધા છે.’

સૌ તાળી પાડી ઊઠ્યા. નીમા દોડીને અદાને વળગી પડી. માના આશિષ લેવા ઝૂકી તો તેમણે તેને છાતીસરસી ચાંપી દીધી, ‘સારું થયું વેળાસર આંખ ઊઘડી નીમા, કંચનને બદલે કથીર આવતું રહી ગયું.’ પછી તેનો હાથ પકડી અરેનના હાથમાં સોંપ્યો. ‘હવે વહેલાં ઘરે પધારો વહુરાણી!’

તેમના આ શબ્દો પછી અદિતિએ રોકાવા જેવું ન રહ્યું. મોં છુપાવતી તે ભાગી. પાછળ વીલા મોંએ દિવાકર-નીરજા નીકળ્યાં એટલે તેમનો હુરિયોય બોલાવાયો. એ તો જેવી જેની કરણી! આમાંથી સબક લઈ અદિતિ સુધરે તો તેના નસીબ, બીજું શું?

પછી જોકે અવૉર્ડ સમારંભ પણ થયો, પણ ખરી ઝાકમઝોળ મહિના પછી અરેન-નીમાનાં લગ્નમાં જોવા મળી.

- અને નીમાએ મહેતાનિવાસમાં કંકુવરણાં પગલાં પાડ્યાં.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 4)

‘નીમાનું કાઉન્સલિંગ જોરદાર છે, સુહાગરાત મોકૂફ રાખવાનું કહે તો માની ન જતો.’ કઝિન્સે અરેનની ખૂબ ખેંચી. જોકે પછી રૂમના મઘમઘતા એકાંતમાં બે જીવ એવા મળ્યા જાણે કદી જુદા થવાના ન હોય! તેમનું ઐક્ય, પરિવારનું સુખ શાશ્વત રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK