Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર બજેટ : પેટ્રોલ-ડીઝલ મોંઘાં, પણ ખેડૂતોને બખ્ખા

મહારાષ્ટ્ર બજેટ : પેટ્રોલ-ડીઝલ મોંઘાં, પણ ખેડૂતોને બખ્ખા

07 March, 2020 07:48 AM IST | Mumbai

મહારાષ્ટ્ર બજેટ : પેટ્રોલ-ડીઝલ મોંઘાં, પણ ખેડૂતોને બખ્ખા

ઉદ્ધવ ઠાકરે અને અજિત પવાર

ઉદ્ધવ ઠાકરે અને અજિત પવાર


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે ૯૫૧૧ કરોડ રૂપિયાની મહેસૂલી ખાધ અને ૫૪,૬૧૮ રૂપિયાની નાણાકીય ખાધ ધરાવતું વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. નાણાં મંત્રાલયનો પણ અખત્યાર સંભાળતા અજિત પવારે રજૂ કરેલા મહાવિકાસ આઘાડી સરકારના પ્રથમ બજેટમાં ખેડૂતોને રાહત, પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દરમાં લીટર દીઠ એક ટકાનો વધારો તેમ જ ઉદ્યોગો પર ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં ઘટાડા જેવી નોંધપાત્ર જાહેરાતો કરી છે. આ ઉપરાંત સ્થાનિકો માટે ૮૦ ટકા નોકરીઓ અનામત રાખવાનો કાયદો લઈ આવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

અજિત પવારે જણાવ્યું હતું કે ‘સુધારિત અંદાજ મુજબ વર્ષ ૨૦૧૯-૨૦ની કરવેરાની આવક ૨,૧૬,૮૨૪ કરોડ રૂપિયા અને મહેસૂલી આવક ૩,૧૪,૬૪૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. કેન્દ્ર સરકારના કરવેરામાં રાજ્યના હિસ્સામાં ૮૫૪૩ કરોડ રૂપિયાના ઘટાડાને પગલે મહેસૂલનો સુધારિત અંદાજ ૩,૦૯,૦૦૦ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના બજેટમાં મહેસૂલી આવકનું પ્રમાણ ૩,૪૭,૪૫૭ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યું છે અને મહેસૂલી ખર્ચ ૩,૫૬,૯૬૮ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે, પરિણામે મહેસૂલી ખાધ ૯૫૧૧ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં દેવું અંદાજે ૪,૩૩,૦૦,૯૦૧ કરોડ રૂપિયા હતું. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યે ૨,૮૨,૪૪૮ કરોડ રૂપિયાનાં ધિરાણ લીધાં છે. માળખાકીય યોજનાઓનો ૨,૭૮,૨૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ સીધી કે આડકતરી રીતે રાજ્ય સરકારે ભોગવવાનો રહેશે.’



યોગાનુયોગ ગઈ કાલે મહા વિકાસ આઘાડી સરકારને ૧૦૦ દિવસ પૂરા થયા હતા. નાણાપ્રધાન અજિત પવારે કરવેરામાં રાહતની દરખાસ્તો પણ રજૂ કરી હતી. એમાં આવતા બે વર્ષ માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી(એમએમઆરડીએ) તથા પુણે- પિંપરી-ચિંચવડ અને નાગપુર મહાનગરપાલિકાના ક્ષેત્રમાં ડૉક્યુમેન્ટ્સના રજિસ્ટ્રેશનમાં લાગુ સ્ટૅમ્પ ડ્યુટી તથા અન્ય સંબંધિત ચાર્જિસમાં એક ટકો રાહતની દરખાસ્તનો સમાવેશ છે. કરવેરામાં રાહતની દરખાસ્તોમાં ઔદ્યોગિક વપરાશની ઇલેક્ટ્રિસિટીની વપરાશ પરની ડ્યુટી ૯.૩ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા કરવાનો સમાવેશ છે. અજિત પવારે જણાવ્યું હતું કે ‘સ્ટૅમ્પ ડ્યુટીમાં રાહત મંદીના વખતમાં રિયલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહનરૂપ નીવડશે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં ઘટાડો રાજ્યના ઉદ્યોગો માટે પ્રોત્સાહન રૂપ નીવડશે. કરવેરામાં રાહતને પગલે દર વર્ષે મહેસૂલી આવકમાં ૨૫૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થશે, પરંતુ પેટ્રોલ-ડીઝલ પર વેટ (વેલ્યુ એડેડ ટૅક્સ)માં લીટર દીઠ એક રૂપિયાની વૃદ્ધિને કારણે સરકારી તિજોરીમાં ૧૮૦૦ કરોડ રૂપિયા ઉમેરાશે.’


અજિત પવારે ખેતી માટે ૨૦૧૫ની ૧ એપ્રિલથી ૨૦૧૯ની ૩૧ માર્ચ સુધીમાં બે લાખ રૂપિયા(મુખ્ય રકમ અને વ્યાજ) સુધીનાં ધિરાણો લીધાં હોય એવા ખેડૂતો માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી હતી. ૨૦૧૯ની ૩૧ માર્ચ સુધીમાં બે લાખ રૂપિયાથી વધારે રકમની ચુકવણી બાકી હોય એવા ખેડૂતો એ રકમ ચૂકવી દે ત્યાર પછી સરકાર એમના બૅન્ક ખાતાંમાં બે લાખ રૂપિયા જમા કરશે. ૨૦૨૦ની ૩૦ જૂન સુધી ધિરાણોની પરત ચુકવણી નિયમિત રીતે કરે એ ખેડૂતોને અને વર્ષ ૨૦૧૭-૨૦૧૮ અને ૨૦૧૯-૨૦૨૦ માટે ખેતીની લોન લીધી હોય એમને પ્રોત્સાહન રૂપે ૫૦,૦૦૦ રૂપિયા સરકાર આપશે.

અજિત પવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૩૦,૦૦૦ કરોડની ફાળવણી કરી


રાજ્યમાં મહા વિકાસ આઘાડી સરકારના પ્રથમ બજેટમાં ગઈ કાલે માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવા ૩૦,૦૦૦ કરોડ કરતાં વધુ રકમની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

નાણાપ્રધાનનો હોદ્દો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર જેવો જ બૅન્ગલોર-મુંબઈ ઇકૉનૉમિક કૉરિડોર હેઠળ સાતારા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઇકૉનૉમિક કૉરિડોર વિકસાવવા માગે છે. અંદાજે ૪૦૦૦ કરોડનો ખર્ચ ધરાવતા આ પ્રસ્તાવિત કૉરિડોરનો લાભ સાતારા ઉપરાંત બાજુના સાંગલી અને સોલાપુર જિલ્લાને પણ મળશે.

પવારે જણાવ્યું હતું કે કાંઠાના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોંકણ મરીન હાઇવેનું કામ પૂર્ણ કરવા માટે ૩૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, જે માટે ત્રણ વર્ષનો સમયગાળો નિર્દિષ્ટ કરાયો હતો. જોકે હજી સુધી હાઇવે પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યો નથી.

રેવાસ-રેડ્ડી પટ્ટાના દરિયાઈ હાઇવેનું કામ હજી સુધી ચાલી રહ્યું છે એમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સંપૂર્ણ હાઇવેના કામને નક્કર રીતે કરવા ઉપરાંત બેનકોટ, કેલશી, દાભોલ અને જયગઢ ખાડી પર બ્રિજનું બાંધકામ કરવામાં આવશે.

ટૂરિઝમને મોટી ફાળવણીથી આદિત્ય ઠાકરે ખુશખુશાલ

મહારાષ્ટ્રના પ્રવાસન પ્રધાન આદિત્ય ઠાકરેએ શુક્રવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૦૨૦-૨૧ના અંદાજપત્રની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ બજેટ વૃદ્ધિને વેગ આપશે. તેમણે પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગને ૧૪૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવા બદલ પવારનો આભાર માન્યો હતો. પવાર નાયબ મુખ્ય પ્રધાન ઉપરાંત નાણાપ્રધાન પણ છે.

એક સત્તાવાર યાદીમાં ઠાકરેને એમ કહેતા ટાંક્યા હતા કે આ બજેટ મહારાષ્ટ્રના સમાજના તમામ વર્ગો માટે છે. આ એક વ્યવહારુ બજેટ છે, જે રાજ્યના વિકાસને વેગ આપશે. તેમણે જણાવ્યું હતું કે તેમના વિધાનસભા મતવિસ્તાર વર્લીમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનું એક્વેરિયમ અને ટૂરિઝમ કૉમ્પ્લેક્સ બાંધવાથી પ્રવાસનને વેગ મળશે.

આમઆદમીનું બજેટ અને એનું લક્ષ્ય છે સર્વનો વિકાસ : પવાર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે બજેટ પ્રસ્તુત કરતી વખતે કહ્યું હતું કે સરકારના પહેલા બજેટમાં રાજ્યના તમામ વર્ગના વિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નાણાખાતું પણ સંભાળતા અજિત પવારે રાજ્યની વિધાનસભામાં કહ્યું હતું કે આ બજેટ સામાન્ય લોકો માટે સામાન્ય સરકારનું છે. જે લોકો બજેટને રાજકીય નજરથી જુએ છે તેમને આ બજેટથી સંતોષ થશે. અમે જે પણ જાહેરાત કરી છે તે પૂરી કરવાનો આગામી વર્ષોમાં ભરપૂર પ્રયાસ કરીશું.

બજેટ રજૂ કરવા માટે વિધાનભવનમાં દાખલ થતાં પહેલાં પત્રકારો સાથે વાત કરતી વખતે અજિત પવારે આમ કહ્યું હતું. આ સમયે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ તેમની સાથે હતા. તેમણે કહ્યું હતું કે ‘અમારી સરકારે ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય લીધો છે. આ સરકાર લોકો, સામાન્ય જનતાની છે. આ બજેટ સામાન્ય લોકોનું, જે સામાન્ય લોકોની સરકાર દ્વારા બનાવાયું છે, જેમાં તમામ વર્ગના વિકાસને ધ્યાનમાં રખાયો છે.’

સ્ટૅમ્પ ડ્યુટીમાં બે વર્ષ માટે ૧ ટકાની રાહત જાહેર કરાઈ

ઘર ખરીદીને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકારે બજેટમાં ગ્રાહકોને રાહત આપી છે. આગામી બે વર્ષ માટે સ્ટૅમ્પ ડ્યુટીમાં ૧ ટકાની છૂટ જાહેર કરી છે. આ રાહતથી પ્રૉપર્ટી માર્કેટમાં સકારાત્મક વાતાવરણ નિર્માણ થવાની આશા રખાઈ રહી છે. પ્રૉપર્ટી માર્કેટ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. મકાનની ખરીદી લગભગ ઠપ થઈ જવાથી આ ક્ષેત્રને મોટી અસર પહોંચી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે આગામી બે વર્ષ સુધી સ્ટૅમ્પ ડ્યુટીમાં ૧ ટકાની રાહત આપવાની જાહેરાત ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાનની સાથે નાણાપ્રધાન અજિત પવારે બજેટમાં કરી હતી. આ રાહત મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ એરિયા ઉપરાંત પિંપરી-ચિંચવડ અને નાગપુર વિસ્તારના ગ્રાહકો માટે હોવાનું તેમણે કહ્યું હતું.

ઉદ્યોગો માટે કોઈ પગલાં નથી બજેટમાં : કૉન્ગ્રેસી નેતાની ટકોર

વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે મહાવિકાસ આઘાડી સરકારના બજેટની પ્રસંશા કરતાં એમાં રાજ્યના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કોઈ વિશેષ જોગવાઈ ન હોવા બદલ ટકોર કરી હતી.

તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની ખોટી નીતિને કારણે અર્થતંત્ર કટોકટી વેઠી રહ્યું છે. ચવાણે નાણાખાતું સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે બજેટમાં સમાજના બધા વર્ગના લોકો સાથે ન્યાય કરવામાં આવ્યો છે. જોકે બજેટ રજૂ કરતી વખતે સમસ્યાઓ પણ સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી કોઈ વિશેષ જોગવાઈ કરવા બાબતે અફસોસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે વીજ દર પરના ટૅક્સમાં ઘટાડો કરાયો છે, પરંતુ એનાથી કોઈ વિશેષ ફરક નહીં પડે. રાજ્યમાં નવાં રોકાણો આવી ન રહ્યાં હોઈ રોજગાર સર્જન પણ નહીં થાય એમ પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું. નવાં રોકાણો આકર્ષાતાં ન હોઈ અનેક ઔદ્યોગિક એકમો બંધ થઈ રહ્યા છે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર એકલી આ સમસ્યાનો ઉકેલ નહીં લાવી શકે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને નક્કર પગલાં લેવાં પડશે.

સરકારના બજેટથી પ્રાદેશિક અસંતુલન વધશે : બીજેપી

મહાવિકાસ આઘાડી સરકારે ગઈ કાલે પ્રસ્તુત કરેલા બજેટ વિશે રાજ્યના મુખ્ય વિરોધી પક્ષ બીજેપીએ કહ્યું હતું કે આ બજેટમાં ખેડૂતો, યુવાઓ અને મહિલાઓના વિકાસ માટે કંઈ ન હોવાથી પ્રાદેશિક અસંતુલનમાં વધારો થશે.
મુખ્ય વિરોધી પક્ષ બીજેપીએ કહ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં શિવસેનાની આગેવાનીમાં મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના થઈ ત્યારે ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવાનું વચન આપેલું. પહેલા બજેટમાં આ બાબતે કોઈ જોગવાઈ નથી કરાઈ.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘બજેટમાં ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ માટે કંઈ નવું નથી. વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રને પણ કંઈ નથી અપાયું. બજેટમાં કોંકણ ભાગ માટે જોગવાઈ કરવાનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ વધારે મહત્ત્વ અપાયું હોય એવું લાગતું નથી.

મુંબઈમાં વૈશ્વિક કક્ષાનું માછલીઘર બાંધવાની દરખાસ્ત

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે મહાવિકાસ આઘાડી સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં તેમણે મુંબઈમાં વૈશ્વિક કક્ષાનું માછલીઘર બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી જે ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ ટૂરિઝમ કૉમ્પ્લેક્સનો ભાગ હશે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રવાસન વિભાગના અધિકારીઓને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું માછલીઘર તૈયાર કરવાની યોજના તૈયાર કરવા આદેશ આપ્યો હતો.

વરલી ડેરીની જમીન પર ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ ટૂરિઝમ કૉમ્પ્લેક્સ ઊભું કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું માછલીઘર પણ તૈયાર કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2020 07:48 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK